Saturday, July 28, 2007

ભાવવિશ્વ....10

”દીકરી…

વહાલનો પર્યાય,
વહાલનો દરિયો
ઓટ વિનાનો..”

વહાલી ઝિલ,

“બારી ખોલો ! ચોઘડિયું બેઠું ફૂલોનું,
ઘર આખું આકળ વિકળ છે,
લો શુકન થયા.”

આજે તો સવારથી હું પરમ આશ્ર્વર્યથી તારી દોડાદોડી,જોઇ રહી હતી.આજે શુભમ યુ.એસ. પાછો જવાનો હતો અને હવે એક વરસ પછી લગ્ન માટે આવવાનો હતો.આજે તો તને મારી સાથે વાત કરવાનો યે સમય કયાં હતો?હું સોફા પર બેઠી બેઠી પતંગિયાની જેમ ઉડતી પુત્રીને નીરખી રહી હતી.ઘડીકમાં શુભમની ચિંતા કરતી,ઘડીકમાં શુભમને પ્રેમથી ખીજાતી…”તારે રૂમાલ લઇ જવાના હતા ને?ભૂલાઇ ગયા ને?હવે છેલ્લી મિનિટે દોડાદોડી કરશે.! કપડા બધા ધોબી ને ત્યાંથી આવી ગયા?એકે ય ભૂલાઇ નથી ગયા ને?કંઇ રહી નથી જતું ને?”

હું તો બસ મૌન રહી સાંભળી જ રહી.”અરે,આ બધા તો મારા રુટિન ડાયલોગ હતા ! વેકેશન પૂરુ થાય અને તું હોસ્ટેલે જતી હોય ત્યારે બોલાતા મારા શબ્દો..સમજદારીનું આ મૂળ કયાંથી ઉગી નીકળ્યું?આ અંકૂર કયારે ઉગી ગયા?કયા ખાતર પાણી એને મળ્યા હશે?કદાચ શુભમના પ્રેમના ખાતર પાણી હશે !મનમાં એક વિચાર ખબર નહીં કેમ ઝબકી ગયો…આજે તો બંને એકબીજાને સર્વગુણ સંપન્ન દેખાય છે.બસ..આ જ દ્રષ્ટિ હમેશ માટે જ્ળવાઇ રહેવી જોઇએ.! ગુણ વ્યક્તિ કરતાં દ્રષ્ટિમાં વધુ હોય છે ને?

ત્યાં અચાનક શુભમને ન જાણે શું સૂઝયું.મારી પાસે આવી ને કહે,” .”મમ્મી,મારી ઝિલનું ધ્યાન રાખજો..” ”હા,બેટા,તું ચિંતા ન કર…!

(અને કદાચ મનમાં જ બોલી કે આટલા વરસો તું જ એનું ધ્યાન રાખતો હતો ને..!!!)અને હું હસી પડી…

હજુ કાલ સુધી હું જેની બેગ પેક કરી આપતી હતી..તે આજે કોઇની બેગ પેક કરી રહી હતી.હં..તો બેન ને બધું આવડતું હતું…આ તો મમ્મી કરી આપે એના નખરા હતા બેન ના…મારી લાડલી ના.

“હતી સાયબી કંઇ અમારી નવાબી;
હવે એ યાદના થોડા સિક્કાઓ બચ્યા છે.”

અને “લાડલી” શબ્દની સાથે જ મને યાદ આવી ગયા..દીકરાના…મીતના શબ્દો..

નાનપણમાં ભાઇ બેનને ઘણીવાર કોઇ વસ્તુ માટે કે કોઇ વાત માટે ઝગડા થતા..ત્યારે પુત્ર મીત હમેશા મને ફરિયાદકરતો,”મમ્મી,આ તારી લાડલી ને કહી દેજે હોં.! અને તું પણ આવું જ કહેતી,”મમ્મા, આ તારા લાડલાને કહી દેજે..”
અને હું હમેશા ગૂંચવાતી રહેતી બંને ની વચ્ચે..અને હસીને કહેતી,:”મને કયારેય નથી સમજાયું કે મારા લાડલી અને લાડલા કોણ છે?” અને આજ સુધી એ પ્રશ્ન અનુત્તર જ રહ્યો છે.કે મને કોણ વધારે ગમે છે?આજે યે બંને ભાઇ બહેન વચ્ચે આ મીઠો ઝગડો ઉભો જ રહ્યો છે.ને ઉભો જ રહેશે તેની ખાત્રી છે.કયારેય આ વાતનો મારી પાસે જવાબ નહીં હોય.. કેમકે કોઇ મા પાસે જવાબ ન હોય કે તેને ડાબી આંખ વધુ ગમે કે જમણી?

યાદ છે..?જોકે આ તો તને બહુ યાદ છે…એની મને ખબર છે.તમારા માટે પહેલીવાર બે પૈડાની નાની સાઇકલ પપ્પા લાવ્યા હતા.અને પહેલા કોણ ચલાવે તે માટે તમારા બંને ની લડાઇ ચાલતી હતી.તમારે જ તમારું ફૉડી લેવાનું હતું.કેમકે મેં તો હમેશની જેમ કહી દીધું હતું કે હું કંઇ ન જાણું..તમે બંને નક્કી કરી લો.”

કેમકે મારે તો લાડલા ને લાડલી….બંને ને સાચવવાના હોય ને?એટલે એવું કોઇ જોખમ હું તો કયારેય લેતી જ નહીં.

અંતે તેં તારા ભાઇલાને કેવીયે સરળતાથી પૂછયું,”ભાઇલા,તને પ્લેન ગમે કે સાઇકલ?” અને ભોળા ભાઇલાએ નિર્દોષતાથી જવાબ આપ્યો,”પ્લેન..!!” અને તેં તરત કહ્યું,”તો જો તું પ્લેન આમ ચલાવ..અને હું સાઇકલ ચલાવું.”આમ કહી તેં પ્લેન ચલાવવાની એક્શન કરી બતાવી.

અને તારો ભોળો ભાઇલો પ્લેનની ઘરઘરાટી બોલાવતો કમ્પાઉન્ડમાં આંટા મારવા લાગ્યો.અને તું સાઇકલ લઇ ઉપડી ગઇ.!!

પણ પછી મારાથી ન રહેવાયું..મેં મીતને ઉભો રાખી પૂછયું, બેટા,શું કરે છે?”તે કહે,”પ્લેન ચલાવું છું” મેં કહ્યું,”પણ પ્લેન કયાં?” અને……….અને અચાનક તેને ખ્યાલ આવ્યો કે બેન તેને ઉલ્લુ બનાવી ગઇ છે..!! અને પછી..પછી તો…..

પણ ત્યાં તો તું સાઇકલ લઇ ને આવી ગઇ હતી..અને પ્રેમથી ભાઇલાને આપી દીધી.!!!!

આજે યે તારા જીનીયસ ભાઇલાને એ વાત યાદ કરાવીને તું એની મસ્તી કરવાનો મોકો ચૂકતી નથી હોં !

શુભમને આમ કયારેય ઉલ્લુ ન બનાવતી હોં ! ના,ના, આજે તો તું ડાહી થઇ ગઇ છે.(મતલબ ત્યારે…..?????)

અને આજે તો તારો ભાઇલો યે તને ઉલ્લુ બનાવે એવો થઇ ગયો છે.!!!!

આજે શુભમની બેગ પેક કરતી તને જોઇને એક મા ના આશીર્વાદ સરી પડે છે..”બેટા,હમેશા આવા જ પ્રેમથી છલકતા રહો.સાચા અર્થમાં સહપ્રવાસી ..મિત્ર બની રહો. અને તમારા મધુર કલરવથી અમારું જીવન છલકી રહો.

રાત્રે એરપોર્ટ પર તો તે બે સિવાય જાણે કોઇનું અસ્તિત્વ જ નહોતું.ચાંચ માં ચાંચ નાખી ઘૂ ઘૂ કરતાં પારેવાની જેમ બંને એકબીજાને બાય કહેવામાં, ગુફતુગુ કરવામાં જ ખોવાઇ ગયા હતા.અમે બધા વડીલો બંને ની ઘૂસપૂસને દૂરથી માણી રહ્યા હતા.અને અંતે છૂટા પડવાનો સમય આવ્યો..અને શુભમને ખ્યાલ આવ્યો..આવીને તેની મમ્મીને અને મને પગે લાગ્યો અંતરમાંથી આશીર્વાદની ધારા આપમેળે વહી જ રહે ને?

“છૂટા પડતી વખતે બોલવાનું શું?
શબ્દોમાં હૈયાને ખોલવાનું શું?”

બસ….

”શિવાસ્તે તવ પંથા:..”
મમ્મીના આશિષ.

No comments:

વાચકોના પ્રતિભાવ