Saturday, July 28, 2007

ભાવવિશ્વ - 1

શૈશવ ના સપનામાં જોયેલી પરી,
સદેહે અવતરી,
થઇ દીકરી.

વહાલી ઝિલ,

તારીખ. 4 -12-2004

આજે તારી સગાઇ થઇ.તારા મનપસંદ પાત્ર સાથે.તારી આંખોમાં છલક્તી ખુશી હું માણી શકી. આજે પહેલીવાર તું સાસરે ગઇ….! મારી નાનકડી દીકરી આટલી મોટી થઇ ગઇ…! અને મને ખબર સુધ્ધાં ન પડી..!!!

“મેળાની જેમ દિલ મહીં ઉભરાય પ્રસંગો,
આંસુ થઇ આંખમાં છલકાય પ્રસંગો.”

અને અશ્રુથી ધૂંધળી બનેલ મારી આંખોમાં 20 વરસ પહેલાનું દ્રશ્ય તરવરી રહે છે.

નવજાત,ગોરી ગોરી નાનકડી સુંદર ઢીંગલી ને પ્રથમવાર નર્સ મારા પડખામાં મૂકી ગઇ..અને હું તને ટગરટગર જોઇ રહી હતી..!! આ…આ મારું સંતાન છે?મારા જ અસ્તિત્વનો એક અંશ?તારી આંખો બંધ હતી.કદાચ મનમાં હશે કે પહેલાં મમ્મી બોલાવે તો જ આંખો ખોલુ.! મેં ડરતા ડરતાં ધીમેથી..એક નાજુકાઇથી તને પ્રથમ સ્પર્શ કર્યો..અંતરમાં કેટલીયે મિશ્ર લાગણીઓના પ્રતિઘોષ ઉઠતા હતા..નવ મહિનાથી કલ્પના તો કરી હતી તારા આગમનની…પણ જયારે ખરેખર તું અવતરી..ત્યારે હું કદાચ મૂઢ થઇ ગઇ હતી.કંઇ સમજાતું નહોતું. હું શું કરું તે..મારી અંદર ઉઠી રહેલ ઉર્મિઓના પ્રચંડ પૂરને હું સમજી નહોતી શકતી.
અચાનક તેં તારી નાનકડી આંખો ખોલી.ને મારી સામે સ્મિત ફરકાવ્યું કે પછી મને એવું લાગ્યું..તે આજે યે પૂરી ખબર નથી.
”મા,હું..તારી નાનકડી દીકરી…મા,મને વહાલ કરીશને?આ દુનિયા મને દેખાડીશને?સમજાવીશને?મને બીક નહીં લાગે ને?ના,રે તું છો મારી પાસે પછી મને ડર શાનો?….”
આવું આવું તું કંઇ કહેતી નહોતી..પણ હું સાંભળતી હતી..! એક શિશુ જેનો બધો યે આધાર તમારી એક પર હોય…એવું અનુભવો ત્યારે કેવી લાગણીઓ અંદર ઉઠે?
હું ડરતી હતી..આને ઉપાડાય?તેડાય?કંઇ થઇ તો નહીં જાય ને?લાગી તો નહીં જાય ને?કયારેય કોઇ નવજાત બાળકને તેડયું તો શું જોયુ પણ નહોતું.આપણા આખા કુટુંબમાં તું પહેલી જ હતી ને?મનમાં ઉર્મિઓના ધોધ ઉછળતા હતા..પણ હું સમજી નહોતી શકતી.હું તો હમણાં સુધી કોલેજમાં ભણતી હતી.મસ્તી કરતી હતી.અને આજે મા બની ગઇ..! નવ મહિનાથી આ પ્રસંગ ની ખબર હતી..છતાં આ ક્ષણે એને સ્વીકારતા,સમજતા મને થોડી મિનિટો જરૂર લાગી હતી.મનમાં એક મુગ્ધતા હતી.એક અવઢવ હતી..! કંઇ ખબર નહોતી પડતી..હવે..?હવે શું કરવાનું?

તને પ્રથમ સ્તનપાન કરાવ્યું ! .નર્સે શીખડાવવું પડયું.તારા નાનકડા ,ગુલાબી હોઠનો એ પ્રથમ સ્પર્શ..એ રોમાંચ આજે યે મારી અંદર જીવંત છે.એ ક્ષણની અનુભૂતિ ને શબ્દોમાં વર્ણવવી અશકય છે.તારી આંખોમાં અપાર વિસ્મય છલકતું હતું.આસપાસની સૃષ્ટિને તું ઓળખવા મથતી હતી કે શું?કે પછી આ કયાં આવી ચડી છું?એવું વિચારતી હતી?કયારેક ઉંઘમાં યે મંદમંદ મલકતી તને હું અપાર આશ્ર્વર્ય થી જોઇ રહેતી.કોઇ કહેતું કે બાળકને છ મહિના સુધી એનો પૂર્વ જન્મ યાદ હોય..એટલે એની સ્મૃતિથી નવજાત શિશુ મલકતું હોય..!! એ જે હોય તે ખબર નથી.પણ ત્યારે તો મારા મનમાં એક વિચાર જરૂર આવતો કે વૈજ્ઞાનિકો આટલી બધી શોધો કરે છે..તો નાના બાળકના મનમાં શું ચાલે છે..એ જાણવાની કોઇ રીત કેમ નહીં શોધતા હોય?હસવું આવે છે ને?મને યે આવતું હતું…! તારા નાનકડા હાથનો સ્પર્શ મારા પ્રત્યેક અણુને ઝંકૃત કરી મૂકતો.પ્રથમ શિશુનો પ્રથમ સ્પર્શ…એની તો મૌન અનુભૂતિ જ હોય..વર્ણન નહીં..શબ્દો નહીં..! ધીમે ધીમે તારી આંખોમાં યે મારી ઓળખાણનો અણસાર છલકવા લાગ્યો.મારી સામે જોઇ તું સ્મિત કરી ઉઠતી અને મારું ભાવવિશ્વ ઉજાગર થઇ ઉઠતું.એ સ્મિતના દરિયામાં ખેંચાવાનો અદભૂત લહાવો હું માણતી.

તારી એક એક નાની ક્રિયાઓ મારે માટે અલૌકિક બની રહેતી.તારી આંખોમાં નાની નાની વસ્તુઓ માટે છલકતા અચરજને હું પરમ આનંદ અને બમણા અચરજથી અનુભવી રહેતી.મારા ભાવવિશ્વમાં ભરતી આવતી.તું હસતી ત્યારે હું લીલીછમ્મ બની જતી .અને કયાંક વાંચેલું મનમાં છલકાઇ જતું.

“પ્રથમ શિશુએ પ્રથમ હાસ્ય છેડયું,
શત શત ટુકડા થયા એ હાસ્યના;
વેરાયા એ ચોમેર જયારે.
તે દિન પરીઓના દેશ વસ્યા.”

અને રડતી ત્યારે કેવી યે ઘાંઘી થ ઇ ને બાજુવાળા માસીને બૂમાબૂમ કરી મૂકતી.”માસી,જલ્દી આવો ને…જુઓને આને શું થાય છે?કયારની રડે છે.માસી હસતા કેમકે એ જાણતા કે મારું કયારનું બે મિનિટથી વધું ન જ હોય.પણ એ બે મિનિટમાં મારી અંદર ઉથલપાથલ મચી જતી.

આજે કેટકેટલા દ્રશ્યો ઉર્મિઓના મોજા પર સવાર થઇ ને યાદો બની મારા મનોઆકાશમાં વિહરી રહ્યા છે.તારા જીવનના કેટકેટલા તબક્કાઓ મેં જોયા છે,જાણ્યા છે.અનુભવ્યા છે.પણ એ બધા તબક્કા વખતે મને ખબર હતી કે હું તારી સામે હાજર છું.આજે હવે જીવનના એ તબક્કામાં તું પ્રવેશ કરી રહી છે જયારે હું..તારી મા..જેણે તને આ દુનિયામાં જન્મ આપ્યો..તે તારી પાસે પ્રત્યક્ષ હાજર નથી..નહીં હોય..કોઇ પણ મા ન હોય..જીવનનો એ સ્વાભાવિક ક્રમ છે.અને ત્યારે મારા સમગ્ર ચેતનમાંથી તારા નવજીવન માટે ની મંગલ કામના ઉઠે તે સ્વાભાવિક જ છે ને? અને મા ના આશીર્વાદ ની અમીવર્ષા તો જીવનની પ્રત્યેક ક્ષણે..મૃત્યુ પછી યે પુત્રી પર દ્રશ્ય કે અદ્ર્શ્ય રીતે વરસતી જ રહેવાની ને?
હું તારા જીવનના પ્રથમ તબક્કા ને અત્યારે માણું છું..અને તુ તારા નવજીવનના સાથી સાથે, નવસ્વપ્નો સાથે એક અલગ ભાવવિશ્વમાં પ્રસ્થાન કરી રહી છે.ત્યારે બેટા,તને મારા શત શત આશીર્વાદ. આજે અંતરમાં ઉમટતા ,ઉછળતા લાગણીઓના પૂર ને લીધે છલકતી આંખે આગળ નહીં વધી શકાય.કાલે જરૂર મળીશું.

મમ્મીના આશીર્વાદ.

નીલમ દોશી.

God smiled,when He made daughter.
Because He knew,He had created
Love and happiness
For every mom and dad.

---------------------
સૌજન્ય: નિલમ દોશી - પરમ સમીપે

No comments:

વાચકોના પ્રતિભાવ