Saturday, July 28, 2007

ભાવવિશ્વ....6

“દીકરી…

ઉડાઉડ કરતું પતંગિયુ,
પાંખ આવે ને..
ઉડી જાય,કોઇ અન્ય ડાળ પર..”

પ્રિય ઝિલ,

શુભમ દસ દિવસ પછી યુ.એસ.જવાનો છે.એટલે તું ત્યાં જ રોકાવાની હતી.બે દિવસની રજા પડે તો પણ તું ઘેર દોડી આવતી.આજે તને અહીં આવવાની ઇચ્છા નથી થતી.!.બહુ સ્વાભાવિક છે..કુદરતે કેવી માયા મૂકી છે.! લાગણીનું.. પ્રેમનું..આ વહાલ ઝરણું હ્રદયના કયા પાતાળખૂણામાં સંતાયેલ રહેતું હશે આટલા વરસો સુધી? કવિઓને એટલે જ્ સોળ વરસની છોકરીઓના ગીત આકર્ષતા હશે.ને લખાતા હશે.આજે મમ્મીને યે જલ્દી આવજો કહી ને,હાથ હલાવી તું શુભમ સાથે ગાડીમાં દોડી જાય છે..અને..અને હું એ દ્રશ્યને દિલથી ,હરખથી સ્વીકારી પણ રહી છું.!

“રોમ રોમ રણઝણી ઉઠે,
બત્રીસ કોઠે દીવા, ભીતર કંઇ ઓગળી જતું”

હા,અને એક દિવસ તેં યે કંઇક એવો જ સ્વીકાર કર્યો હતો….કરવો પડયો હતો.ત્યારે તું પૂરુ બોલતા પણ નહોતી શીખી.ને તારા ભાઇનો આ દુનિયામાં પ્રવેશ થયો.મારી પાસે કોઇ બીજાને સૂતેલું જોઇ તારી નાનકડી આંખોમાં આશ્ર્વર્યના જે ભાવ ઉમટી આવ્યા હતા..એ હું કયારેય નહીં ભૂલુ.પલંગ પાસે આવી નાનકડા બે પગ પર ઉંચી થઇ ને તેં જોયું હતું..કે આ અહીં કોણ આવી ગયું છે?મેં તને પાસે બોલાવી પ્રેમથી..પણ જયાં સુધી મારી પાસે “બીજુ કોઇ”હોય ત્યાં સુધી તું મારી પાસે આવવા તૈયાર નહોતી.એટલે દોડીને મોટી મમ્મી પાસે પહોંચી ગઇ.અને પછી તો દિવસમાં દસ વાર એ સિલસિલો ચાલુ રહ્યો.થોડી થોડી વારે મારા પલંગ પાસે આવી ,ઉંચી થઇ ને તું ખાત્રી કરી લેતી કે “પેલું કોઇ”મારી પાસેથી ગયું કે નહીં?આ અચાનક મા ની પાસે કોણ આવી ગયું..તે પ્રશ્ન તારી આંખોમાં હું જોઇ શકતી હતી.

પપ્પા આવ્યા તો તું દોડીને હાથ પકડી જાણે કંઇક બતાવવું હોય તેમ મારી પાસે ખેંચી લાવી..ને ઉંચા થઇ બતાવ્યું..કદાચ પપ્પા પાસે ફરિયાદ કરી કે અહીં તો મારો હક્ક છે.તને કદાચ આશા હતી કે પપ્પા આ અન્યાય દૂર કરશે.!પણ પપ્પા તો હસીને તને તેડીને બતાવવા લાગ્યા કે

તારો ભાઇ….! પણ તેં ડોકુ ધુણાવી તેનું અસ્તિત્વ સ્વીકારવાનો સાફ ઇન્કાર કરી દીધો.ને પપ્પાની સાથે પણ ગુસ્સે થઇ હોય તેમ ફરી પાછી મોટી મમ્મી પાસે દોડી ગઇ.

અંતે પાંચ છ દિવસે થાકી ને તારા બાળમાનસે સ્વીકારી લીધું કે હવે આ કંઇ અહીંથી જાય તેવું લાગતું નથી.! એટલે આટલા દિવસોથી કેટલાય પ્રયત્નો કરવા છતાં મારી પાસે ન આવતી તું અંતે મારી પાસે આવી ને વળગી પડી..અને પછી તો તેં પૂરા પ્રેમથી નાનકડા ભાઇને અપનાવી લીધો.તું અચાનક જાણે મોટી બની ગઇ અને ભાઇના નાના હાથ ,પગ જોવા માંડી અને મને બતાવવા લાગી.ઓહ ! આ તો મારો ભાઇલો છે..!

આજે મારે યે આમ જ સ્વીકાર કરવાનો હતો ને ! ઝિલ હવે મારી એકલીની નથી.નાનપણમાં પપ્પા ભાગ પડાવતા હતા..આજે શુભમ ! પણ જોકે અંદરથી તો બંને વખતે હું હરખાતી જ હતી ને !
સ્મૃતિઓ…સ્મૃતિઓ…બસ હવે એ જ બની રહેશે..જીવનનો સથવારો…મારો.. અમારો ..કોઇ પણ મા બાપ નો…??

“પળ, દિવસ, વરસની વણઝાર ચાલી જાય,
છલોછલ અવસર ભરેલી પોઠયું ખાલી થાય.”

મમ્મીનું વહાલ
ક્રમશ:

( શીર્ષક પંક્તિ: હર્ષદ ચંદારાણા.)

No comments:

વાચકોના પ્રતિભાવ