Saturday, July 28, 2007

ભાવવિશ્વ....13

દીકરી…
મોરપીંછ સંગાથે ,
વનરાવનમાં વાગતી
શ્યામની વેણુ”

બેટા,ઝિલ,

“ખડકાય રોજ ગંજ સ્મરણના ,
અણસાર આગમનનો લાગે છે.! “

વ્યક્તિ હાજર ન હોય..અને તેનું નામ મનઝરુખામાં પડઘાયા કરે..તેમ આજે બાવીસ વરસનો..તારા જન્મ થી અત્યારસુધી નો સમય મનમાં ઉમટી રહ્યો છે.ચલચિત્રની જેમ અનેક દ્રશ્યો નજર સામેથી સરી રહ્યા છે. કાલે ફોનમાં કેટલી યે વાતો કરી નહીં?અને અહીં આ ડાયરીના પાનાઓમાં જે વાતો કરું છું..તારી સાથે સફર કરું છું..તેની તો તને હજુ ખબર સુધ્ધાં નથી.અત્યારે તો ખાલી તારા સ્મરણો ઉભરાય છે ..એટલે કાગળ પર ઉતારું છું..બની શકે કયારેક એ તને આપું.

આમે ય આપણા ઘરમાં બધાને એકબીજાને સરપ્રાઇઝ્ આપવા ની ટેવ છે ને?એટલે કયારેક..બની શકે કોઇ જન્મદિવસે આ ડાયરી સાત સાગર પાર કરી ભેટ તરીકે તારી પાસે આવી પહોંચી તને સરપ્રાઇઝ આપે.અને ત્યારે તારા ચહેરા પર કેવા ભાવ હશે..એ હું આજે અહીં બેઠા યે કલ્પી શકું છું.અને એ ખુશી આ ક્ષણે માણી રહું છું.અને ત્યારે કદાચ આવું કંઇક ગાઇ ઉઠીશ….

“પવન રે,લઇ જા..મારો પ્રેમ,
.સાત સાગર પાર,
વિશ્વ અખિલે વેરતો જાજે
ઢોળજે ફાવે તેમ”

જન્મદિવસ….!!! એ સાથે એક મધુર યાદ મનને તરોતાજા બનાવી રહે છે.તે રાત્રે..તું ને મીત..છાનામાના કંઇક ઘૂસપુસ કરી રહ્યા હતા.કેમકે બીજે દિવસે મારો બર્થ ડે હતો.તમે બંને ત્રીજા.ચોથા ધોરણમાં ભણતા હતા.અને તમારે તૈયારી કરવી હતી..મારા બર્થ ડે ની.અને તેથી અમારા સૂઇ જવાની રાહ જોતા હતા.પણ અમે હજુ સૂતા નહોતા.અને મને ટયુબ લાઇ ટ થઇ.તેથી અમે ખોટાખોટા ..આંખ બંધ કરી.અમારા રૂમની લાઇટ બંધ કરી ઘસઘસાટ (!)સૂઇ ગયા..!!

અને શરૂ થઇ તમારી રાત્રિ ચર્યા.!!

તમે બંને એ કંઇક ચિત્રો દોરેલ..કાર્ડ બનાવેલ..ઘરમાંથી ખાંખાખોળા કરી ડેકોરેશનની કેટલીયે વસ્તુઓ ભેગી કરી રાખેલ.તે તમારી રીતે બધે ચોંટાડવા માંડયા.તું લગાવતી જતી હતી.અને મીત એમાં લખતો જતો હતો.સવારે ઉઠી ને સૌથી પહેલા હું બ્રશ કરવા જાઉં..તેથી તમે સૌ પહેલા વોશ બેઝિન પર..કાગળ ચોંટાડયો ..કંઇક દોરી ને સરસ લખીને. અને એમ ગણતરી કરી..બધી જગ્યાએ બધું શણગાર્યું ને લખ્યું.મોડી રાત સુધી તમારી ભાઇ બહેનની મીઠી નોક્ઝોક ચાલતી રહી.મને થતું..કહી દઉં…કે બસ બેટા,હવે સૂઇ જાવ..પણ તો તમને ખબર પડી જાય,અને તમારો ઉત્સાહ ઓછો થઇ જાય.એટલે ચૂપચાપ સૂતા રહ્યા.!!

(જોકે એક એકરાર આજે જાહેરમાં કરી લઉ?તે રાત્રે મારાથી રહેવાયું નહોતું..એટલે તમારા બંને ના સૂઇ ગયા પછી છાનીમાની ઉઠીને જોઇ લીધું હતું કે તમે શું શું કર્યું છે?અને હું છલકાઇ ગઇ હતી..એ લખવાની જરૂર ખરી ?અને સવારે અજાણી થઇ ને ફરી એક વાર તમે બતાવ્યું ત્યારે જોયું.ચીટીંગ ને?સોરી…આજે વરસો પછી.)

અને સવારે..તમે બંને “મમ્મા..આજે શું છે?”મારા જ વાકયો..જે હું હમેશા તમારા બર્થડે પર બોલતી…તે મને પૂછી રહ્યા. ”શું છે?મને તો કંઇ યાદ નથી.” (તમારી જેમ મારો” હેપી બર્થડે છે…!!! “એમ ન કહ્યું મેં)

મીત ઉતાવળો રહ્યો..એટલે જલ્દી હરખાઇને બોલી દેવા જતો હતો ત્યાં તું બોલી ઉઠી..”કંઇ નથી..અમે તો ખાલી પૂછતા હતા.જા તારે લેઇટ થશે..બ્રશ કરી લે જલ્દી.અને એમ કહી મને બેઝિન તરફ ધકેલી.હું અજાણ બની બ્રશ કરવા ગઇ…અને..અને ત્યાં તમે બંને મારી પાછળ આવ્યા.અને હું…. હું છલકાઇ ગઇ..ઢોળાઇ ગઇ. ઉભરાઇ ગઇ..!! પાંખોનો ખળભળાટ અને ટહુકાઓનો ઝળહળાટ..!!!ભીનાશથી યે વધુ ભીની મારી આંખો અને હૈયુ.!!

શું બોલુ?શું લખું?મારા છોકરાઓએ આટલી મહેનત કરી કેટકેટલું લખ્યું હતું..એની સૂઝ પ્રમાણે..મમ્મી માટે…જે ભાવના એ કાલાઘેલા શબ્દોમાં વ્યક્ત થઇ હતી તે કોઇ મસમોટા શબ્દો માં ન થઇ શકે.મારી આંખોનું છલકવું સ્વાભાવિક નથી?આનાથી મોટી ગીફટ એક મા માટે બીજી કઇ હોઇ શકે?તમે ત્રણે પાછળ ઉભા ઉભા તાળી પાડતા હતા.અને “હેપી બર્થ ડેનું ગીત ગાતા હતા.અને પછી તો તમે આખા ઘરમાં..બધા રૂમમાં જે જે કર્યું હતું..તે હોંશથી બતાવતા જતા હતા.અને વર્ણન કરતા જતા હતા.

સાંજે પપ્પા સાથે જઇને તમે ઘણું લાવ્યા મારા માટે..પણ સવારની એ અણમોલ ભેટની તોલે બીજું કંઇ આવી શકે તેમ કયાં હતું? મારા બર્થ ડે ને તે દિવસે તમે બંને ખરા અર્થમાં “હેપી”બનાવી દીધો હતો.!

“એક ભીની યાદ આવે
ને પછી વરસાદ આવે, ફૂલ જેવી લાગણીના
મહેક જેવા સાદ આવે.”

પ્રત્યેક મા બાપ..પોતાના બાળકનો જન્મદિવસ પોતપોતાની રીતે ઉજવતા જ હોય છે.અને બાળકની ખુશી માટે શકય બધું કરી છૂટતા હોય છે.કોઇ અપેક્ષા વિના.સહજતાથી.પણ બાળક જ્યારે કોઇ નાની વસ્તુ પણ મા બાપ માટે કરે છે ત્યારે તેમની આંખો ભીની થયા સિવાય રહી શકે ખરી?તે દિવસે મારી ખુશી જોઇ ને તમે કેવા છલકયા અને મલકયા હતા.!!

આજે યે તમે બંને કોલેજમાંથી..હોસ્ટેલમાંથી મારા જન્મદિવસે કયારેક આવી ન શકો તો..કાર્ડ મોકલો છો..પણ કયારેય તૈયાર લખાણ નહીં..જાતે લખો છો.દિલની સાચી લાગણી થી છલક્તું કાર્ડ અમને મળે છે ત્યારે એ ચન્દ પળોમાં અમે જીવી જઇ એ છીએ.એ લખાણ..એ કાર્ડ આજે યે અમૂલ્ય ખજાનાની જેમ મારી પાસે સાચવેલ છે.મા બાપને બાળકોની લાગણી સિવાય બીજું શું જોઇએ?અમે એવા નશીબદાર છીએ..માટે ઇશ્વરના આભારી છીએ..અને બેટા,તમારા બંને ના તો ખરા જ.

”જેટલા ઠલવાઇ જશો,કોળશો બમણાં
મહોરવા માટે ફકીરી કામ આવે છે.”

જીવનમાં જયાં જાવ ત્યાં બધાના આનંદનુ કારણ બની રહેજો.દરેકને પ્રસન્નતા આપી શકો એવા ઉત્સાહી બની રહેજો.અને એક વાત હમેશા યાદ રાખજો..પ્રેમ..આનંદ..પ્રસન્નતા..બીજાને આપવાથી,,એને મળે છે..એ કરતાં બમણી તમને મળશે.પ્રેમ અને લાગણી કયારેય માગવાથી ન મળે..આપવાથી એની જાતે મળે.

”આપતા રહો ને પામતા રહો…
સંબંધોના સોનેરી સૂત્રમાં,
દિવ્યતાની માળા પોરવતા રહો.”

“અંગત અંગત કોક મળે છે, લોક મળે છે મેળે મેળે”

એ ‘અંગત’ની ખોટ જીવનમાં કયારેય ન સાલે….

બસ….એટલું જ…

મા ના આશિષ.

No comments:

વાચકોના પ્રતિભાવ