Saturday, July 28, 2007

ભાવવિશ્વ....15

દીકરી…

ધખતા ઉનાળે,
ઝંખવાયેલ આંખોને
ટાઢા પાણીની છાલક.

વહાલી ઝિલ,

ઋતુઓની આવનજાવન થતી રહે છે.કેલેન્ડરના પાનાઓ ફાટતા રહે છે.

”ચૈતર ચંપો મહોર્યો,ને મહોરી આંબાડાળ;
મઘમઘ મહોર્યા મોગરા,જૂઇ ઝળૂંબી માંડવે;
કોયલ કૂંજે કૂંજમાં,ને રેલે પંચમ સૂર….”

વર્તમાન અતીત બની સરતો રહે છે..જીવનની સુંદર ક્ષણોને રોકી નથી શકાતી અને નરસી ક્ષણોને ઝડપથી પસાર નથી કરી શકાતી.

”બહાર બારે મેઘ ખાંગા થઇ જતા,
ત્યારે મનમાં ઉગે એક સંભારણું.”

આજે જૂની કેસેટો કાઢી હતી.અને…અને અમે યે કદાચ ભૂલી ગયા હતા..ત્યાં તમારા બંને નો કાલોઘેલો અવાજ રૂમમાં અને મનમાં ગૂંજી રહ્યો.અને હું સીધી પહોંચી ગઇ એ સરસ મજાની દુનિયામાં..તમારી સંગાથે. તમે બંને નાના હતા..ત્યારે તમે જે ગીતો ગાતા,જે જોડકણા ગાતા એ બધું અમે રેકોર્ડ કરી લેતા.એકવાર તમારે બંને સાથે ગાવું હતું..કે પહેલાં કોનું રેકોર્ડ થાય.! કેમકે ત્યારે હજુ બાળકની વિસ્મયની દુનિયા એટલી નાની નહોતી બની.રેકોર્ડ કરેલ તમારો પોતાનો અવાજ તમે આશ્ર્વર્ય અને આનંદથી સાંભળી રહેતા.પણ તે દિવસે પહેલા કોણ ગાય એ નક્કી નહોતું થતું.હું તો હમેશની જેમ કંઇ બોલું જ નહીં ને?! એવી ભૂલ થૉડી કરાય?એટલે હું તો મોં માં મગ ભરીને બેસી ગઇ.આરામથી..અને તેં ફરી એક વાર તારા ભાઇલાને પ્રેમથી પટાવી લીધો.”ભઇલા,જો..ત્યાં દૂર બેસીને ગાઇએ ને તો બહુ સરસ સંભળાય..”અને નાનકડા ભાઇલાને બેન પર અખૂટ વિશ્વાસ.! અને ભાઇલો એક ખૂણામાં બેસી કલાક સુધી લલકારતો રહ્યો.અને બેનબા ટેપ પાસે બેસી આરામથી ગાઇ રહ્યા.અને પછી ભાઇલાને નજીક બોલાવી કહ્યું,:હવે અહીં બેસી ને ગા તો…”

હસી પડી ને ખડખડાટ…!! પણ ભાઇલો આજે યે ગુસ્સે થશે હોં ! અને તેં કંઇ આ પ્રસંગ યાદ કરીને મારા લાડલાની મસ્તી કરવાનું કયારેય છોડયું નથી હોં !.

“બાળપણ પંખી બની ને ઉડી ગયું.,
હવે સ્મૃતિઓ ટહુકાય પાને પાને.”

એક દિવસ પા પા પગલી માંડતી તું એક દિવસ શુભમની સાથે રેશમગાંઠે બંધાઇ ને સહજીવનની સફરે સાત સાગર પાર ઉડી જઇશ ત્યારે તારી મારી પાસે …દરેક મા પાસે રહી જાય છે યાદોના અંબાર.કાળના પથ્થરોની વચ્ચેથી ખળખળ વહેતા જળના ઝરણાની જેમ.

આ ખળખળ વહેતું ઝરણું શબ્દની સાથે આંખો માં ઉતરી આવે છે..એ દિવસોની સ્મૃતિઓ.અંગ્રેજી માધ્યમમાં ભણતી તને મારા ગુજરાતી સાહિત્યના શોખનો વારસો તો મળે જ ને?અને ઘરમાં ચોપડીઓનો તો કયાં પાર હતો?તું ગુજરાતી પુસ્તકો પણ રસથી વાંચતી.કેમકે નાનપણમાં ક.મા.મુનશી.થી માંડીને લે મિઝરેબલ જેવી વાર્તાઓ તમને હું સંભળાવતી.હપ્તાવાર.પરીક્ષા વખતે પણ છાનીમાની તું એ બધી ચોપડીઓ વાંચ્યા કરતી.(જે એક જમાનામાં હું કરતી..તે મારી દીકરી કરતી થઇ ત્યારે ઉપરથી ગુસ્સો અને અંદરથી હસવું આવતું હતું.)

ત્યારે ઉષા શેઠનું “મૃત્યુ મરી ગયું” પુસ્તક વાંચી તારી આંખો છલકાઇ આવી હતી.એમાં નીતા નું બોલાયેલ વાકય તને બહુ સ્પર્શી ગયેલ..યાદ છે એ વાકય?”જીવન એટલે ખળખળ વહેતું ઝરણું..માર્ગમાં કોઇ ભેખડ નડે તો એ નવો વળાંક લે,પણ વહેવાનું બંધ ન કરે….”વાંચતા વાંચતા તારી આંખોમાં ઝરણું ઉતરી આવતું.અને અત્યારે એ યાદ કરતાં
કરતાં મારી આંખોમાં યે ઝરણુ વહી રહ્યું.

નદી સપાટ મેદાનો માં વહી ને દરિયામાં ભળી શકે.પણ ઝરણું નહીં.એનો માર્ગ કયારેય સીધો..સપાટ ન હોઇ શકે.એને તો ગાવાનું છે.એનો ધર્મ છે વહેવાનો.એને તો ડુંગરો કોરી ને બહાર છલકવાનું હોય.કેટલાયે અવરોધો પસાર કરવાના હોય.કાળમીંઢ ખડકો વચ્ચેથી પોતીકો રસ્તો કરવાનો હોય ને વાટમાં જે મળે તેને પરમ પ્રસન્નતાની લહાણી પણ કરવાની હોય.ગીતના ગુંજારવે એને લીલાછમ્મ કરવાના હોય.ને મુશ્કેલીઓની વચ્ચે થી વહીને જીવન સંગીત પ્રગટાવવાનું હોય. બસ..બેટા,તારું જીવન પણ એ છલકતું ને મલકતું ઝરણું બની રહો.

”ખળખળતા ઝરણાઓ, ને સાથ મળે શમણાઓ.”

જીવનમાં અવરોધો તો આવવાના જ..પણ એ તારી જીવન શક્તિ ખીલવતા રહે,દરેક દિશાએથી મંગલ સૂરો ગૂંજી રહે.અને આંતરચેતના છલકી રહો,સ્વાતિનક્ષત્રમાં પડેલ જલબિંદુએ મોતી સમાન ચળકી રહો.હમેશા યાદ રાખજે..બેટા,તારે જીવનનું સાચું મોતી થવાનું છે.

નાની હતી ત્યારે દરિયા કિનારે રેતીમાંથી સરસ મજાના રંગબેરંગી છીપલા.શંખલા તું વીણતી રહેતી.અને તને એ સતત સરસ મજાના મળતા રહેતા.આમે ય શોધવાથી શું નથી મળતું?બસ..જીવનની પ્રત્યેક પળમાંથી પણ આનંદના શંખલા વીણતી રહે….ને વહેચતી રહે અને તને એ સતત મળતા રહે.કયારેય એ છીપલાની ખોટ ન પડે.તને કે વિશ્વની કોઇ પણ દીકરી ને આનંદ ની ક્ષણોની ખોટ ન પડે.એ પ્રાર્થના ઉદભવી રહી છે.અત્યારે અંતરના અતલ ઉંડાણમાંથી..
આજે ખબર નહીં કેમ કંઇ જ સૂઝતું નથી.મારી પાંપણે આંસુના મોતી પરોવાઇ ગયા છે.
આશિષોની છ્લકતી હેલી સાથે આજે અહીં જ વિરમીશ.

?

”લખિતંગ લખવાની જગ્યાએ,
ઓચિંતુ આંખથી ટપકયું એક આંસુ;
પળમાં તો કાગળ પર માય નહીં એમ,
જાણે છલકેલ લાગણીનો સિંધુ.”

દરિયા જેટલા વહાલ સાથે…
મમ્મી

No comments:

વાચકોના પ્રતિભાવ