Saturday, July 28, 2007

ભાવવિશ્વ..મા દીકરીનું - 2

“દીકરી…..
જૂઇની નાજુક કળી,
પ્રભુજીને ચડાવેલ ફૂલની આવેજીમાં મળી.”

બેટા,ઝિલ,

કાલે સાસરેથી છલકતી અને મલકતી તું અને શુભમ મને મળવા આવ્યા..ત્યારે તારું એ નવું સ્વરૂપ જોઇ હું આશ્ર્વર્ય અને હરખથી સભર બની ગઇ. આમ તો દેખીતું કોઇ પરિવર્તન તારામાં નહોતું આવ્યું.અને છતાં..છતાં તારું એક અલગ આકાશ રચાયું હતું એ હું અનુભવી શકી.અને સુરેશ દલાલની આ પંક્તિ કાનમાં ગૂંજી રહી.

“પંખી ટહુકા મૂકી ને ઝાડ પાસે ગયું,
એના ગમતા આકાશ પાસે દોડી ગયું.”

અને મારા અંતરમાંથી અજાણતા જ મૌન આશિષો વરસી રહી તમારા બંને માટે.તારી ક્ષિતિજો વિસ્તરતી રહે..અનંત આકાશમાં તું તારા સાથી સાથે ઉડાન ભરતી રહે..એથી વિશેષ ખુશી એક મા માટે બીજી કઇ હોઇ શકે?
આજે સ્કૂલમાં કવિ વિઠ્ઠલરાય આવસત્થીનું “મીઠી” કાવ્ય ભણાવતા ભણાવતા અનાયાસે મારી આંખો છલકી રહે એ સ્વાભાવિક જ છે ને?તારું એ માનીતું કાવ્ય..જે નાનપણથી આજ સુધી તું સંભળાવવાની ફરમાઇશ કરતી આવી છો.

”ડુંગર કેરી ખીણ માં ગાંભુ નામે ગામ,
ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ”

આપણી કેટકેટલી સ્મૃતિઓ આ કાવ્ય સાથે સંકળાયેલી છે.તું નાની હતી ત્યારે આ કાવ્ય હું તને સૂવડાવતી વખતે અચૂક ગાતી.કેમકે મને યે એ કાવ્ય બહું પ્રિય છે.અને એ તારી ઉંઘ સાથે અજબ રીતે સંકળાઇ ગયું.તને ઘોડિયામાં હીંચોળતી હું કેટલાયે કાવ્યો લલકારતી રહેતી.ગાતા ભલે ને સારુ નહોતું આવડતું પણ છતાં હું સતત ગાતી રહેતી.અને તું જાણે હું લતા મંગેશકર હોઉં અને ગાતી હોઉં..તેમ સાંભળતી રહેતી.કેટલાયે જોડકણા,હાલરડા અને કાવ્યોની અખૂટ ધારા વહેતી રહેતી.તું કંઇ ન સમજતી અને છતાં મને થતું કે તું બધુ સમજે છે.! ઘોડિયામાં સૂતાં સૂતાં તું સૂવાનો ડોળ કરી લુચ્ચુ હસતી..ત્યારે મને યશોદામા અચૂક યાદ આવતા.અને સાથે યાદ આવતી આ પંક્તિ

”પ્રથમ શિશુ સૌ કહાનો,માતા બધી જ યશોમતી;
મૃદુ,મલિન મ્હોમાં બ્રહ્માંડો અનેક અવલોકતી.”

તારી આંખો બંધ થાય..એટલે તું સૂઇ ગઇ માની હું ગાવાનું બંધ કરતી.અને બીજી જ મિનિટે તું ઘોડિયામાં બેઠી થઇ ખોયાની બંને સાઇડ પકડી ને ટગર ટગર મારી સામે જોઇ ડીમાન્ડ કરતી હોય તેમ જોઇ રહેતી.અને બે મિનિટ રાહ જોઇને જો હું મારો લલકાર શરૂ ન કરું તો તું તારી ભાષામાં ડીમાન્ડ કરતી.એટલે કે રડવાનું ચાલુ કરી દેતી.ને હું ગમે તેટલી થાકી ગઇ હોઉં તો યે મારા રાગડા ચાલુ ! અને તું સંતોષ પામી..”હં હવે બરાબર..”નું સ્મિત કરી ધીમેથી સાચવી ને પાછી ઘોડિયામાં લંબાવી દેતી..!

અને પછી થોડું બોલતા શીખી ત્યારે તો ઉંઘ આવે ત્યારે અચૂક “મીઠી..”એટલું બોલતી.અને મારે સમજી જવાનું કે તને ઉંઘ આવે છે.અને મારે હવે એ કાવ્ય ગાવાનું છે..! આ વાત તો તું આજે યે યાદ કરે જ છે ને?આજે યે હોસ્ટેલમાંથી ફોન પર પણ તેં કેટલી યે વાર મારી પાસે “મમ્મી,મીઠી ગા ને..આજે ઉંઘ નથી આવતી..” કહી ને ગવડાવ્યું છે.અને પપ્પા ફોનનું બીલ ભરતા રહેતા અને આપણે મા દીકરી”મીઠી” ગાતા રહેતા.મને ડર છે કે પછી ખાત્રી છે કે લગ્ન કરી ને તું અમેરિકા જઇ શ ત્યારે યે કયારેક અચાનક તારી ફરમાઇશ આવશે જ કે “મમ્મી,મીઠી ગા ને..”અને શુભમ બીલ ભરતો રહેશે…! અને આપણી વચ્ચેનું માઇલોનું અંતર પાનખરમાં ખરી પડતા પર્ણની જેમ ખરી પડશે અને ફરી એકવાર આપણું મા દીકરીનું આગવું ભાવવિશ્વ રચાઇ જશે..સાત સાગરની પાર. કેવી કેવી કલ્પનાઓ મન કર્યા કરે છે નહીં?

“માઇલોના માઇલો નું અંતર ખરી પડે.
જયાં અંતરનો સેતુ નિરંતર.”

આજે કેટકેટલી સ્મૃતિઓ માનસ પટ પર છલકાય છે…શું યાદ કરું ને શું ભૂલું? તારા લગ્નની કલ્પના કરું કે તારા શૈશવની ગલીઓમાં યાદોને સહારે ઘૂમુ?આ બધું શું કામ લખુ છું..એ યે આજે અત્યારે તો ખબર નથી.બસ છલકાઉ છું ..એટલે શબ્દો સરતા જાય છે.કોઇ સભાનતા વિના..
આ કંઇ મારી એકની વાત નથી.દુનિયાની દરેક સ્ત્રીના આંતરમનની આ લાગણી છે.દરેક મા દીકરીનું આ વ્યકત કે અવ્યક્ત ભાવવિશ્વ છે.વહાલનો દરિયો સેતુ બની ને માતા પુત્રી વચ્ચે ઘૂઘવતો રહે છે.કોઇ ઓટ વિના.અહીં તો છે ફકત ભાવોની ભરતી,લાગણી ના સતસ ઉછળતા મોજા..એ કયારેક ન દેખાય તો પણ હાજર હોય જ.એ શંકાથી પર છે.

આજે શું કર્યું શુભમ સાથે?કયાં ફર્યા?શું વાતો કરી?તારા ફોનની રાહ જોઇ ને બેઠી છું.મને ખબર છે કે મને વાત કર્યા વિના તને યે ઉંઘ નહીં જ આવે.અને મને તો આવવાનો સવાલ જ નથી.બસ..હવે કાલે વાત.પપ્પા જાણી જોઇને તારી કોઇ વાત મારી પાસે કાઢતા નથી .કેમકે એને ખબર છે કે નકામી હું રડીશ.એ પણ તને એટલી જ યાદ કરે છે.પણ પુરૂષ હમેશા પોતાની લાગણી જલ્દી વ્યકત નથી કરતો કે નથી કરી શક્તો..પણ હું જાણુ છું અનુભવુ છું.કે એનું મન પણ છલકાઇ રહ્યું છે.ફકત આંખો જ મારી જેમ નથી છલકતી.આમે ય તું તો પપ્પાની ચમચી રહી ને !

અહીં તું એટલે દરેક દીકરી..અને મા એટલે દરેક મા અને પિતા એટલે દરેક પિતાની વાત કરું છું.ખાલી તું એકલી હરખાઇ ન જતી.પ્રતિનિધિ તને બનાવી છે આજે.વાત માંડવા માટે…એટલું જ હોં..! બાકી કઇ દીકરી પિતાની ચમચી નથી હોતી?અને કયા માતા પિતા પાસે આવા કોઇ ને કોઇ સંસ્મરણો નહીં હોય?

તારા ફોનની પ્રતીક્ષામાં.
મમ્મી નું ખૂબ ખૂબ વહાલ.
ક્રમશ:

No comments:

વાચકોના પ્રતિભાવ