Saturday, July 28, 2007

ભાવવિશ્વ....8

દીકરી….
આખ્ખું યે આભ,
પાંદડીમાં પ્રગટતું પાતાળ
ઝાકળનો ભીનો ઉજાસ.

વહાલી ઝિલ,

સ્પ્રીંગ ને જેમ દબાવો એમ વધુ ઉછળે..વિજ્ઞાનનો સાદો સીધો નિયમ..જીવનમાં પણ એવું જ નથી? મનને સ્મરણોની દુનિયામાંથી બહાર કાઢવાના જેટલા પ્રયત્નો કરું છું..એટલા બમણા જોશથી ઉછળે છે.સમય આકાશમાંથી સ્મરણોની ક્ષણો અનરાધાર વરસી રહી છે. જાણે બારે ય મેઘ ખાંગા થઇ ને તૂટી પડયા છે.કે પછી આભ રૂએ સ્મૃતિઓની નવલખ ધારે કહું?
જે કહું તે ..પણ…એકાંત સંગે આથડતા ઘરમાં સ્મરણોનો દીપ ન જલે તો જ નવાઇ.!

અને હું તારા શૈશવને શોધતી રહું છું.કે

”ગૂમ થયું કયાં શૈશવ?સગડ કયાંય નીકળે છે?”

આજે તારો ફોન આવ્યો.કોલેજમાં વકતૃત્વ સ્પર્ધામાં તને ઇનામ મળ્યું.મેં અભિનંદન આપ્યા અને પૂછયું,”કોણે સરસ લખી આપ્યું હતું?” અને આ શબ્દોની સાથે જ આપણે એ દિવસોની યાદમાં કેવા ગૂમ થઇ ગયા? સ્કૂલમાં તમે બંને ભણતા..ત્યારે એક જ વિષય પર લખવાનું કે બોલવાનું હોય ત્યારે બંનેને હું એક જ વિષય પર અલગ અલગ લખી આપું.અને ત્યારે તું હમેશા કહેતી કે બસ..તું તો મીતને જ ..તારા લાડલાને જ વધું સારું લખી દે છે.! એનું જ વધારે સારું છે..પછી તો એનો જ નંબર આવે ને?” હકીકતે કયારેક તારો નંબર આવતો કયારેક મીતનો.પણ જે દિવસે આ બોલી હતી ત્યારે તારો પહેલો નંબર અને મીતનો બીજો નંબર આવેલ. અને મેં પૂછેલ,”આમ કેમ થયું?મેં તો મારા લાડલાને વધું સારું લખી આપેલ ને?અને તું શું બોલે?કયારેક હસતી, કયારેક ગુસ્સે થતી અંદર ચાલી જતી.હું તો હમેશા મારા લાડલા અને લાડલી વચ્ચે અટવાતી રહેતી..મીત પણ કોલેજમાં હમેશા બધામાં નંબર લઇ આવતો અને ત્યારે તમે મને કહેતા..કે મમ્મી,નાના હતા ત્યારે જે બીજ તમે નાખેલ..એ હવે ઉગે છે.”

હા,નાનપણમાં નાખેલ બીજને અનુકૂળ વાતાવરણ મળતા જરૂર પાંગરે છે.કયારેય કંઇ નકામું જતું નથી.તમે નાના હતા ત્યારે તમને શીખવાડેલ અને તમે રોજ બોલતા..એ શબ્દો યાદ છે?તમારા કાલાઘેલા એ શબ્દો આજે યે મારા કાનમાં ગૂંજે છે.
”કરેલું નકામું જતું નથી.કામ કરતો જા..હાક મારતો જા.મદદ તૈયાર છે.” તમે તો ત્યારે આનો અર્થ પણ કયાં સમજતા હતા?
શૈશવના કોઇ ને કોઇ બીજ દરેક બાળકમાં હોય છે.અને કયારેક એ કોઇ રીતે ઉગે જ છે.સારા બીજ ની ફસલ સારી ઉગે અને નબળા કે સડેલા બીજની ફસલ..નરસી ઉગે એ સ્વાભાવિક જ છે ને?આજે દુનિયામાં થતા દરેક અપરાધના બીજ જાણે અજાણે કયારેક…કોઇ પણ વડે શૈશવમાં જ રોપાયેલ જ હોય છે.

તમારા ભાઇ બહેનના કડવા મીઠા કેટલાયે ઝગડાઓની હું સાક્ષી છું.ઉમરમાં વધુ ફરક ન હોય ત્યારે આ બધું સામાન્ય જ હોય.ક્યારેક નાના પેન્સિલના ટુકડા માટે લડતા તમે અને કયારેક એકબીજા માટે “રાજપાટ”લૂંટાવી દેતા પણ તમે જ હતા ને? દુનિયાના કયા ભાઇ બહેને નાનપણમાં ઝગડા નહીં કર્યા હોય?એમાં યે લગભગ સરખી ઉમરના હોય ત્યારે તો આવા ઝગડા સ્વાભાવિક રીતે વધુ હોય છે.

જુદાજુદા અવસર મનમાં મહોરે છે.આમે ય કોઇએ કહ્યું છે ને?

”અવસરના ટુકડા જોડી જો ચન્દરવો નહીં કરો,
ડામચિયો આયખાનો સજાવી નહીં શકો”

રક્ષાબંધન વખતે નાનકડા મીત ના હાથમાં હું કોઇ વસ્તુ પેક કરીને આપતી અને સમજાવતી કે બહેન તને રાખડી બાંધી દેશે અને ત્યારે તારે આ એને આપવાનું.અને મીત મોઢુ ચડાવી ને બેસી જતો.હાથમાનું રંગીન પેક કરેલ પેકેટ આપવાનું તેને કયારેય મન ન થતું,!! અને તે નિર્દોષતાથી પૂછતો,”મમ્મી એવો કોઇ ફેસ્ટીવલ કેમ નથી કે બહેને ભાઇ ને આપવું પડે?દર વખતે મારે જ બહેનને આપવાનું?” હા,આ આપણી ભારતીય સંસ્કૃતિ છે.બહેનને ભાઇ આપે..અને એ ભૌતિક વસ્તુના બદલામાં બહેન ની ભાઇ માટેની મંગલ ભાવનાનું મૂલ્ય ઓછું કેમ આંકી શકાય?દરેક ભાઇની એ ફરજ છે.

હકીકતે આપણા આ તહેવારો જો સાચી રીતે જોઇએ તો જીવનના મૂલ્યો સમ્જાવે છે.રાખડીના પ્રતીક દ્વારા ભાઇ બહેન ના સ્નેહને જીવંત રાખે છે.આ વ્યસ્ત સમયમાં એકબીજાની યાદ આપી એમની વચ્ચે લાગણી ના તંતુને લીલોછ્મ્મ રાખે છે.
અને ઝિલ,મીતને તો પાછી બીજી તકલીફ પણ કયાં ઓછી હતી?એક તો આપણી સ્કૂલમાં ઓગષ્ટ મહિનામાં જ સ્ટડી પ્રાઇઝ મળતા.અને એ જ મહિનામાં તારો જન્મદિવસ અને રક્ષાબંધન લગભગ સાથે આવતા હોવાથી એ બિચારા ને તો ખાલી સ્કૂલથી ઘર સુધી કવર પકડવાનું જ આવતું.!!! જોકે મોટા થયા પછી એના પોતાના કવરમાંથી તને આપવાનો એ ગર્વ અનુભવતો.બાકી રક્ષાબંધનના એ ફૉટાઓ આજે યે આ વાતની સાક્ષી પૂરાવતા આલ્બમમાં કેદ થઇ ને બેઠા જ છે ને?
દરેક ભાઇ બહેન વચ્ચે આવા કેટલા ખાટા મીઠા પ્રસંગોની યાદ હશે?સમયની સાથે ભાઇ બહેનની લાગણીઓને કયારેય કાટ ન ચડવો જોઇએ.

“આકાશે દોમદોમ ચોમાસુ ઉગે,
મનમાં ઉગતી સ્મરણોની કૂંપળ,
ભાઇ બહેનની યાદોનો ઉગે અજવાસ
ને ભીતર ઝળહળ,ઝળહળ.”

ભીંત ફાડી ને ઉગી નીકળતા પીપળા ની જેમ આજે ફરી એકવાર યાદો ઉગી નીકળી છે.તમારા ભાઇ બહેનનું વહાલ હમેશા અકબંધ જળવાઇ રહે એ જ પ્રાર્થના આજે આ ક્ષણે અંતરમાંથી નીકળે છે..સાથે રહેતા કયા વાસણ ખખડતા નથી હોતા?પતિ પત્ની,ભાઇ બહેન,કે કોઇ પણ સંબંધ માટે એ સાચુંછે.પણ એમાં મનભેદ કે કોઇ કડવાશ કયારેય ન પ્રવેશવી જોઇએ.બસ..એટલું જ…. દુનિયાના દરેક ભાઇ બહેન વચ્ચે નિર્મળ પ્રેમ છ્લકી રહે.એક્બીજાને સમજી શકે..અને એકબીજા માટે હમેશા હાજર રહી શકે..તો લાગણીનો અભાવ કયારેય કોઇને ન પીડી શકે

ભવિષ્યમાં તમારી બંને ની એક અલગ દુનિયા વસશે અને અલગ અલગ જગ્યાએ વસો ત્યારે યે અંતરથી દૂર ન રહો…એ જ આશિષ સાથે

મમ્મીના આશીર્વાદ

1 comment:

Blue Bird Sparrow said...

આજ બહેન ભાઈ ને બાંધશે અમર રાખડી,
આજ બહેન ભાઈ ને દેશે અમર આશીર્વાદ;

ને ભાઈ આપશે બહેનને અમુલ્ય ભેટ સોગાદ,
ભાઈ કરશે બહેનની રક્ષા જીવનભર;

આજ બ્રાહ્મણો બદલાવશે પવિત્ર જનોઈ,
ને આપશે યજમાનોને અમર આશીર્વાદ;

ખારવા નાળિયેર અર્પણ કરી દરિયાદેવને,
કરશે વિનંતિ લાજ રાખજો જીવનભર;

કોઈ કહે છે રક્ષાબંધન,કોઈ કહે બળેવ,
આજ ઘણાં ઉજવશે કહી નાળિયેરી પૂર્ણિમા;

Raksha Bandhan as the name suggests, signifies a bond of protection that is derived from raksha meaning protection and bandhan meaning bound. On this day of Shravan Purnima (full moon day of shravan month), sisters tie Rakhi, a sacred amulet made up of silky threads matted together in an appealing style and festooned with beads on their brothers' wrist. It is a way of praying for their brothers' good health, wealth, happiness and success. The brothers, likewise, promise to protect their sisters from danger or evil and also give them a token gift. This practice fortifies their protective bond against all ills and odds. Now-a-days...trend is changing...and brothers and sisters exchange rakhi gifts between each other.

વાચકોના પ્રતિભાવ