Saturday, July 28, 2007

ભાવવિશ્વ....14

દીકરી..
રજનીગંધાની મહેક,
મેઘધનુષી રંગો,
સંધ્યાની સુરખિ..

વહાલી ઝિલ,

“જિંદગીની બીના એક સોગાદ છે,
મન વલોવાયું છે,ઉલ્કાપાત છે.”

આજે આ સાંજ ઉદાસી પહેરી આભના ઝરૂખે ઉભી છે.ડાયરી ને પેન હાથમાં છે.પણ અંતરમાંથી શબ્દો સરતા નથી.મન આજે ઉદાસ છે.પરાણે શબ્દો ગોઠવવા ગમે નહીં તે સ્વાભાવિક છે.ડાયરી તો અંતરનું પ્રતિબિંબ છે.પૂરી સચ્ચાઇ અને શ્રધ્ધા હોય તો જ એ સાર્થક થઇ ને દીપી ઉઠે.અને તો જ અન્યના અંતરને રણઝણાવી શકે.દિલમાંથી ઉઠતા સહજ સ્વયંસ્ફૂરિત શબ્દોની સરવાણી જ એને વિશ્વસનીય બનાવી શકે.ડાયરીના પાને પાને સહજ છલકતી સાચી સંવેદના હોય એ એની પ્રથમ શરત છે.અન્યથા એ ખાલી અહેવાલ બની રહી જાય.

તું કહીશ..જનરલી કયારેય ઉદાસ…નિરાશ વાતો ન કરનાર મારી મમ્મી આજે કેમ આવું કહે છે? કાલે આપણા પડોશી શિરિન અંકલની નાનકડી પુત્રી નિક્કી રમતાં રમતાં ખાડામાં પડી જતાં…મૃત્યુ પામી.! મન અપસેટ થઇ જાય એ સ્વાભાવિક જ છે ને?મોત હમેશા છાના પગલે..કયારે..કયાં ,,..કોને..કેવી રીતે આવે છે.. એ કોણ કહી શકે?જન્મ તેનું મૃત્યુ એ નિશ્વિત છે જ… એ આપણે સૌ જાણીએ છીએ.અને છતાં છતાં એનો સ્વીકાર એટલો આસાન નથી જ.અને ખાસ કરીને આવા ઉગતા ફૂલનું અકાળે ખરી જવું..!.મૃત્યુ સત્યમ્ શિવમ્ અને સુંદરમ્ છે. એનો લેખ લખવો જેટલો સરળ છે..એટલો સ્વીકાર સરળ નથી જ.


“આ જિંદગી
એટલે….
અનેક અનિશ્તતાનો સરવાળો”

શબ્દો ખૂટી જાય,શ્વાસ થંભી જાય..એવી વેદના સાથે આંખમાંથી સરતા અશ્રુમાં પડતું એક પ્રતિબિંબ ..એક યાદ આજે યે મને હચમચાવી મૂકે છે.

બપોરે બાર વાગ્યા હતા.પપ્પા જમવા ઘેર આવ્યા હતા.અને કોઇનો ફોન આવ્યો,”સર,પેલો મેકવાન અગાશી પરથી પડી ગયો છે.” અને હું ગભરાઇ ગઇ.મેકવાન તો તને અને મીત ને રમાડવા હમણાં જ મારી પાસેથી લઇ ગયો હતો.હું ને પપ્પા ચોથે માળે થી દોડયા.નીચે આવ્યા ત્યાં ખાસ્સુ ટોળુ જમા થયેલ.અને …અને અમે જોયું તો તું ભાઇ પાસે ઉભી ઉભી રડતી હતી.તું ત્યારે પૂરા ત્રણ વરસની નહોતી.અને મીત મેકવાનની છાતી પર ખુલ્લી આંખે પડયો હતો.મેકવાનના હાથ મડાગાંઠની જેમ મીતની આસપાસ વીંટળાયેલ હતા.મીત રડતો નહોતો.તેની આંખોમાં ભયના ઓથારની એક શૂન્યતા છવાયેલ હતી.મારી દશા તો…..

મેકવાન બેભાન હતો.તાત્કાલિક ડોકટર આવ્યા.મીતને કયાંય કશું લાગ્યું નહોતું.એક ખરોંચ સુધ્ધાં નહોતી આવી.એક વરસનું બાળક ચોથા માળની અગાશી પરથી પડે અને છતાં…એક ઘસરકો સુધ્ધાં નહીં?”રામ રાખે તેને કોણ ચાખે?”યાદ આવી જ જાય ને?

પણ મીત મને કે કોઇને ઓળખતો નહોતો કે રડતો પણ નહોતો.ડોકટરે તેને ચોવીસ કલાક માટે ઘેનનું ઇન્જેક્શન આપી ને સૂવડાવી દીધો..અમે ગભરાતા હતા.પણ ડોકટરે કહ્યું કે”બાળક હેબતાઇ ગયો છે.આટ્લે ઉંચેથી પડયો છે તેથી.તે સૂઇ જશે એટલે એ ભૂલી જશે.જો ઉઠે પછી તેનું વર્તન નોર્મલ ન હોય તો મને કહેજો..તો આપણે કંઇક આગળ વિચારવું પડશે.
એ ચોવીસ કલાક એક મા ના કેવા નીકળ્યા હશે..! એક મટકુ યે માર્યા સિવાય હું ને પપ્પા આખી રાત એની પાસે બેઠા હતા.ને ઇશ્વરને પ્રાર્થના કરતા રહ્યા.અને તું પૂરુ સમજી નહોતી શકતી કે શું થયું છે.તું પણ ભાઇ પાસે નિમાણુ મોં કરીને ઉભી હતી.એકદમ શાંત બની ને..મારો હાથ પકડી ને.! સવારે મીત રાબેતા મુજબ જાગ્યો.મારી સામે જોઇ હસી ઉઠયો.ને એ મને વળગી રહ્યો કે હું એને? એ ખબર ન પડી.ખાત્રી કરવા દૂધ આપ્યું.તેણે રોજની જેમ જ પીધું.ડોકટર આવ્યા..અને ચેક કરીને કહ્યું,”બધું નોર્મલ છે.”મીતને તો ખબર સુધ્ધાં નહોતી કે આવું કંઇ તેનીસાથે થયું હતું. ઇશ્વરનો ચમત્કાર જ હતો ને આ?ટિટૉડી ના ઇંડા જેમ ભગવાને બચાવ્યા હતા.એમ જ પરમાત્માએ મારા લાડલા ને બચાવ્યો હતો.એક ઉઝરડો પણ નહોતો પડવા દીધો.પેલા મેકવાનને બિચારાને પાંચ જગ્યાએ ફ્રેકચર થયા હતા.અને નાનકડું બાળક ચોથે માળે થી પડવા છતાં હેમખેમ ઉગરી ગયું હતું.

આજે નિક્કી ના સમાચારે મને ઉદાસ બનાવી દીધી.અને મનમાં આ પ્રસંગ ફરી એક્વાર જીવિત થઇ રહ્યો.ઇશ્વરની કૃપા કેવી વરસી રહી હતી આપણી પર.!! એ અનુભવ કયારેક ભૂલી શકાય ખરો?

“તરબતર આંખો પ્યાસી નીકળી,
રાતરાણીની ઉદાસી નીકળી.”

અંતરમાંથી દુવાઓ સરી રહે છે “હે ઇશ્વર આવા કૂમળા ફૂલની તારે કોઇ જરૂર નથી.કોઇ મા પાસેથી આવા ફૂલ આપી ને ન ઝૂંટવીશ..ઇશ્વર એટલો નિષ્ઠુર ન થઇશ.બસ…. રુંધાયેલ મને આજે આગળ કંઇ જ નહીં..

“જનારી રાત્રિ જતા જતા કહેજે,
સલૂણી એવી સવાર આવે,
કળીકળી માં સુવાસ મહેકે
ફૂલો ફૂલો માં બહાર આવે.”

મમ્મીના આશીર્વાદ

No comments:

વાચકોના પ્રતિભાવ