Saturday, July 28, 2007

ભાવવિશ્વ - 3

“ દીકરી…
બારમાસી વાદળી,
ઝરમરતી..ઝરમરતી..
રાખે સઘળું યે લીલુછમ્મ બારે ય માસ.”

મારી લાડલી..ઝિલ,

કાલે તારો ફોન બહુ મોડો આવ્યો.તમે બંને પિકચર જોવા ગયા હતા..એટલે મોડુ થઇ ગયું.શુભમે તને કહ્યું પણ ખરું કે હવે આટલો મોડો ફોન કરી ને મમ્મીની ઉંઘ ન બગાડ.કાલે સવારે વહેલો કરી લેજે.પણ તને ખબર હતી કે મમ્મી ને ત્યાં સુધી ઉંઘ નહીં જ આવી હોય.! મમ્મી રાહ જોતી જ હશે..અને તું સાચી હતી.”મમ્મા,”ઉત્સાહથી છલકાતો તારો અવાજ ન સાંભળુ ત્યાં સુધી ઉંઘ કેમ આવે?અને તારી વાતો સાંભળી મને નિરાંત થઇ.આમ તો મને શુભમ ના સ્વભાવની ખબર છે જ.છતાં તારી પાસેથી સાંભળી ને મનમાં એક સંતોષ થાય છે.તું સંવેદનશીલ છે.અને તારી સંવેદનાઓને સમજી શકે તેવો સાથી તને મળ્યો છે એનો આનંદ છે.બસ..તારો ફોન આવી ગયો હવે મને નિરાંત.હવે તું તારી મીઠી કલ્પનાઓમાં ..મનગમતા સાથી સાથે નવજીવનના સ્વપ્નાઓમાં ને હું …હું..ફરી એકવાર તારી સાથે યાદોની ગલીઓમાં …

” આજ અમે બધું સંભારવા બેઠા,
પાનખરે લીલી વસંતને ખોળવા બેઠા.”

આજે યે મને યાદ છે.તું કળી ની જેમ ખીલતી જતી હતી.કેટકેટલા તારા નામ પાડતા અમે..જૂઇ,ચંપાકલી.ચંપુ (અને મૉટી થતા ચંપુ ચાગલી..! )સોનુ,બિટ્ટુ.લાડલી, મીઠી.,મન પડે એ નામે બોલાવીએ તો યે તને સમજાઇ જાય કે આ મને જ કહે છે..અને તું તરત સામે જોઇ મીઠુ હસી દેતી.આ હાસ્યની તોલે કંઇ આવી શકે ખરું?પપ્પા તો રાત્રે ફળિયામાં ફરતા ફરતા તને બે હાથમાં લઇ ચાંદા મામા અને તારલાઓ બતાવ્યા કરે.ને વાતો કર્યા કરે..ને તું જાણે બધું સમજતી હોય તેમ હોંશથી સાંભળતી રહે.તારી પાણીદાર આંખો ચમકતી રહે.અને એ ચમક પાસે ચાંદ ,તારા યે અમને ફિક્કા લાગતા.
હું ઘણીવાર પપ્પાની મસ્તી કરું કે તમારી દીકરી હજુ છ મહિનાની છે. એ યાદ છે ને?આ તમારું ભાષણ એ સમજવાની છે?’પપ્પા કહેતા,”એ સમજે કે ન સમજે હું તો મારી દીકરી સાથે વાત કર્યાનો સંતોષ લઇ છું ને.! “આજે યે પપ્પા આવે ને તારી આંખોમાં એક ચમક આવી જાય છે એના મૂળ કદાચ આ હશે.!તારી સાચી ખોટી બધી જીદ પપ્પા હોંશે હોંશે પૂરા કરતા.એમાં મારી ના પણ કયાં ચાલતી?

અને આજે યાદ છે.તું ચાલતા શીખી એ દિવસ…? તારા ઝાંઝરના છમછમ અવાજે અમારું વિશ્વ ગૂંજી ઉઠેલ.તું એક પગલું માંડતી..વળી ગબડી પડતી.અને ફરી એકવાર પ્રયત્ન કરવા ઉભી થઇ જતી.અને અંતે ચાલી ને દૂર મૂકેલ રમકડા સુધી પહોંચી જ જતી.અને કેવા વટથી,ગૌરવથી અમારી સામે જોઇ રહેતી.કંઇક મૉટી સિધ્ધિ મેળવી લીધી હોય તેમ.!
બેટા,જીવનના ચડાવ ઉતાર પણ આમ જ પાર કરતી રહીશ..એની ખાત્રી છે.અને ત્યારે વટથી તારા તરફ જોવાનો વારો અમારો હશે.અને અમે એ ગૌરવ માણી રહીશું.

મારી જૂઇની કળી દિવસે દિવસે વિકસતી જતી હતી.રોજ પપ્પા ઓફિસેથી આવે ત્યારે પહેલો પ્રશ્ન એ જ હોય કે આજે ઝિલ નવુ શું શીખી.અને હું તારા નખરા કહેવા માટે ઉભરાતી હોઉં.જગતની બધી દીકરીઓ..બધા બાળકો આ બધું કરતા જ હોય છે.બધા નખરા શીખતા જ હોય છે.દરેક મા બાપના તેના બાળકને પૂછાતા સનાતન પ્રશ્નો..અમે યે પૂછતા.Where is your eyes? અને એના જવાબમાં તું આંખો પટપટાવતી….અને એવા બધા પ્રશ્નોના જવાબ હજુ બોલતા ન શીખી હોવાથી તું તારા શરીરના અંગોને સ્પર્શ કરીને આપતી..અને અમે તો કેવા યે હરખાતા..જાણે અમારી દીકરી કેટલું યે શીખી ગઇ.! અને દરેક મા બાપની જેમ અમને યે એમ જ થતું કે ઓહો.. અમારી ઝિલ કેવી સ્માર્ટ ! જાણે દુનિયામાં અમારી એકની દીકરી જ હોંશિયાર ..અને બાકી બધા જાણે ભાજી મૂળા..! પણ કદાચ આ સ્વાભાવિક લાગણી હશે દરેક મા બાપ માટે.અને કદાચ એથી જ કહેવત પડી હશે કે”સીદીભાઇને સીદકા વહાલા”

જોકે તું કંઇ સીદી જેવી જરાયે નહોતી હોં.તારો ગૌરવર્ણ જોઇને તો બધા તને જૂઇની કળી કહેતા.કે કોઇ ચંપાનુ ફૂલ કહેતા.અને અમે હરખથી ઢોળાઇ જતા..બા કહેતા કે” છોકરી ઉજળી છે.છોકરો સારો મળશે.આપણા વાણિયાભાઇની છોકરીઓ જેવી ઘઉંવર્ણી નથી. “બા કાળી શબ્દ ન વાપરતા.ચણિયાચોલી પહેરી,હાથમાં ઘણી બધી બંગડીઓ અને પગમાં ઝાંઝર ઝમકાવતી તું પપ્પા સાથે હાથ પકડી ચાલવા નીકળતી ત્યારે ઘણાં તો તને જોવા માટે બહાર નીકળતા.અને મને કોઇ હસતા કે.”તમારી ઝમકુડી નીકળી….”અને હું હોંશે હોંશે મારી ઝમકુડીને નીરખી રહેતી.

આજે મારી ઝમકુડી કોઇ બીજા ઘરમાં રણકી રહે છે.ઇશ્વર એનો રણકાર હમેશા ગૂંજતો રાખે.બસ..આંખ ને હવે વરસવાની ટેવ..કુટેવ પડી ગઇ છે. ધીમે ધીમે ટેવાતું જવાશે. આજે તો તમે તમારા કોઇ સગાને ત્યાં જમવા ગયા હતા ને?કેવું વિચિત્ર લાગે છે.”.તારા સગા..”તારા ને મારા સગા જુદા પડી ગયા?એક રાતમાં બિલાડીના ટોપની જેમ કેટલા સંબંધો ફૂટી નીકળ્યા નહીં?આપણે ત્યાં એટલે જ કહેવાયું છે.સગાઇથી ફકત છોકરો છોકરી જ નથી જોડાતા..જોડાય છે બે કુટુંબ..! જોડાય છે બે અલગ માહોલ.! બે અલગ રીતે ઉછરેલ વ્યક્તિત્વો.! જેને એક થઇ ને સામંજસ્ય સાધવાનું છે. દ્વૈતમાંથી અદ્વૈત તરફ જવાનું છે.પણ કેટલા જઇ શકે છે? હવે કાલે મળીશું ને?તારા લગ્ન થાય ત્યાં સુધી રોજ શબ્દોના સહારે મારી આ ડાયરીના પાનાઓમાં હું તને મળતી રહીશ કદાચ તારી જાણ બહાર.
આવજે મીઠી…
મમ્મીનું વહાલ..(ક્રમશ:)

No comments:

વાચકોના પ્રતિભાવ