Saturday, July 28, 2007

ભાવવિશ્વ....9

દીકરી…

એકલતા મિટાવતી
મધુરતાથી સજાવતી
સૂનકારને સદા…

વહાલી ઝિલ,

આજે ફોનમાં તારી સાથે કેટલી યે વાતો કરી.હવે આપણી વાતોનું કેન્દ્ર શુભમ બની ગયો છે.એ તને ખ્યાલ પણ કદાચ નહીં આવ્યો હોય.પણ મને તો બરાબર ખ્યાલ આવે છે.તારી વાતો ફરીફરી ને કેન્દ્ર પાસે અનાયાસે પહોંચી જાય છે.અને હું મનોમન મલકાઉ છું.પણ એવું તને મોઢે જલ્દી થોડું કહેવાય?તો તું ગુસ્સે થઇ ને તરત કહે,”જાવ,નહીં કરું એની વાતો બસ…?અને મારી લાડલી રિસાઇ જાય એ મને કેમ પોષાય?હું તો તારી મિત્ર પણ ખરી ને?

“મળે જીવનને તાલ, ઉડે જો પ્રેમનો ગુલાલ”

તારા જીવનને પ્રેમનો શુભમરૂપી તાલ મળવાથી ગુલાલના રંગો જીવનમાં ઉડી રહ્યા છે.એ રંગોની સુરભિથી જીવનઝરણું ખળખળ નહીં ..પણ ધસમસતું વહી રહ્યું છે.અને એના કાંઠે ઉભીને યે ભીંજાઇએ છીએ.
મનમાં તો કંઇક ઘોડા દોડતા હોય છે.(તું એમ ન કહેતી કે ઘોડા જ કેમ?ગધેડા કેમ ન દોડે?અને કહી ને હાઆઆઆઆઆઆ..કરતી હસી પડીશ.) અને એ હસવાની સાથે હું યે મલકી રહું છું.મનમંડપમાં પ્રસંગોના મેળા ઉભરાય છે.અને હું એ મનમેળામાં મહાલી રહું છું.(રમેશ પારેખનો મનપાંચમ નો મેળો અનાયાસે ડોકિયુ કરી જાય છે.)
પણ મને તો અત્યારે …

”સજયો કેસરિયો સીમે શણગાર જો,
ના ગમતું ગનાન,વાત વહાલપની માંડ”

કયાંક થી વાંચેલ આવું કંઇક હું અનુભવી રહું છું.

તો વહાલપની વાત કરીશું ને?અને યાદ કરીશ મારા મલકાટ ના રહસ્યની.

તારી સ્કૂલના પહેલા વરસનો પહેલો દિવસ તને તો કયાંથી યાદ હોય?ત્યારે તું પૂરા ત્રણ વરસની પણ નહોતી.
પહેલે દિવસે બીજા બધા બાળકોની જેમ સ્કૂલે તો તું રડી નહીં.મને થયું કે અમે તને સ્કૂલ માટે પહેલેથી મેન્ટલી તૈયાર કરેલી.. એટલે વાંધો ન આવ્યો.અને હું મનોમન એને મારી સફળતા ગણી હરખાતી હતી.! ત્યાં….ત્યાં ઘેર આવી ને તેં તો કર્યો ભેંકડો ચાલુ.અને મેં કારણ પૂછયું તો કેવી યે નિર્દોષતાથી જવાબ આપ્યો,”મને યે સ્કૂલમાં રડવું આવતું હતું..પણ ટીચરની બીક લાગતી હતી.એટલે ન’તી રડી..! હવે ઘેર તો રડું ને?…”

અને અમે કેમે ય હસવું રોકી નહોતા શકયા.સ્કૂલમાં રડવાનું રહી ગયું હતું..એટલે ઘેર આવી ને પૂરુ
તો કરવું ને?વાહ બેટા,શાબાશ..!! હું નકામી મારી પર હરખાતી હતી.!!

જોકે ઘર પોતાનું છે..અહીં પોતે ધારે તે કરી શકે..સલામતીની આ કુદરતી ભાવના દરેક બાળકના મનમાં રહેલી હોય જ છે.બહારગામથી આવતા તમે ભાઇ બહેન થોડી વાર તો ઘરમાં બધા રૂમમાં ફરતા ફરતા કેવા કૂદકા મારતા..! એ મને બરાબર યાદ છે.ઘરમાં તો દરેક બાળક રાજાપાઠમાં હોય ને?

અને એકવાર મને જોન્ડીસ થયેલ..હું હોસ્પીટલમાં હતી.ત્યારે તું સીનીયર..કે.જી.માં અને મીત એલ.કે.જી. માં હતા.ત્યારે તમને બંને ને મમ્મીની ચિંતા થયેલ.! કેવી ચિંતા?લાકડાની ચિંતા.!!અને પપ્પા અગળ એ ચિંતા વ્યકત પણ કરેલ,”પપ્પા.મમ્મી મરી જાય તો આપણે યે કેટલા બધા લાકડા લેવા પડે ને?”અને પપ્પાને તો હસવું કે રડવું એ યે સમજ ન પડી.ટી.વી.માં કયાંક તમે જોઇ લીધેલ અને હોસ્પીટલ.મરવા અને લાકડાનો સંબંધ તમારી રીતે જોડી લીધેલ.બાકી મરી જવું એટલે શું ?એ તમને કયાં ખબર હતી?(આજે મને યે કયાં ખબર છે?મરી જવાનો સાચો અર્થ)

અને કયા શિશુ પાસેથી આવું કંઇ ને કંઇ કયા મા બાપે નહીં સાંભળ્યું હોય?”શિશુમુખેથી” એ નિર્દોશ ચંચળતા વાંચી ને અનુભવીને મલકયા વિના રહી શકાય?સ્મિત…સાચા આનંદની શીતળ લહેરખીઓ આંતરમનને સ્પર્શ્યા વિના રહે જ નહીં ને?દરેક મા બાપ માટે…ખાસ..તો જીવન સંધ્યાએ.. એ સ્મૃતિઓ જીવનનો ઉલ્લાસ બની રહે છે.જે જીવનને સભર..લીલુછમ્મ રાખે છે.અને એ સ્મરણોને વાગોળવાનો આનંદ તો આ ઉમરે જ સમજાય.ખાસ કરીને બાળકો જયારે ભૌતિક રીતે દૂર હોય..ઘરમાં એકાંત કે એકલતા હોય..ત્યારે દરેક મા બાપ માટે આ યાદો અણમોલ ખજાનો બની રહે છે.આજે અમે યાદ કરીએ છીએ..ત્યારે મને તો એમ કહેવાનું મન થાય છે..

”મુજ વીતી તુજ વીતશે…નહીં..પણ…મેં માણ્યું..તું માણશે…”

આજે તારી સૃષ્ટિ ..તારું વિશ્વ સ્વાભાવિકતાથી બદલાઇ ગયું છે.પરિવર્તન જીવનનો સહજ ,કુદરતી ક્રમ છે.તારી આંખોમાં આજે ભાવિના..જીવનસાથીના સપના ડોકાય છે.અને અમારી આંખે અતીતની યાદો ઉઘડે છે.દરેક અવસ્થાનું એક ગૌરવ..એક આગવું સૌન્દર્ય હોય છે. એ સ્વીકારી ને માણી શકીએ તો કયારેય કોઇ અવસ્થાનો અફસોસ ન રહે.

”આયખુ જમનાજળ,
વહેવાનું ખળખળ,
મારગડે મળે કોઇ પળ બે પળ”

જીવનવાટમાં કેટલાયે લોકો મળતા રહે છે.સારા નરસા અનુભવો થતા રહે છે.દરેક અનુભવ આપણને કંઇક શીખડાવતો જાય છે.અને અત્યારે કદાચ એનું મહત્વ ન સમજાય પણ એક દિવસ જીવનસંધ્યા ના સમયે એ અનુભવો જીવનપાથેય બની રહે છે.

શું વાતો કરી આજે શુભમ સાથે?ભણવાનું કેમ ચાલે છે..એ પૂછીશ તો હમેશની જેમ તારો એ જ જવાબ હશે..રીઝ્લ્ટ આવે એટલે જોઇ લેવાનું.”અને રીઝલ્ટ જોયા પછી કયારેય મારે કંઇ પૂછવાનું તમે ભાઇ બહેને રાખ્યું નથી જ.એટલે એ જવાબ મને ચાલી જાય છે.
પત્રના જમાના તો ગયા હવે.બારસાખે ઉભી ટપાલી ની પ્રતીક્ષા કરતી યુવતી ની વાતો તો કોઇ કવિના કલ્પના પ્રદેશમાં જ..કાવ્ય માં જ જોવા મળે ને?

હવે તો ..ફોનની ઘંટડીઓ રણકતી રહે અને કી બોર્ડની ચાંપો દબાતી રહે…

અને હાય…અને બાય….છલકતા રહે… બસ..ખુશ રહો…બેટા,ખુશહાલ રહો..

”આંગણામાં વાવ્યું છે વૃક્ષ મેં કદંબનું,
એ છે પ્રતીક આપણા સ્નેહના પ્રસંગનું.”

મમ્મીનું વણખૂટયું વહાલ.

-----------------------------------------------------------------------

Jugalkishor Says:
દીકરીની વાત કરતાં કરતાં તમે બહુ જ સહજતાથી તમારો સંદર્ભ ઉભો કરીને ભુતકાળ અને વર્તમાનને સાંધી લો છો તે સાચ્ચે જ તમારા ગદ્યને એક ઉંચાઈ આપી દ્યે છે. હું તો આગળ વધીને એ પણ કહીશ કે આ લખાણો માતા-પુત્રીનાં ન રહેતાં એનું સાચા અર્થમાં સાધારણીકરણ થાય છે જે સારા સાહીત્યનું મહત્વનું લક્ષણ છે.

તમારો આ પ્રયોગ સામાન્ય લેખકોના વાર્તાલેખનથી ક્યાંય આગળ નીકળી જાય છે. અભીનંદન.

No comments:

વાચકોના પ્રતિભાવ