Saturday, July 28, 2007

ભાવવિશ્વ....11

દીકરી…

જયોતે ઝબૂકતી દીવી,
ઉજાળે ખોરડું.
નીતર્યા વહાલે.

વહાલી ઝિલ,

“મનમાં અતલ ઉદાસી ને આંખોમાં ચૈત્રતા,
જાણે વરસાદમાં અંધારાયેલ કોઇ દિવસ.!”

કાલે શુભમ ગયો.અને આટલા દિવસથી થિરકતી,નાચતી,કૂદતી..તું બે દિવસ ઉદાસ બની ને મૌન થઇ ગઇ.કદાચ શુભમ સાથે ગાળેલ ક્ષણોને ફરી એકવાર મનમાં જ માણતી રહી.એ ક્ષણોને ફરી એકવાર અંતરમાં ઉજાગર કરતી રહી.મને ખબર હતી..વહેલી મોડી તું આ ક્ષણોમાં મને ભાગીદાર બનાવીશ.કેમકે આપણે ફકત મા દીકરી જ થોડા હતા? આપણે તો હતા..(ને છીએ)પરમ મિત્રો ! પણ.તું યે કદાચ મારા પૂછવાની જ રાહ જોતી હતી..! અને તું કહેતી રહી..હું અખૂટ રસથી તારા ભાવવિશ્વ માં તારી સાથે વિહરતી રહી.

શુભમે આમ કહ્યું..અમે આમ કર્યું.અમે અહીં ફર્યા..આ ખરીદી કરી..’અમારા ‘ઘરમાં આમ કરે ને ‘અમારા’ ઘરમાં બધાને આ ગમે ને આ ન ગમે..!!!! તારી યે જાણ બહાર તારી વાતોમાં આપણા ઘરને બદલે “અમારું ઘર “ શબ્દ આવી ગયો હતો.!

“વહાલમ,તારે ફળિયે હું તો વહાલ થઇ ને વરસું,
પારિજાતના ખરખર ખરતા ફૂલ બની ને મહેકું.”

એક દિવસમાં પારકાના ઘરને પોતાનું ગણી શકે તે સમજણ દરેક ભારતીય પુત્રીમાં કયાંથી ઉગી નીકળતી હશે?મારી પુત્રી આજે બીજાને શું ગમે ને શું ન ગમે….એની વાતો કરતી હતી.! હું તારી મુગ્ધતામાં ખોવાઇને તારી એ થનગનતી ક્ષણો માણતી હતી.આવા દિવસો એકવાર મેં પણ માણ્યા હતા.અને આજે મારી પુત્રી દ્વારા ફરી એકવાર એ રોમાંચક દુનિયામાં હું યે ગુમ થઇ હતી.અને આશીર્વાદની અમીધારા તો હમેશની જેમ વહેતી જ હતી,”બેટા,તારા સપના સૌ અખંડ સૌભાગ્યવંતા બની રહો.તારા શમણાને સમયની નજર કયારેય ન લાગે.”

આ નજર શબ્દની સાથે જ એક દ્રશ્ય “હાજીર હૂં..”કરતું મારી સામે દોડી આવ્યું. તું એક વરસની હતી.તારા કિલકિલાટથી અમે ગૂંજતા હતા.ત્યારે તને બે ચાર દિવસ તાવ આવ્યો.અને દવા આપવા છતાં જલ્દી ઉતરતો નહોતો.ત્યારે ઘણાં એ મને કહ્યું કે “છોકરીને કોઇની નજર લાગી ગઇ છે.કાળા દોરા…નજરિયા નથી બાંધ્યાને એને એટલે.! બા પણ ખીજાણા..અને કાળા દોરા હાથમાં અને ગળામાં બાંધવા કહ્યું. હું તો આ બધામાં જરાયે ન માનું.અને જે ન માનું તે કરું પણ નહીં જ કયારેય..(મારો આ સ્વભાવ પહેલેથી જ રહ્યો છે.અને મારા પપ્પાએ તો એટલે મારું નામ “મનચલ્લી”પાડેલ.)

એટલે દોરા ..ને એવી બધી વાતોમાં જરા પણ વિશ્વાસ ન હોવા છતાં..તે દિવસે એક “મા “એ બધી જીદ મૂકીને એકવાર તો તારા ગળામાં”નજરિયા”પહેલી ને છેલ્લી વાર જરૂર બાંધ્યા હતા.મા ની લાગણીને કયાં કોઇ માન્યતા હોય છે?તાવ તો અલબત્ત દવાથી જ ઉતર્યો.અને ત્યાર પછી કયારેય એ બધું સ્વીકાર્યું નથી.

તારી સગાઇ વખતે પણ ઘણાં એ કહેલ કે આજે ઝિલ બહું સરસ દેખાય છે.કાન પાછળ એક કાળુ ટપકુ કરી દેજો કહેનાર .વડીલ હોવાથી મેં દલીલ તો ન કરી.પણ કંઇ કર્યું પણ નહીં.મેં તો મૂરત,ચોઘડિયું પણ કયાં જોવડાવ્યા હતા?ઇશ્વરને જો ખરેખર માનતા હોઇએ તો ઇશ્વર નિર્મિત એક પણ ક્ષણ ખરાબ…અશુભ કેમ હોઇ શકે?

બેટા,જન્મથી અત્યાર સુધીમાં તારા કેટકેટલા સ્વરૂપો જોયા છે,જાણ્યા છે ,માણ્યા છે.અને હજુ કેટલાય જોવાના બાકી છે.તું ચાલતા શીખી,બોલતા શીખી.સ્કૂલે જતી થઇ..દરેક અવસ્થાની આગવી ક્ષણો મનના કેમેરામાં એવી તો કંડારાઇ ગઇ છે કે જે સમયની સાથે ઝાંખી થવાને બદલે વધુ ઘેરી બની રહી છે.

ધીમે ધીમે તારું વર્તુળ વિસ્તરતું ગયું..અને આજે એના કેન્દ્રમાં મારી જગ્યાએ શુભમ કયાંથી,,કેમ..કયારે આવી ગયો..તેની મને તો ખબર સુધ્ધાં ન પડી..તને પડી હતી કે કેમ અ યે કદાચ પ્રશ્ન છે..જેનો પૂરો જવાબ કદાચ તારી પાસે યે નહીં હોય.એ તકાજો યૌવનનો,પ્રકૃતિનો હોય છે કદાચ..અને દરેક દીકરીના આકાશમાં અનાયાસે એ છાના પગલે આવી જ જાય છે.

”તારીખ ,વાર એના હું નહીં આપી શકું,
મલકયું’તુ એક ફૂલ,એટલું બસ યાદ છે.”

મા ને કેન્દ્ર સ્થાને રાખી ને ફરતી તું હવે શુભમની આસપાસ ફરતી થઇ.એ સ્વાભાવિક પરિવર્તન દરેક મા એ હોંશે હોંશે સ્વીકારવું જ રહ્યું.દરેક દીકરી ને એક દિવસ પોતાનો આગવો સંસાર,આગવું ઘર હોય છે.બસ… એ ઘરમાં તું ખીલતી રહે,ને જીવનમાં આવતી સારી નરસી દરેક ક્ષણોમાં પણ અંતરની અમીરાત અકબંધ જળવાઇ રહે..એ જ પ્રાર્થના દરેક મા ની દીકરી માટે હોય ને?

મારા મનમાં તો અત્યારે રમી રહે છે..કયાંક વાંચેલી આ સુંદર પંક્તિઓ.

”મોરલીની માધુરીને માથે ધરીને રાજ,
મારગ થઇ મથુરાના ચાલશું,
ગોરસ થઇ વ્હાણે વલોણે છલકાઇશું
કે કળીઓ કદંબની થઇ મહોરશું,
વહાલપના વેણે વનરાવન થઇ મલકીશું.”

તારા અને દરેક દીકરીના જીવનમાં વહાલપના વનરાવનની ખોટ કયારેય ન રહે.
એ જ આશિષ સાથે…..

મા.

No comments:

વાચકોના પ્રતિભાવ