Saturday, July 28, 2007

ભાવવિશ્વ....7

દીકરી…
ગીત સૂરીલુ ,
ખળખળ ઝરણુ
નિત્ય વહેતું.

વહાલી ઝિલ,

”તારા વિશે વિચારવાનું જયાં શરૂ કરું,
ખુશ્બુ ફૂટે મને,મને લાગે કે પાંગરું”

આજે સોફા પર સૂતા સૂતા તું ટીવી.જોતી હતી.કોલેજમાં વેકેશન હોવાથી તને નિરાંત હતી.ત્યાં મેં તને કહ્યું,”બેટા,આંખો બંધ કરીને ટી.વી. જો ને..!! અને આપણા બધા ના ખડખડાટ હાસ્યથી ઘરની દીવાલો પણ હસી ઉઠી હતી.એને યે કદાચ તારા નાનપણનું એ દ્રશ્ય યાદ આવી ગયું હશે.! આજે ને ભલે તેં આંખો બંધ ન કરી.પણ….

પણ તે દિવસે તો આંખો બંધ જરૂર કરી હતી.ત્યારે તું હતી ત્રણ વરસની.અને રાતે સૂવાનો સમય થઇ ગયો હતો પણ તું સૂવાને બદલે ટી.વી.માં કાર્ટૂન જોઇ રહી હતી.મેં તને ધીમેથી કહ્યું હતું,”ઝિલ,એક કામ કર.તું આંખ બંધ કરી ને નિરાંતે સૂતા સૂતા ટી.વી. જો “મેં એટલી સહજતાથી કહ્યું..અને તેં એટલી જ સહજતાથી સ્વીકાર્યું.ને બે પાંચ મિનિટ મમ્મીની વાતમાં વિશ્વાસ રાખી ને આંખ બંધ કરી દીધી.પણ થોડીવારમાં તને છેતરાઇ ગયાનો એહસાસ થઇ ગયો.અને તેં કેવી યે ગંભીરતાથી મને કહ્યું,”પણ મમ્મી,આંખ બંધ કરું છું ને ..તો..મને કાર્ટુન દેખાતું નથી. હું કેમ જોઉં?”

ત્યારે બંધ આંખે તું ભલે કાર્ટુન નહોતી જોઇ શકી..પણ આજે બંધ આંખે હું..એક મા…કોઇ પણ મા પોતાની દીકરીને જોઇ શકે છે. ખુલ્લી આંખોને કોઇ દ્રશ્ય જોવું ન ગમે ત્યારે આંખો બંધ કરી દો..અને મનગમતી વ્યક્તિ કે મનગમતું દ્રશ્ય હાજરાહજૂર.!! કેવો ચમત્કાર.!! મનની કેવી અગાધ શક્તિ.!

સ્મરણોની મેના ના ગીત મનઝરૂખે ટહુકા કરતા રહે છે.

એ દિવસોમાં તને મનમાં થતું કે જલ્દી મોટા થઇ જવાય તો કેવી મજા આવે?આજે એમ થાય છે ને કે નાની જ રહી હોત તો તેવું સારું? શિશુને મોટું થવું ગમે છે..અને મૉટા થયા પછી…..પછી ગાઇ ઉઠે છે.

”ગાડી લઇ લો,વાડી લઇ લો.
લઇ લો ડોલર સારા….
મોટર બંગલા લઇ લો મારા,
લઇ લો વૈભવ પાછો,
પેન લખોટી,ચાકના ટુકડા,
મુજને પાછા આપો.
કયાં ખોવાયું બચપણ મારું?
કયાંકથી શોધી આપો”

કે પછી……

“લેવા હોય તો લાખ લે..
પણ મારું બચપણ પાછું દે”

દરેક ને થતી આ સહજ લાગણી છે.બચપણથી સૌ હેઠ જ છે ને?

આમે ય મનુષ્યનો સ્વભાવ રહ્યો છે..જે ન હોય એ ગમે..એની ઝંખના રહ્યા કરે.પણ કાળને ઉલટાવી શકાતો નથી..એને રીવર્સ ગીયર હોતો નથી.કે નથી હોતી બ્રેક..પણ દરેક અવસ્થાને એનું એક આગવું ગૌરવ હોય છે..એ માણતા શીખીએ તો કોઇ ફરિયાદ ન રહે.બરાબર ને?

હમણાં તો અતીતની ગલીઓમાં ઘૂમવાનો લહાવો લેતી રહું છું.શું યાદ કરું ને શું ભૂલુ?કેટકેટલા સ્મરણૉ ઉભરાય છે.

”ભયસૂચક થઇ આ સપાટી સ્મરણોની,
કયાંક બહુ વરસાદ જેવું લાગે છે.”

યાદ છે ? આપણી બાજુમાં મીરા આન્ટી રહેતા.આપણે એક ઘર જેવા સંબંધો હતા…કે આજે યે છે.તેઓ દરબાર હતા.તમે નાના હતા .અને એકવાર તેમના ઘેર રમતા હતા.ત્યારે તેના સસરા આવ્યા હોવાથી દરબારની વહુને આ જમાનામાં યે એમની લાજ કાઢવી પડતી.કે તેમની આડે ન ઉતરાતું.તમને તો એ સમયે એવી સમજણ કયાંથી હોય? અને તું મીરા આન્ટી ને કહેતી,”આન્ટી,ચાલો દાદા પાસે..એ તમને નહીં ખીજાય.તમને દાદાની બીક લાગે છે?એટલે સંતાઇ જાવ છો?ને દાદા પાસે નથી આવતા?લાજમાં ઢંકાયેલ એમને તું કેટલા આશ્ર્વર્યથી જોઇ રહેતી.અને તેમને કેટલું સમજાવતી..!! પણ આન્ટી કયાં કઇ સમજતા હતા??? કયાંથી સમજે આન્ટી?

દરબારની વહુવારુ ખુલ્લા માથે ફરી શકે..કે સસરાની આસપાસ ફરકે તો ધરતી રસાતાળ ન જાય?21મી સદી માનવને ચન્દ્ર કે મંગળ સુધી ભલે પહોચાડી શકે પણ…માનવને સુધારી તો ન જ શકે.નહીંતર કોલેજમાં એ સ્ટેટ લેવલ સુધી બાસ્કેટબોલ માં ઇનામો મેળવતા.ગામમાં મેરેથોન દોડ ની સ્પર્ધા જોવા અમે સાથે જતા અને ત્યારે મને હમેશા કહેતા,”મને તો એવું મન થાય છે..કે ભલે લાજ કાઢી ને પણ દોડી જાઉ.અને ઇનામ હું જ લઇ આવું.”અને ચોક્કસ લાવી શકે તેમ હતા.પણ……બધી યે શક્તિ,કૌશલ્ય વહુના અંચળા નીચે છૂપાવી દેવું પડયું હતું.

ગાંધીજી હમેશા કહેતા,”રિવાજના કૂવામાં તરવું સારું છે.પણ એમાં ડૂબાય નહીં! “

સમાજમાં કેટલી સ્ત્રીઓ મન મારી ને..ઇચ્છાઓ અવગણીને જીવતી હશે..!! ખેર..! આડે પાટે ગાડી આજે ચડી ગઇ.તારી સાથે વાત કરતા કરતા..મીરા આન્ટી ની યાદ મનને અને આંખને ભીના કરી ગઇ.એક અકસ્માતે તેમની છ વરસની દીકરીને મા વિહોણી બનાવી દીધી.અને …….. લાગે છે..આજે આગળ નહીં લખી શકાય.તને પણ આજે યે એ એટલા જ યાદ છે ને?અને હોય જ….એ મુઠ્ઠી ઉંચેરી સ્ત્રી હતી.પણ…..ઇશ્વરને યે એને માટે લગાવ હશે તેથી જલ્દી પોતાની પાસે બોલાવી લીધા.પણ એમ તો એમની દીકરીને કે તેમના પતિને પણ તેમનો અહીં કયાં ઓછો લગાવ હતો?પણ…..ઇશ્વર ધારે તે કરી શકે..માનવી પાસે એ સામર્થ્ય કયાં? કેટકેટલી યાદોના ખજાના મન ના પટારામાં સંગ્રહાયેલા હોય છે? બસ…આજે વધુ નહીં લખી શકાય.આંખે આંસુના તોરણ બાઝી રહ્યા છે.આવજે બેટા, કાલે મળીશું.

મમ્મીના વહાલ સાથે.

No comments:

વાચકોના પ્રતિભાવ