Saturday, July 28, 2007

ભાવવિશ્વ - 5

“દીકરી…
કંટક વગરનો બાગ,
પંખીએ છેડેલો રાગ,
પાનખર વગરની વસંત
સુગંધનો સાગર અનંત.”

મારી ઝિલ,
માણસનું મન કયારેક ક્ષિતિજને પાર વિસ્તરે છે.અત્યારે સંધ્યાની સુરખિ આકાશમાં અને મારા મનમાં પણ છવાઇ ગઇ છે.પક્ષીઓ પોતપોતાના “ફલેટ “માં આવી ને ડાળીઓ પર ઝૂલી રહ્યા છે.અને તારી જેમ કલરવ કરી રહ્યા છે.અને હું અહીં મારા મનના માળામાં તારી યાદોના સથવારે ઘૂમી રહી છું.પંખીઓ એટલે પ્રકૃતિનું અણમોલ પુષ્પ..અને તું….? તું અમારી જીવનડાળનું મઘમઘતું પુષ્પ.

”સ્નેહનો અમને મળ્યો છે સુગંધી દરિયો,
વહાલમાં કેવો ભળ્યો છે મલકતો દરિયો.”

તારી બદલતી જતી દુનિયાનો એહસાસ કાલે તને જોઇને આવ્યો.બદલાવ એ જ જીવનનું પરમ સત્ય છે.અને હું ખુશ છું તારા સ્વાભાવિક બદલાવથી.સાવ સાચું કહું તો કાલે તારું બદલેલ સ્વરૂપ જોઇ હું થોડી ચિંતામુકત થઇ ગઇ.તું કહીશ..શેની ચિંતા?ઉમરલાયક દીકરીની દરેક મા ને થતી સ્વાભાવિક ચિંતા.કાલે કેવું મીઠુ મીઠુ બોલતી હતી તું…… એ સાંભળી ને તું પહેલો શબ્દ મા નહીં પણ” પા પા” બોલતા શીખી હતી..એ યાદ આવી ગયું.અને ત્યારે અને આજ સુધી પપ્પા એ વાતનો રોફ મારી આગળ માર્યા કરે છે.જો દીકરી કોની? પહેલાં શું બોલતા શીખી?અને હું કૃત્રિમ ગુસ્સાથી અને મનમાં હરખાતી બાપ દીકરીને એકબીજા ને રમાડતા જોઇ રહેતી.તારા વિકસતા ભાવવિશ્વની સાથે તારું ભાષાવિશ્વ પણ ઉઘડતું જતું હતું.આજે કયા શબ્દો શીખી?એનું લીસ્ટ હરખથી બનતું .

સાથે સાથે આજે તારું શૈશવનું એક નવું રૂપ યાદ આવે છે ને હું એકલી એકલી મલકી રહુ છું. નાની હતી ત્યારે એકવાર કોઇને પગે પાટો બાંધેલ તેં જોયો હતો.અને ત્યારથી તને યે પગમાં સાચા ખોટા પાટા બાંધવાનો કેવો શોખ ઉપડયો હતો.! કેટલાયે રૂમાલ અમારે તારે પગે બાંધી ને પગ શણગારી દેવો પડતો.ને ખોટી ફૂંક મારી દેવી પડતી..!.અને કયારેક પાટા બાંધવામાં અમે દાદ ન દઇએ ત્યારે તારી જાતે ગમે તે કાગળ શોધી,ભીના કરી પગ પર ચોંટાડી ફર્યા કરતી !! અને વટ મારતી કે જો જાતે કરી લીધું ને.! પાટા બાંધી ને દુખવાનું નાટક કરી ધીમે ધીમે ફરતી તું આજે યે દેખાય છે.ને હું ને પપ્પા ખડખડાટ હસી ઉઠીએ છીએ.તને મેડીકલમાં એડમીશન મળ્યું ત્યારે અમે કહેલ,”ડોકટર બની ને કોઇને ખોટા પાટા ન બાંધી દેતી હોં…”અને આપણે બધા સાથે કેટલા હસી પડેલ.!!

કેટકેટલી વાતોથી મા દીકરીનું વિશ્વ છલકાય છે ..નહીં?

તારી દુનિયા બદલતી જતી હતી..નાનપણમાં અને અત્યારે પણ…કાલે જમીને બધાની સાથે ડાહી થઇ ને કેવી ચાલી ગઇ,”મમ્મી,ધ્યાન રાખજે હોં.!”અને જતા જતાં એકવાર પાછું ફરીને જોયું અને એ એક ક્ષણમાં આપણે એકબીજાને કેટલું કહી દીધું.!કેટલી વાતો કરી લીધી..બોલ્યા સિવાય જ..!

સમય દરેકને કેટકેટલું શીખડાવી દે છે…આજે 21મી સદીમાં તમે લોકો બધી વાત જે નિખાલસતાથી કરી શકો છો..તે અમારા સમયમાં કરીએ તો બેશરમ જ કહેવાઇએ અને કેટલી યે ટીકાઓના ભોગ બનવાનું થાય.આજની નિખાલસતા ત્યારની બેશરમી કહેવાતી.સમય સમય ને માન છે ,બેટા,પણ ઘણીવાર એવું યે બને છે..આજે યે કે દીકરી માટે જે વાત નિખાલસતા ગણાય તે જ વાત વહુ કરે તો દ્રષ્ટિ બદલાતા સન્દર્ભો બદલાઇ પણ જાય.પણ હું તો મારી વહુ આવશે ત્યારે એની સાથે યે આ જ નિખાલસતાથી રહીશ હોં !

આજે આંખોથી ઓઝલ થતી તને હું ભર્યા હ્રદયે ને નયને નીરખી રહી.

”ઉડી રહ્યા છે યાદોંના અબીલ ગુલાલ….”

બસ…આજે આટલું જ બેટા….

મા ના ખૂબ ખૂબ વહાલ સાથે.

ક્રમશ:
(શીર્ષક પંક્તિ: હર્ષદ ચંદારાણા)

No comments:

વાચકોના પ્રતિભાવ