Saturday, July 28, 2007

ભાવવિશ્વ - 4

”દીકરી….
મનગમતું ગીત
હોઠે રહે રમતું
નિપજાવે સુરીલું ગીત.”

વહાલી ઝિલ,

આજે શુભમ અને “તારા” ઘરના બધાને આપણે ઘેર જમવાનું કહ્યું હતું.કેવું વિચિત્ર લાગે છે..!! “તારું ઘર”..તારું ને મારું ઘર જુદા કઇ ક્ષણથી થઇ ગયા?શુભમે તારી આંગળીમાં વીંટી પહેરાવી ત્યારથી?એ ક્ષણ શું આપણી જુદાઇની ક્ષણ હતી?(જોકે અહીં હું શારીરિક કે સામાજિક જુદાઇની વાત કરું છું.અને મારા મનમાં રણકી ઉઠી કયાંક વાંચેલ આ પંક્તિ…પૂરી તો યાદ નથી.પણ કંઇક આવું હતું.

“ખોળો વાળી ને હજી રમતા’તા કાલ અહીં,
સૈયરના દાવ ન’તા ઉતર્યા
આમ પાનેતર પહેર્યું ને..
પરદેશી પંખી ના ઉઠયા મુકામ”

અને જો એ જુદાઇની ક્ષણ હોય તો યે મંગલમય કેમ લાગતી હશે ?દરેક પુત્રીને અને દરેક મા ને પણ..! આપણી સંસ્કૃતિના મૂળ કેટલા ઉંડા હશે !! આ કપરી ક્ષણની પણ દરેક મા બાપ આનંદથી રાહ જોતા હોય છે. દીકરીના તુલસી કયારાને પારકા આંગણામાં રોપવાની..એને લીલોછમ્મ બની ત્યાં ખીલવાની..પ્રતીક્ષા કદાચ જાણ્યે અજાણ્યે દીકરીના જન્મની સાથે શરૂ થઇ જતી હશે?હે ઇશ્વર, દરેક દીકરીનો એ તુલસી કયારો લીલોછ્મ્મ રહે એ પ્રાર્થના આજે વિશ્વની સમસ્ત પુત્રી માટે અંતરમાંથી વહે છે.

“દીકરી ના સાપનો ભારો,દીકરી ના કોઇ ઉજાગરો;
દીકરીનો સ્નેહ છે ન્યારો,દીકરી તો તુલસી કયારો.”

અને તે દિવસે..તારા સાસુ,સસરા ને શુભમની હાજરીમાં તું કેવું સરસ ધીમે ધીમે બોલતી હતી.!! હું તો સાંભળતી જ રહી ગઇ..!! આ તો મારું શીખડાવેલ નથી. કયાંથી..કયારે શીખી ગઇ મારી દીકરી આ બધું? પ્રકૃતિનું કયું અગોચર તત્વ આવી આવી ને તેના કાનમાં ફૂંક મારી ગયું?દરેક છોકરીમાં આપમેળે આ સમજ કયા પાતાળમાંથી ફૂટી નીકળતી હશે?”મમ્મી,થોડું લો ને…”અરે વાહ..! હું તો જોઇ જ રહી..! પરમ આશ્ર્વર્યથી..સાચું કહું..મને તો હસવું આવતું હતું.”મારી બેટી કેવી ડાહી થઇ ગઇ છે

આજે..!!મારી પાસે તો રોજ કેવા યે નખરા કરતી અને કરાવતી હોય છે..!તારી અને મારી આંખો મળી..બંને ધીમું મલકયા..કોઇને યે ખબર ન પડે તેમ..! એ એક ક્ષણમાં રચાયેલ આપણું ભાવવિશ્વ કોઇ ને યે સમજાય તેમ નહોતું.
નહીંતર આજે યે હું કંઇ તારા નખરા ભૂલી તો નથી જ.! ત્યારે તને ખવડાવવા માટે મારે..અમારે કેવા જાતજાતના નખરા કરવા પડતા હતા..વાર્તાઓ કરવી પડતી હતી.દૂધનો ગ્લાસ લઇ ને પાછળ પાછળ ફરવું પડતું. એ દ્રશ્યો આજે તને આ રૂપે જોઇને અનાયાસે મારી અંદર ફરી એક્વાર ઉગી નીકળ્યા.

ગ્લાસમાંથી દોડી દોડી ને એક ઘૂંટડો ભરીને પાયલ છમકાવતી ..ભાગી જતી તું..અને આંખો બંધ કરી બોલતી હું,”ઝિલ,જો તું દૂધ પી ન જતી હોં..મીની માસી આવી ને પી જાય છે હો..! અને મને “ઉલ્લુ” બનાવી ખુશ થતી તું દૂધ ગટગટાવી જતી….અને મારી સામે જોઇને વટથી ઉભી રહેતી..અને મારે કહેવાનું કે .”લે,મીની દૂધ પી ગઇ?”અને તું મને તારું દૂધવાળુ મોં બતાવી રહેતી.

આજે શુભમને વિવેકથી દૂધનો ગ્લાસ આપી રહેલ તને જોઇને હું આ મીઠી યાદોથી મલકી ઉઠું છું. સમય કયારે અતીત બની સરી ગયો…નજર સામે તું મોટી થઇ..અને છતાં કયારે મૉટી થઇ એ ખબર ન પડી. દરેક દીકરી ની મા ને આવું જ થતું હશે ને?કોઇને ખબર નહીં પડતી હોય ને? કોઇ શબ્દોમાં વ્યકત કરી શકે… કોઇ નહીં..પણ અનુભૂતિ તો દરેકની આ જ હોતી હશે ને?અને કઇ મા પાસે આવા સંસ્મરણો નહીં હોય?દરેક મા ખાસ કરી ને જીવનસંધ્યા એ.. જ્યારે દીકરી દૂર હોય ત્યારે આમ જ છલકતી હશે ને?

અને કયારેક આંખમાંથી બે બુંદ ટપકી પડતા હશે ને?એ ખારા બુંદ કોઇ શબ્દોના મોહતાજ થોડા છે?
બસ..અત્યારે યે એ બુંદ…સાથે જ વિરમું છું.
મમ્મી ના આશિષ.
(શીર્ષક પંક્તિ: હર્ષદ ચંદારાણા)
ક્રમશ:

No comments:

વાચકોના પ્રતિભાવ