Saturday, July 28, 2007

ભાવવિશ્વ....12

દીકરી…

પંખી નો ટહુકો,
સંગીતનો મલ્હાર
છલકતી ખુશી.

લાડલી ઝિલ,

આજે…આજે પરમ આશ્ર્વર્ય..!!આનંદ …આનંદ..

”આજે તારો કાગળ મળ્યો,
ગોળ ખાઇ ને સૂરજ ઉગે
એવો દિવસ ગળ્યો.”

આજે તેં હોસ્ટેલમાંથી ઘણાં સમય બાદ મને કાગળ લખ્યો.લાંબો મજાનો..તારા અંતરની ઉર્મિઓ વ્યકત કરતો..! એ કાગળ એક મા માટે અમૂલ્ય સંભારણુ સ્વાભાવિક રીતે જ બની રહે.અને સાચું કહું તો મને તો આ ફોન કયારેય ગમતા નથી.ફોનથી તો સમાચાર પૂછી શકાય કે સમાચાર મળી શકે.ભાવની ભીનાશ એમાં કયાં?કાગળ તો મન થાય એટલી વાર…ગમે ત્યારે વાંચી શકાય..માણી શકાય.અને એક જ લાગણી મનફાવે ત્યારે તેટલીવાર અનુભવી શકાય.કોઇ ઉદાસ પળનો એ સથવારો બની રહે.

એટલે ટપાલીએ લેટર હાથમાં મૂકયો..અને તારા અક્ષર જોયા ત્યારે આ લાઇન મનમાં રમી રહી.

“એક ટપાલી મૂકે હાથમાં, વહાલભરેલો અવસર
થાય કે બોણી આપું? કે પહેલાં છાંટુ અત્તર?”

કેવી સરસ પંક્તિ છે નહીં?કોની લખેલી છે.. એ તો આજે યાદ નથી.પણ લખનાર ને સલામ કર્યા સિવાય કેમ રહેવાય?
કાગળમાં તેં પણ કેટલી યે યાદો લખી હતી.તું ત્યાં બરોડામાં છલકતી હતી..અને હું અહીં..દૂર રહી ને…! આપણું ભાવવિશ્વ એક સાથે અલગ અલગ જગ્યાએ સાથે ઉજાગર થયુ હતું.!! તારી પરીક્ષાઓ પાસે આવતી હતી.એવું પણ તેં લખેલ.

અને પરીક્ષાની સાથે..મારા મનમાં તારી સ્કૂલની પહેલી પરીક્ષા …એલ.કે.જી.ની પરીક્ષાની યાદ આવી ચડી.ત્યારે તારે ઓરલ પરીક્ષામાં ફૂલના અને ફળના પાંચ નામ બોલવાના હતા.અને તને પાંચ તો શું દસ આવડતા હતા.પણ ઘેર આવી ને મેં પૂછયું..ત્યારે આરામથી કહી દીધું”મારે થ્રી જ બોલવા હતા.!”!! મારે તો શું કહેવું તને એ યે સમજ નપડી.ખીજાવાનો કોઇ અર્થ કયાં હતો?ત્રણ વરસની બાળકી ને શું પરીક્ષા ને શું પરિણામ?

નંબરની અમને મા બાપ ને પડી હોય..તમે તો ત્યારે એ બધાથી પર હતા.હજુ સંસારનો પવન સ્પર્શ્યો નહોતો.અને બીજે દિવસે મેથ્સની પરીક્ષા આપવા જતી વખતે તેં કેવી યે નિર્દોષતાથી પૂછેલ, હેં મમ્મી,મેથ્સ એટલે શું?” અને મારી પાસે જવાબ કયાં હતો?

અને તારા ટીચરે તમને કોર્ષ લખેલ કાગળ આપેલ અને સાચવવા કહેલ હશે એટલે ઘેર આવી ને,”મમ્મી,આને કબાટની અંદર મૂકી દે. સાચવવાનો છે.”હું એમાં જોતી હતી.કે કોર્ષમાં શું છે…ત્યાં તો તેં જોવાની ચોખ્ખી ના પાડી દીધી.”મારા ટીચરે સાચવવાનું કહ્યું છે.. કંઇ બધું જોઇ લેવાનું નથી.!!!” અને તને કેટલો યે વાંધો પડી ગયો હતો.! અને અંતે મારે “સાચવીને” કબાટમાં મૂકી દેવો પડયો હતો.અને પછી તું સૂઇ ગઇ ત્યારે કોર્ષ જોવો પડયો હતો.
પ્રસંગોની વણઝાર આજે વણથંભી આગળ ચાલે છે.અને આંખો સામે ઉલેચાય છે આખો યે અતીત.

અને એલ.કે.જી.નું વરસ પૂરુ થયું ત્યારે તો તું કેવી યે ખુશખુશાલ થઇ ઉઠી હતી અને મને કહ્યું હતું,”મમ્મી,હવે ભણવાનું પૂરુ ને.!? હવે મને આખી એ.બી.સી.ડી.અને વન ટુ હંડ્રેડ(1 થી 100) આવડી ગયા છે ને?શૈશવના એ બધા પ્રશ્નોના જવાબ કોઇ પણ મા બાપ માટે આસાન થોડા જ હોય છે?અને બેટા,એક એક રીતે કહું તો આમે ય આજે પણ તું એ વન ટુ હંડેર્ડ અને એ.બી.સી.ડી. માં જ રમે છે ને?અમે તને સીધી શીખવાડી હતી. હવે તું એને આડી અવળી કરીને લખે છે..! બસ આટલો જ ફરક છે ને?નવો એકે ય અક્ષર તેં કયાં શીખ્યો છે ?હા..હા..હા..હા..! મજા આવી ગઇ ને?

“કોઇએ ગીત છેડયું ને જાગી ગયું આખું યે તળાવ.”

શૈશવ માટે દુનિયા કેટકેટલા વિસ્મયથી ભરેલી હોય છે?આ તો જોકે 20 થી 22 વરસ પહેલાની વાતો છે.પણ મને લાગે છે..આ આટલા વરસોમાં યે દુનિયા ઘણી આગળ વધી ગઇ છે.!

આજે 21મી સદીનું બાળક ટી.વી..મોબાઇલ..કોમ્પ્યુટર..વિગેરેથી એટલું બધું પરિચિત થઇ ચૂકયું છે..કે તેની વિસ્મયની દુનિયા સાંકડી થતી જાય છે.એની આંખોનું અચરજ ઓછું થતું જાય છે.મને તો એ જરાયે નથી ગમતું..પણ મારા ગમા,અણગમા પર દુનિયા થોડી ચાલે છે? અમે ચાર પાંચ વરસના હતા ત્યારે…તું ચાર પાંચ વરસની હતી ત્યારે..અને આજનું બાળક એ ઉમરનું..અને કાલે તમારા છોકરા એ ઉમરના થશે ત્યારે કેટલો વિશાળ તફાવત પડી ગયો લાગે છે.આજે તો પાંચ વરસના બાળકનું જ્ઞાન..માહિતી જોઇ ને આશ્ર્વર્યચકિત થઇ જવાય છે.! અમે તો કેવા ઘોઘા જેવા હતા.!! આજે શિશુ જ્લદી મોટુ થઇ જાય છે.પાંચ વરસનું બાળક ટી.વી.માં કેમેરાનો સામનો જે નિર્ભયતાથી કરે છે.. જે પ્રોગ્રામો આપે છે.તે જોઇને હું તો છ્ક્ક થઇ જાઉં છું.સતત સ્પર્ધાના આ યુગમાં..ટકી રહેવાની કે આગળ આવવાની અગણિત મથામણો ચાલતી રહે છે.ડાર્વિનના” સર્વાઇવલ ઓફ ફીટેસ્ટ”ના સિધ્ધાંત નો બધાને ડર લાગ્યો છે કે શું?શૈશવનો ગાળો આજે બહું ટૂંકો થઇ ગયો લાગે છે. ખેર..! જરા આડી વાતે ચડી ગઇ.પણ શિશુની વાત આવે ત્યારે હમેશા….હું.. જોકે અહીં કોઇ ટીકા કે નારાજગી નથી..જે હકીકત છે..એની વાત છે.સાચા ખોટાની ચર્ચા નથી.દરેક વાતના જમા અને ઉધાર પાસા હોય જ છે ને?સમય સમયની બલિહારી છે.

આજે લેકચર કરી નાખ્યું તેવું લાગે છે ને?કયારેક બેટા,એ પણ ચલાવવું પડે હોં.! મમ્મીને તો જે મનમાં આવે એ ડાયરીમાં લખ્યે જાય છે.વિચાર્યા સિવાય..તને ગમે એ તારું ને બાકીનું ન ગમે એ મારું…!!

ચાલ.આજે અહી જ અટકી જવું જોઇએ મારે..એવું તને લાગે છે ને?મને યે લાગે છે. બેટા,
કાલે મળીશું?ફરી એકવાર આ સફરે સાથે નીકળીશું ?

“કોણ આવી ટાંગી ગયું અહીં
સૂરજનું ઝળહળતું ઝુમ્મર?”

હા,તારી સાથે વાત કરતી હોઉં ત્યારે અંતરમાં સૂરજનો ઉજાસ આપમેળે પ્રગટી જાય છે ને?

બસ…અને હવે બોલકા આ મૌન સાથે…..
મા ના આશીર્વાદ

No comments:

વાચકોના પ્રતિભાવ