Showing posts with label ભાવવિશ્વ. Show all posts
Showing posts with label ભાવવિશ્વ. Show all posts

Saturday, July 28, 2007

ભાવવિશ્વ….30………પ્રતીક્ષા શબરીની

એક મૌન એહસાસ
એક મીઠી અનુભૂતિ
દીકરી એ દીકરી…”

વહાલી ઝિલ,

હવે તો સ્મૃતિમંજુષાનો ભીનો દાબડો ખોલી એમાં છૂપાયેલ યાદો ના અંબારને જ માણવાનો રહ્યો. નવા મુલકના ઉંબરે, નવા જીવનમાં, નવી જવાબદારી ઓ સંભાળી તારા સાથી..સંગાથી સાથે.. એક અલગ દુનિયામાં..એક અલગ વિશ્વ માં..તારા પોતાના ઘરમાં વિશ્વની બધી દીકરીઓની જેમ તું પણ ઓતપ્રોત બની ગઇ છે. આમાં કંઇ જ નવું નથી..છતાં બધું જ નવું બની રહે છે.. રોજ એક નવો ઉજાસ ઉઘડતો હશે. મા બાપ ના આંગણનો તુલસીકયારો બીજે રોપાઇ ગયો છે. ઇશ્વર, દરેક દીકરીના કયારાને મહોરતો રાખે.. તારી યાદ સાથે અંતરમાંથી એ પ્રાર્થના સરતી રહે છે.

”અમ કયારાની આ ફૂલવેલી,
અમોલી,એ પાંગરજો,
જોજો થાયે ના એને અજંપો,
ખોટ અમારી એને ન હો..
એ તો જયોતે ઝબુકતી દીવી,
દિવેટ એની સંકોરજો.. હૈયાને મૂલે મૂલવજો
ને હેતને ઝૂલે ઝૂલવજો”

સુંદરજી બેટાઇની આ પંક્તિ કેટલી સાર્થક લાગે છે આજે. બેટા, વહાલની આ યાત્રા અહીં પૂરી નથી થતી. વહાલ અને આંસુની ઓળખ દરેક મા, બાપ અને દીકરીની અલગ હોઇ શકે..પણ તેનું ઉદગમસ્થાન…તેનું ગોત્ર તો એક જ હોય છે. હ્રદય…અંતર….! આ ફકત આપણા એક ના જ મા દીકરીનું ભાવવિશ્વ નથી. અહીં દરેક સ્રહદયી મા બાપ…એમાં એમની દીકરીનું ભાવવિશ્વ નીરખી શકશે..માણી શકશે..એ શ્રધ્ધા છે..વિશ્વાસ છે. પ્રસંગ અલગ હોય, વાતો અલગ હોય..માહોલ અલગ હોય..પણ એ બધામાંથી છલકતું, ઉઘડતું ભાવવિશ્વ તો એક જ હોવાનું. અહીં આપણે સૌએ વાત્સલ્ય અને વહાલથી છલોછલ કેટકેટલી સંવેદનાઓ સાથે માણી. કુટુંબજીવન ની યાત્રા સાથે મળી ને કરી. દીકરીની વાતોથી ભીંજાયા અને ભીંજવ્યા. દીકરીના વહાલના વારિની મીઠી છાલક ના અમીછાંટણા થી તરબોળ થયા.

જીવનસંધ્યાએ દરેક માતા પિતા પાસે રહે છે..પ્રતીક્ષા…ભીના સંભારણા..ખાટા મીઠા પ્રસંગો ની વણઝાર.કયારેક પાછું વળી જોઇ લેવાની …માણી લેવાની ઝંખના. બાળકો સાથે રહી તેમનો સ્નેહ પામવાની અપેક્ષા. એ અપેક્ષા પૂર્ણ થાય ત્યારે સંતોષ..ખુશી આંખે છલકી રહે…અને પૂર્ણ ન થાય ત્યારે વિષાદ પણ એ જ આંખે જ છલકી રહે છે. એ બે ખારા બુંદમાં માનવમનનો હર્ષ કે ખુશી બંને ચમકી રહે છે.

“બંધ લોટામાં જુઓ પૂરાઇ ગયું,
ગંગાનું જળ એની ખળખળ લઇ ને.”

એમ જ લાગણીઓનું જળ પણ મનના પટારામાં ખળખળ કરતું વહી રહે છે. કયારેક બહાર આવી ને છલકે છે, કયારેક અંદર જ રહી ને મલકે છે

સાગરના પેટાળમાં જેમ કંઇ કેટલાયે અણમોલ ખજાના છૂપાયા છે..તે જ રીતે માનવમનના તળિયે પણ સુખ, દુ:ખ, રાગ, દ્વેષ, ભોગ, ત્યાગ, શ્રધ્ધા, વિશ્વાસ, શોક, વિષાદ..એવી અઢળક લાગણીઓ ઢબૂરાઇને પડેલી હોય છે. જીવનસંધ્યા એ તો જાણે એક આખો જમાનો જ ત્યાં સંઘરાઇ ગયો હોય છે. જીવનની નાની નાની પળોને વાગોળવી એને ગમે છે. વીતી ગયેલ આનંદની ક્ષણોને ફરી એકવાર જીવી લેવામાં એને પરિતૃપ્તિનો આનંદ મળે છે. એ ઝંખે છે..કોઇ સાંભળનાર..એના આનંદમાં કોઇને સહભાગી બનાવવું એને ગમે છે.

જે પુત્ર, પુત્રી ને એણે મોટા કર્યા છે. સ્નેહથી ઉછેર્યા છે..એના જ સુખ, દુ:ખને જીવનભર નજર સામે રાખી એણે પોતાની દિનચર્યા..જીવનચર્યા ગોઠવી છે..ત્યારે હવે પોતે બાળકોના થોડા પ્રેમના…એના થોડા સમયના હકદાર ખરા કે નહીં ? અપેક્ષાઓ શકય તેટલી ઓછી રાખીએ તો પણ આખરે માનવ છીએ. બધી જ અપેક્ષાઓ છોડવી શકય છે ખરી ? બાજુમાં રહેતા કાકાને જોઉ છું ..આજે સાત દિવસથી એમને થોડો તાવ આવે છે. દીકરો રોજ દવા લાવતા ભૂલી જાય છે. નથી લાવવી એવી ભાવના કદાચ નથી…પરંતુ એના વ્યસ્ત જીવનમાં એનો ક્રમ પ્રથમ નથી. બાપે દીકરાને પોતાની દવા લાવવાનું કહેવું પડે છે..યાદ કરાવવું પડે છે. અને આ ઉમરે દરેકની જેમ કાકા નું મન પણ આળુ થઇ ગયેલ છે. દીકરાને યાદ કરાવવું એને ગમતું નથી. એમાં એને લાચારી નો એહસાસ થાય છે. એ જ દીકરો માંદો હતો ત્યારે તેણે કયારેય પિતાને પોતાની દવા લાવવાનું કહેવું પડયું હતું ? ત્યારે પિતા પણ વ્યસ્ત જ હતા ને ?

અને દીકરો..દીકરી કંઇ પણ કરે માતા પિતા માટે..ત્યારે પોતે જાણે કેટલું યે કરી નાખ્યું હોય..તેવો ભાવ જાગે છે. એક સહજતા નથી હોતી એમાં..શા માટે ? જે સહજતાથી માતા પિતા એ કર્યું છે..એ જ સહજતાથી આજે બાળકો કેમ ન કરી શકે ?

અને હું તો માનું છું.. પુત્રની જેટલી ફરજ છે..એટલી જ પુત્રીની પણ ખરી જ. સંજોગોનો લીધે પુત્રી ન કરી શકે..તો એનું દુ:ખ ન હોય. બાકી જે માતા પિતા એ પુત્ર,પુત્રી વચ્ચે કોઇ ભેદભાવ નથી રાખ્યા..બંને ને સમાન અધિકાર આપ્યા છે..તો બંનેની ફરજમાં ભેદભાવ શા માટે ? હકીકતે..ફરજ શબ્દ આવે જ શા માટે ? જયાં લાગણીના તાણાવાણા જોડાયેલ છે..ત્યાં આ બધા શબ્દો મને તો હાસ્યાસ્પદ લાગે છે.

આજે મન કેવા કેવા વિચારો કરી રહ્યું છે ? એકલા પડેલ મનને ..વિચારોને કયારેય કોઇ બંધનો થોડા નડે છે ?
ઘણીવાર આજે ભ્રૂણ હત્યા વિશે વાંચુ છું ત્યારે મનમાં એક જ સવાલ જાગે છે.”શા માટે ? આખરે શા માટે ? ” એના કારણો..ચર્ચાઓ અહીં અસ્થાને છે. પણ આ વહાલપના દરિયાને ગૂંગળાવો નહીં. એને ખીલવા દો..એ ખીલશે અને બીજાને ખીલાવશે. બેટા,દીકરીઓ, તમે કયારેય એમાં સામેલ ન થશો. સ્ત્રી .. સ્ત્રી ની દુશ્મન ન થશો. “ સ્ત્રી જ સ્ત્રી ની દુશ્મન છે..” એ મેણાને..એ કલંક ને તમે નાબુદ કરજો. દીપથી દીપ જલાવી સમાજમાંથી ભ્રૂણહત્યાનું આ દૂષણ દૂર કરવા દીકરીઓ, તમે આગળ નહીં આવો..? એના હેત પ્રીત અનુભવો..મેં …અમે .. અગણિત લોકો એ માણ્યા છે..સૌ માણો..

“ છલકતું તળાવ,એમ છલકાય ટહુકો,
પળેપળને ભીની કરી જાય ટહુકો. ”

બેટા, આજે તારા લગ્નને..તારી વિદાયને એક વરસ થઇ ગયું. આ 23 વરસોમાં પહેલી વાર એવું બન્યું છે કે એક વરસથી તને જોઇ નથી.! પણ દરેક વાત કયારેક તો પહેલી વાર જ હોય છે ને ? તું ખુશ છે..એની ખબર છે..તેથી મનને સંતોષ છે. ઇશ્વર તારી ખુશી બરકરાર રાખે.. બાકી હવે તો રાહ જોવાની… તારા રણકતા ફોનની , તને વેબ કેમેરામાં જોવાની..અને અને રાહ જોવાની તારા આવવાની…અને ત્યારે ફરી એક વાર રચાશે..આપણું ભાવવિશ્વ.ઘણાં બદલાવ સાથે…..
આ લખતા લખતા આંખો ફરી એકવાર સ્વાભાવિક રીતે જ છલકી રહે છે. અને મનઝરૂખે ગૂંજી રહે છે મધુમતી મહેતાની આ સુંદર પંક્તિ.

“ કેવડિયાનો કાંટો હો તો કાઢું એને કળથી,
ઝળઝળિયાના જળને જુદા કેમ કરશું નયનથી ? ”

અરે..અરે..એક મિનિટ..આ ફોન રણકયો…ઓહ..! તું મળવા આવે છે..અહીં આવે છે..એક મહિના માટે..!! આ મીઠો સંદેશ કાનમાં કોણ આપી ગયું ? કાલિદાસનો પેલો યક્ષ ? આ ક્ષણે તો આ ફોન જ મારા માટે દૂત બની ને આવ્યો છે. હું બધા વિચારો ભૂલી જાઉં છું..દિલમાંથી બધી વાતો ખરી પડે છે. બસ..કાનમાં એક જ પડઘો અત્યારે ગૂંજે છે..તું આવે છે..મારી દીકરી આવે છે…અરે, ઝિલ આવે છે…! ઉડતા પંખી ને કહું ? વહેતા વાયરાને કહું ? ખીલતી મોગરાની કળી ને કહું ? અનંત આકાશ ને કહું ? દશે દિશાઓને કહું ? ઉગતી કૂંપળને કહું ? વહેતા ઝરણાને કહું ?

ના,..ના…હું તો તુલસીકયારાને સૌ પહેલા કહું છું.! મા,મારી દીકરી…મારો તુલસીકયારો આવે છે.

અને હું..એક મા.. તુલસીકયારાને ભાવથી વંદી રહું છું…..એક વાચાળ મૌન સાથે.
…અનેક પ્રતીક્ષાઓ સાથે….મા

and now waiting to hear from u. vahalani a yatra ahi puri thay che.tyare i am so..so..much thankful to all dear friends for great response..and great support. salam….ap sauna sneh ne.

as this moment i have no guj,fonts on syber cafe..so…
anyway..thanks a lot.
malata rahishune ? a yarta ma ?

------------------------------------------------------------------------

Puja Says:
Mummy….though your bhav-vishwa ends herewith, the journey of our bhav and love is never ending…and with your bhav-vishwa you have given me a gift that will last for eternity..love you mom…and many salaam to you……….vande mataram

------------------------------------------------------------------------

very soon all of the 30th article will come as a form of a Book.

ભાવવિશ્વ…..29….. ”હમ દેખતે રહ ગયે..કારવા ગુઝર ગયા.”

પ્રેમનું પ્રાગટય,
ઉજાસનો અભિષેક,
લાગણીનો ઓચ્છવ .”

વહાલી ઝિલ,

રીસેપ્શન પણ પતી ગયું. અને બીજે દિવસે માંડવો યે વિખેરાઇ ગયો ને ફરી વળ્યો એક ખાલીપો….! ચોતરફ જાણે ખાલીપાનું પૂર ઉમટયું છે. કમ્પાઉન્ડ કેવું ખાલીખમ્મ આજે લાગે છે.! જાણે વરસોથી ત્યાં માંડવો કેમ હોય.! હમણાં તો દિવસો કેવા જીવંત બની રહ્યા હતા ! અનિલ જોશી જેવા કવિ આવા પ્રસંગે ગાઇ ઉઠયા હતા.
“ દીકરીનો માંડવો જો સૂરજને ઘેર હોત .
તો જાણત કે અંધારું શી ચીજ છે ?
ફળના આંબામાં જે પાંદડા ઝૂલે
એની ભીતર કઇ મમતાનું બીજ છે ?”

મંડપ બંધાતો હોય ત્યારે ઉમટતો હરખ એની ઉકેલાવાની ક્ષણે વિષાદમાં પલટાઇ જાય છે. મનમાં એક રેશમી અવસાદ ઘેરી વળે છે. લાઇટો ઉતારાય છે. શણગાર દૂર કરાય છે. હવે દીકરી વિના જાણે એ બધાની કોઇ જરૂર નથી.અરે, દીકરી હતી ત્યાં સુધી ઘરમાં ગણેશજીનું સ્થાપન હતું..એ પણ હવે સમેટાય છે. ભગવાનને પણ દીકરી વિનાના ઘરમાં રહેવાનું મન નથી થતું કે શું ? ખાલીખમ્મ ઘરમાં હિસાબ કિતાબ થતા રહે છે. વારે વારે ધસી આવતા આંસુઓ છાનામાના લૂછાતા રહે છે. ધીમે ધીમે દીકરી વિના પણ જીવન ગોઠવાતું રહે છે. સમય દરેક દર્દની અકસીર દવા છે. જીવન કયારેય રોકાતું નથી. જીવનઝરણુ વહેતુ રહે છે. અહીં પણ અને ત્યાં પણ….. હા, કયારેક હજુ યે સુરેશ દલાલની આ પંક્તિ આવી ને ફરી એકવાર યાદોના અંબાર મનમાં ખડકી જાય છે.
” દીકરી થી ગૂંજતી ઘરની દીવાલો,
થશે મૂંગી , ને મૌન એનું ખૂંચશે,
ઠામ ઠેકાણુ મળ્યું એને હાશ રે !
પણ આંસુઓ છલકે ઉદાસ….”

હા, આજે તો તું સાત સાગર પાર કરી પરદેશ પહોંચી ગઇ છે. અને હોસ્ટેલે પહોંચીને જેમ ફોન આવતો તેમ આજે ત્યાં પહોંચીને ફોન પણ આવી ગયો. હવે મારે તારી ચિંતા કરવાની નથી. હવે એ જવાબદારી શુભમે હોંશે હોંશે લઇ લીધી છે. તું ઉઘડતી, નવી ક્ષિતિજોમાં ગોઠવાઇ ગઇ છે.

જોકે આમે ય આજની નવી પેઢી બહુ જલ્દી નવા વાતાવરણમાં સેટ થઇ જતી હોય છે..એમ હું માનુ છું..
કયારે મળાશે હવે ? એ ખબર નથી. ફોનમાં વાતો થતી રહે છે. અને વેબકેમમાં તને મલકતી જોતી રહું છું. વિજ્ઞાને ઘણી સગવડ કરી આપી છે. એનાથી વિરહ સહ્ય બનતો રહે છે.

મનને અનેક પ્રકારના મૂળ ફૂટતા રહે છે. તારા શૈશવની એ બધી ક્ષણોને છીપ જેમ મોતી સાચવી રાખે છે તેમ સાચવેલ છે. ને અવારનવાર એ સ્મૃતિઓને બહાર કાઢીને માણતા રહીએ છીએ. અને પાછી કંજૂસના ધનની જેમ સાચવી ને છીપમાં બંધ કરી મૂકી દઇએ છીએ..હવે તો એ જ કરવાનું રહ્યું ને ?

અને જીવન ચાલતું રહે છે, સમય સરતો રહે છે. તું ખુશ છે, સુખી છે..એનો આનંદ..એ ખુશી કંઇ જેવી તેવી છે ? ધીમેધીમે આપણે બધા ટેવાતા જઇએ છીએ. હવે કોઇ ઉદાસી નથી. એક સ્વસ્થતા છે. સહજતાથી પરિસ્થિતિનો સ્વીકાર છે. તારી ખુશીનો આનંદ અમે અહીં બેઠા માણીએ છીએ. હા, કયારેક તારા લગ્નની સી.ડી. જોતા જોતા મારી ને પપ્પાની આંખમાંથી આંસુ ટપકી પડે છે ખરા…! પણ તે તો સ્વાભાવિક છે ને ?

દરેક દીકરીના મા બાપની આ નિયતિ છે. અને એ એટલી હદે સ્વાભાવિક બની ગઇ છે કે દરેક માતા પિતા પોતાના કાળજાના કટકાની એ વિદાયને થોડા સમયમાં સહજતાથી સ્વીકારી લે છે.અને કયારેક અચાનક દીકરીનો લીલોછ્મ્મ ટહુકો ફરી એક વાર આવી ને ઘરને થોડા સમય પૂરતું ગૂંજતું કરી દેશે..એની પ્રતીક્ષા કરતા રહે છે.

આ સાથે આજે નાનાજીની યાદ મનમાં ફરી વળે છે. ત્યારે તું બારમા ધોરણમાં હતી. અને તેથી મેં મારા પપ્પાને કહેલ કે ‘ આ વખતે વેકેશનમાં મારાથી ત્યાં નહીં આવી શકાય.’ લાગણીશીલ પપ્પા કંઇ બોલી તો નહોતા શકયા..પણ..બીજે દિવસે સવારે અચાનક ખબર પણ આપ્યા સિવાય આપણે ઘેર આવી પહોંચ્યા. અને એમની આંખમાંથી અનરાધાર આંસુ છલકતા હતા. હું તો ગભરાઇ ગઇ હતી..કે પપ્પાને શું થયું ?

અને ત્યારે માંડ માંડ સ્વસ્થ બની ને પપ્પાએ જવાબ આપેલ, ‘ તમે દીકરીઓ તો તરત કહી દો..પપ્પા, મારાથી નહીં આવી શકાય..અમે કેટલી આતુરતાથી તમારા વેકેશનની રાહ જોતા હોઇએ એની તમને કયાં ખબર છે ? તમે ન આવી શકો તો અમારે તો આવવું જ રહ્યું ને ? ‘

અને…અને હું સ્તબ્ધ.! તે દિવસ પછી વેકેશન પડે ને બીજે દિવસે પપ્પા પાસે પહોંચી જવાનો નિયમ કયારેય ચૂકી નથી.
આજે તો નાનાજી કયાં રહ્યા છે ? રહી છે ફકત સ્મૃતિઓ.. તારી વાત કરતી વખતે હું એક મા છું પણ સાથે સાથે હું પણ મારા વહાલસોયા પપ્પાની દીકરી તો છું જ ને ? પપ્પા પર કેવા હક્કથી …લાડથી ગુસ્સે થતી…! અને ત્યાં હોઉં ત્યારે તને પણ કહી દેતી.. ‘ અહીં મને કંઇ નહીં કહેવાનું હોં..! મારા પપ્પાને ઘેર છું.!! ‘ અને તું હસી ને જવાબ આપતી, ’ પણ મમ્મી, અહીં તો કેટલા દિવસ ? પછી તારે હમેશ તો “મારા પપ્પાને “ ઘેર રહેવાનું છે.. એ ભૂલી ન જતી હોં..’ અને નાનાજી કૃત્રિમ ગુસ્સાથી કહેતા. ‘ જોયા તારા પપ્પા….! મારી દીકરી ને કંઇ નથી કહેવાનું હોં…’ અને આપણે બધા સાથે હસી પડતા. ઘેર ગમે તેટલા સુખી કેમ ન હોઇએ તો પણ પપ્પાના ઘરની હૂંફ ની વાત જ કંઇક નિરાળી છે .

આજે…આજે..જ્યારે તું દૂર છે ત્યારે આ બધી વાતો બરાબર સમજાય છે, અનુભવાય છે. પણ હું તો એમ ટિકિટ લઇ ને સીધી આવી શકું તેમ પણ કયાં છે ? મારે તો પહેલાં વીઝાના કોઠા પાર કરવાના છે. પંખી હોત તો ઉડીને આવી શકાત. એને કોઇ સરહદ નથી નડતી કે એને કોઇ વીઝાની જરૂર નથી પડતી. એ તો સાત સાગર પારથી દરેક શિયાળામાં વગર વીઝાએ અહીં આવી જાય છે અને કલરવ કરી રહે છે. અને પાછા પોતાને સ્થાને જતા પણ રહે છે. દીકરીની જેમ જ.

કેવી બાલિશ કલ્પનાઓ મન કરતું રહે છે.

અને જીવનની કેવી વિડંબના છે…! જેની સતત રાહ જોવાતી હોય , કાગડોળે પ્રતીક્ષા થતી હોય એ દીકરી પણ જો ધાર્યા કરતા વધુ સમય રહે રહે તો મા બાપને ચિંતા થાય છે. કે દીકરી ને કંઇ પ્રોબ્લેમ તો નહીં હોય ને ? અને સમાજને પંચાત થાય..અને કોઇ વળી ઠાવકાઇથી પૂછી પણ લે,

” બેન રોકાવાની છે હજુ ? સારું સારું..આ તો મને એમ કે બહુ દહાડા થઇ ગયા તે…..!! ”

મને તો એવો ગુસ્સો ચડે છે..! પણ શું થાય ? સમાજ છે. એની માન્યતાઓ છે. ચોક્ક્સ ધારાધોરણો, નીતિનિયમો અને ચોક્કસ માપદંડ છે એના. દીકરી તો સાસરે જ શોભે. સાસરે સુખી હોય કે દુ:ખી…! પરણાવી દીધી એટલે શું દીકરી દુ:ખી હોય તો પણ મા બાપની જવાબદારી નહીં ? ખેર.! હવે જોકે સમય સાથે મૂલ્યો બદલાતા રહે છે. પણ એ બદલાવ એટલો ધીમો અને અમુક ચોક્કસ વર્ગમાં જ છે કે એની વ્યાપક અસર નથી દેખાતી.

પહેલાં છોકરીને દૂધપીતી કરતા અને આજે…આજે યે કયાં ફરક પડયો છે ? આજે યે ભ્રૂણહત્યા થતી રહે છે. વિજ્ઞાન હવે તો આગળ વધ્યું છે ને ? એટલે દીકરીના જન્મ પહેલાં જ……!! દીકરી વહાલનો દરિયો તો અમુક ચોક્કસ વર્ગમાં જ છે. બાકી વ્યાપક રીતે જોઇએ તો આજે યે સમાજ પુત્રીજન્મને કયાં હોંશથી વધાવી શકે છે ?

પરિવર્તન આવવું જ રહ્યું. કયારે ? ફરીફરીને આ વાત મનમાં ઘૂમતી જ રહે છે.અને હૈયે હોય એ અનાયાસે હોઠે…શબ્દોમાં વારંવાર આવતું રહે એ સ્વાભાવિક છે ને ?

બસ..મનઝરૂખે સ્મૃતિનો દીપ સમી સાંજના શમિયાણામાં ધીમે ધીમે જલતો રહે છે. પુસ્તકો સદા ની જેમ સાથી બની રહે છે. સારું છે પુસ્તકોને સાસરે નથી જવું પડતું.!!! નહીંતર એ યે માયા મૂકીને ચાલ્યા જાત…અને તો હું શું કરત ? એટલે જ કહ્યું છે કે “books are my never failing friends”
અત્યારે તો આ નેવર ફેઇલીંગ અગણિત મિત્રોને આધારે જીવન વહી રહે છે. સભર બની રહે છે. અને અંતર દીકરીની ખુશ્બુથી મઘમઘતું રહે છે.

“યાદના દ્રશ્યો હજુયે તરવરે છે આંગણે,
સંસ્મરણ,”સુસ્વાગતમ્” થઇ ફરે છે બારણે.”

હવે તો તારી પ્રતીક્ષામાં..તારા ફોન ની પ્રતીક્ષામાં.. ઇ મેઇલની પ્રતીક્ષામાં..કે ઓફલાઇન મેસેજની પ્રતીક્ષા…કાગળો તો હવે તમે શાના લખો ? જોકે એક કાગળ જરૂર લખ્યો છે..તમે બંનેએ સાથે. જે વાંચતા હું છલકાતી રહું છું. સમય સાથે કેટલું બધું બદલાતું રહે છે…! નથી બદલાતા જીવનના શાશ્વત મૂલ્યો..નથી બદલાતી માનવમનની સંવેદનાઓ.. વેબકેમની આરસીમાં રાત્રે મળીશું ને ?

મા.

ભાવવિશ્વ…..28 : અમે રે લીલુડા વનની ચરકલડી

શબ્દોમાં કદી
વ્યકત ન થાય
ભાવની ભીનાશ.

વહાલી ઝિલ,

“ હમણાં જ જાન
ઉઘલી હોવાની,
સાબિતિ આપતો
વેરણછેરણ માંડવો
ઉદાસ એકલો ઉભો .”

ઘરમાં હજુ સ્નેહીઓ છે. માંડવો છે, રોશની છે, આસોપાલવના તોરણ છે. કશું જ તો નથી બદલાયું. અને છતાં …છતાં..માંડવો અણોહરો થઇ ને ઉભો છે. આજે એના માન પાન, રૂઆબ કોણ લૂંટી ગયું ?
જયંત પાઠકની પેલી કવિતા સ્કૂલમાં ભણેલ અને પછી ભણાવેલ એ અનાયાસે મનમાં રમી રહી.

આખરે ઉજાગરાનો અંત આવ્યો,
લગન ઉકલી ગયા…. ……………………
બધું બરાબર છે… ……………..
આંખમાંથી ટપકું ટપકું થાય છે ખારો ખારો પ્રશ્ન:
” મારી દીકરી કયાં ?”

મારી આંખમાં યે આ ખારો ખારો પ્રશ્ન આજે ઉગે છે.

સાંજે હજુ રીસેપ્શન છે. અને ખાસ તો એ પહેલાં તું એકાદ કલાક માટે આવવાની છે એનો ઇન્તજાર છે. મન તારો પગરવ સાંભળવા ઝંખી રહે છે. આજે કેમાં યે ચિત્ત ચોંટતું નથી. કંઇ કરવું ગમતું નથી. અમે બધા આંટાફેરા કર્યા કરીએ છીએ. મને, પપ્પાને કે મીતને કંઇ ખબર નથી પડતી કે શું કરવું ? કામો તો યંત્રવત્ ઉકેલાતા રહે છે. નાની હતી અને ઉંઘમાં હસતી તો એ પણ અમારે માટે સમાચાર બની જતા. અને.આજે આખું ઘર છોડીને ગઇ ત્યારે એ સમાચાર નથી બનતા..સંસ્મરણો બને છે.

”ડાળ છોડીને ગયું પંખી પછી
કાનમાં કલરવ તમારા હોય છે.”
એ કલરવની આજે પ્રતીક્ષા છે.

”વૃક્ષ અને પંખી બે વાત કરે છે
ત્યારે ખીલે છે લીલેરો રંગ”

આપણે પણ વાતો કરતાં ત્યારે યે એ લીલેરો રંગ હમેશા ખીલી ઉઠતો ને ? જોકે કયારેક એ રંગ લાલ પણ થઇ જતો…!!! પણ એ લાલ રંગમાં યે છાંટ તો લીલેરા રંગની જ રહેતી ને ? અને હવે ? એ દિવસો ફરીથી આવશે ? કયારે ?

લગ્નને બીજે દિવસે એક મા નું વિશ્વ કેટલું..કેવી રીતે બદલાઇ જાય તે આજે અનુભવ્યું. એક જ વ્યક્તિની ગેરહાજરી, કેવો ખાલીપો, કેવો સૂનકાર સર્જી શકે છે..તે અનુભવ વિના ન સમજાય. અને તું તો અમારા…આપણા ઘરનું વાવાઝોડું હતી. યાદ છે ? તું હોસ્ટેલમાંથી ઘેર આવે ત્યારે આપણે ઘેર કામ કરતાં દેવીબહેન હમેશા કહેતા, ‘ ઝિલ આવે એટલે ઘરમાં જાણે વાવાઝોડુ આવ્યું. અને જાય ત્યારે જાણે એકી સાથે ઘરમાંથી પચીસ માણસો ઓછા થઇ ગયા હોય તેવું લાગે. ‘
દૂધવાળો આવે છે અને તેને જોઇને રમેશ પારેખનું કન્યાવિદાયનું એક સુંદર ગીત મનમાં દોડી આવ્યું. આખું તો અત્યારે યાદ નથી.પણ કંઇક આવું હતું.

”વાડીએથી પાછા આવીને, ……………………………. ………………………………..
બધું કામ પતાવી દીધું તાબડતોબ…
………………………………………….
દૂધવાળો આવ્યો,
ત્યારે તપેલી ધરતા મા એ કહ્યુ,
” એક પળી ઓછું .”
ત્યારે બધું આટોપાઇ ગયું..!
સામસામે ફંફોસતા એકમેકને અને કોઇને કોઇ જડતું નહોતું.! ”

કોઇ પણ મા ની આંખમાં પાણી લાવી દેવાની સમર્થતા છે આ શબ્દોમાં. હું તો રમેશ પારેખ જેવી કવિ નથી. પણ એથી મારી કે કોઇ પણ મા ની સંવેદના કવિથી ઓછી હોતી નથી.

દીકરી..ની વાતુ કરવા બસ,
હવે રહ્યા પડછાયા,
મીંઢોળબંધો હાથ કરી ગયો,
સૂનો આંગણવાસ.”

આજે યે મોસમ માતબર છે, ફૂલોની ખુશ્બુ યે કાલ જેવી જ છે, વરસાદી માટીની મહેક પણ એ જ છે. પણ એ માણવાની..જોવાની દ્રષ્ટિ કયાં ? આજે દ્રષ્ટિ, મન તારી પ્રતીક્ષામાં સ્થિર છે. સૌન્દર્ય આમેય વસ્તુમાં નહીં..દ્રષ્ટિમાં જ સમાયેલ છે ને ? દ્રષ્ટિ બદલાતા સન્દર્ભો..મૂલ્યો કેવા બદલાઇ જાય છે.! અને ત્યાં તું આવે છે એવો સંદેશ લઇ ને વાયરો આવ્યો કે પછી કાલિદાસનો મેઘ આવ્યો.!

અને તું આવી…!! હજુ ઘરમાંથી તને ગયે પૂરા ચોવીસ કલાક નહોતા થયા. પણ આ ચોવીસ કલાકમાં તારામાં એક બદલાવ આવ્યો હતો..ચહેરા પર એક ઉજાસ ઉઘડયો હતો. એ હું અનુભવી શકી. તારું આકાશ..તારી ક્ષિતિજો બદલાઇ હતી .કળી માંથી ફૂલ બનવું એટલે શું ? એ શબ્દોમાં સમજાવી શકાય ખરું ?
શું બોલવું તે મને કે તને ખબર નહોતી પડતી. તું મને ભેટી પડી. તારી આંખોમાં એક ચમક હતી. ઉલ્લાસ હતો, એક ચૈતન્ય હતું. અને એ ચમકે તારા સમાચાર મૌન રહીને ધીમેથી મારા કાનમાં ગણગણ્યા. આપણે મા દીકરીએ કોઇ શબ્દો વિના ઘણી વાતો કરી.

અને તારે થોડીવારમાં “તારે ઘેર”જવાનું હતું.! આ પગફેરાનો રિવાજ કદાચ એટલા માટે પડયો હશે કે લગ્ન પછી દીકરીને કોઇ તકલીફ હોય, કોઇ માર્ગદર્શનની જરૂર હોય..કંઇ પણ હોય તો કહી શકે. જે પણ કારણ હોય તે..પણ એ બહું સારો રિવાજ છે એમ મને લાગે છે. દીકરીનું હસતું મોં જોઇને મા ના દિલમાં એક પરમ પ્રસન્નતાની લહેર દોડી રહે એ સ્વાભાવિક જ છે ને ?

દરેક માતા પિતા એટલું જ ઇચ્છે છે કે દીકરી હસતી આવે ને હસતી જાય. અને સૂનુ આંગણું થોડીવાર માટે કલરવ કરી રહ્યું. તોરણો ટહુકી ઉઠયા અને અણોહરો
બની ગયેલ માંડવો યે ફરીથી રોફ મારી રહ્યો..ગુલમહોરની જેમ ઘર ખીલી ઉઠયું. લતા હીરાણીનું એક નાનકડું કાવ્ય મારા મનમાં દોડી આવ્યું.

”ક્ષણમાં પ્રગટે,સઘળા દીવા
ક્ષણમાં રણકે સ્વર
ક્ષણમાં ઉઘડે, ક્ષણમાં પ્રસરે
સુગંધ લઇ ઉંબર “

અને મહેમાન બની આવેલ દીકરીને રિવાજ મુજબ ભેટ આપી ભીની ભીની વિદાય આપી.
અહીં એક લોકગીત ટાંકવાનો લોભ જતો નથી કરી શકતી.

” ઉંચી પડથારેથી કેસર ઉમટયા,
રથ વેલ્યુ હાલે રે ઉતાવળી
વેલ્યમાં બેસીને બેનીબા હાલ્યાં
દાદાજી આવ્યા છે વળાવવા. ”

સાંજે રીસેપ્શન હોવાથી ફરી એકવાર તૈયાર થવાની ધમાલ ચાલી. ઝિલ આજે કેવી તૈયાર થઇ હશે..કેવી લાગતી હશે એ જોવાનું મન હોય જ ને ?

સામાન્ય રીતે કોઇ ના યે રીસેપ્શનમાં જવાનું હોય ત્યારે મને કંટાળો જ આવે. ખાસ કરીને કોઇ અંગત ન હોય પણ વહેવાર માટે જવાનું હોય ત્યારે. પ્લાસ્ટીકીયા સ્માઇલ પહેરીને ” હેલ્લો ને હાય ” કરતા હાથમાં ડીશ લઇ ફર્યા કરવાનો ત્રાસ લાગે. આપણા પ્રસંગોમાં બીજા ને યે એવો જ ત્રાસ લાગતો હોય એ સ્વાભાવિક છે. અને એટલે આપણે બધા જતા હોઇએ છીએ. કદાચ એવું વિચારીને પણ કે આજે આપણે ન જઇએ તો કાલે આપણે ત્યાં પણ કોઇ ન આવે. અને પ્રસંગ તો માણસોની હાજરીથી જ શોભી રહે ને ?
પણ….આજે તો એવો કોઇ સવાલ કયાં હતૉ ? આજે તો સૌથી પહેલા પહોંચવાનું મન હતું. જેથી તમને બંને ને નિરાંતે જોઇ શકાય..મળી શકાય.

કાલે તું નખશિખ ભારતીય ડ્રેસમાં સજ્જ હતી.અને આજે..આજે પૂર્વમાંથી પશ્વિમ તરફ પહોંચી ગઇ હતી. પણ બંને રીતે તું શોભી ઉઠી હતી. એમાં બે મત નથી જ. જોકે મને તો આમેય એમ જ લાગે ને ? અને તને જોઇને હર્ષદ ચંદારાણાની આ પંક્તિ મારા મનમાં તરત જ દોડી આવી.

”તારલાઓ ચૂંદડીએ ટાંકિયા રે પાન અવસરના,
તેજ અતલસ ઘૂંઘટડે ઢાંકિયા રે પાન અવસરના.”

તારલિયાની જેમ ઝગમગતી તને જોઇ હૈયે હરખ છલકી આવ્યો.

સ્ટેજ પર આવી હાથમાં કવર આપી ને આજે ફોર્માલીટી નહોતી કરવાની. આજે તો દીકરી જમાઇને મનભરી સાથે નીરખવાના હતા. હવે તો તમે કયારે જોવા મળશો એ કયાં ખબર હતી ? કાલે તો તમે નીકળી જવાના હતા. સ્ટેજ પર થોડી જગ્યા થતાં અમે… હું ને પપ્પા….ઉપર આવ્યા.તમને ભેટી પડયા.તમે પગે લાગ્યા અને અમારા મૌન આશીર્વાદ હમેશની જેમ વરસી રહ્યા. હવે તો…

” શીતળ વડલાને છાંયે સંચરી,
પાંખો આવી કે ઉડવું,
જઇ ગગને વિચરવું
ખાવા વિસામો કોઇ ‘દિ આવવું .”

વિસામો ખાવા આવવાની જ હવે તો રાહ જોવાની રહી.
બાકી આજે તો….
” મૂળ મેલ્યાને છાંયડા ઝાલિયા રે પાન અવસરના,
ઝાડ છોડી ડાળીબેન હાલિયા રે પાન અવસરના. .”

બસ…અમારા માળામાં એક સવારે અવતરેલ નાનકડા પંખીને આજે પાંખ આવી ગઇ હતી. અને પાંખ આવે ને ઉડે નહીં એ કેમ ચાલે ?

બેટા, જીવનઆકાશમાં તું વિહરી રહે…અને તારા કલરવથી અમારો સૂનો બનેલ માળો સમયે સમયે તારા કલરવથી..તારા ટહુકાથી ગૂંજતો રહે ..એ જ પાર્થના દરેક મા ની પોતાની દીકરી માટે હોય ને ?

મા.

ભાવવિશ્વ…27 : અપને પિયાકી મૈં તો બની રે દુલ્હનિયા…

પાનેતર પહેરી
સોળ શણગાર સજી,
કર્યો સૂનો આંગણવાસ.

વહાલી ઝિલ,

“ લાડલી દુહિતા આજ સાસરે સિધાવે,
વાયુ, તું પ્રેમ થકી, મીઠા ગીત ગાજે,
સંગીતે જીવન ઉપવન સજાવજે “

આજે તને સોળે શણગાર સજાવાઇ રહ્યા છે. પાનેતરનો લાલ રંગ તારા અંગેઅંગમાં ગુલમહોરની જેમ મહોરી ઉઠયો છે. મહેંદીવાળા હાથમાં ચૂડીઓનો ખનખનાટ રણકી રહ્યો છે. તારી કાજળઘેરી આંખોમાં સોણલા તરી રહ્યા છે. તારા સમગ્ર અસ્તિત્વમાં છલકતો ઉત્સાહ હું જોઇ શકું છું…અનુભવી શકુ છું. હીરાકણી જેવી તું આજે ચમકી રહી છે. અને મારા રોમેરોમમાં થી દુવાઓ સરી રહી છે. હું એકીટશે જોઇ રહું છું. તારી આંખોમાં મેઘધનુષી સપના છલકી રહ્યા છે.

તારા પહેલા બર્થડે ઉપર પહેલીવાર તને કેવી સરસ તૈયાર કરી હતી..અને તું ડગુમગુ ચાલતી હતી. આજે યે તારા પગલા ધીમા પડી ગયા છે. અને મારી આંખોમાં તું ચાર વરસની હતી ત્યારનું એ દ્રશ્ય અનાયાસે રમી રહે છે. ત્યારે પણ તું દુલ્હન બની હતી. ફેન્સી ડ્રેસ હરિફાઇ માં. ફરક એટલો હતો કે ત્યારે તારી આંખોમાં આજના શમણા હજુ ઉગ્યા નહોતા. તું તો સરસ મજાનું બધું ..બંગડીઓ ને દાગીના ને એવું બધું પહેરવા મળ્યું એટલે હરખાતી હતી. અને આનંદથી બંગડીઓ ખખડાવતી બધાને બતાવતી હતી. નાનકડી દુલ્હન નો એ ફોટો આજે યે આલ્બમમાં સ્મૃતિ બની ને બેઠો છે. આજનો આ ફોટો કદાચ એ ફૉટાની બાજુમાં જ હું રાખીશ. અને ત્યારે સ્ટેજ પર તેં કયું ગીત ગાયું હતું..યાદ છે ? કેટલા દિવસ સુધી તને એ ગીતની પ્રેકટીસ કરાવી હતી.

“અપને પિયાકી મૈં તો બની રે દુલ્હનિયા…”

આજે જયારે તું તારા પિયાની દુલ્હન ખરા અર્થમાં બની છે ત્યારે ગાવાને બદલે મૌન મલકાટ તારા પ્રત્યેક અણુ માંથી નીતરે છે. મારી સમક્ષ તારા એ બંને સ્વરૂપ રમી રહે છે. નજર સામે મોટી થતી દીકરી ખરેખર કયારે મૉટી થઇ જાય છે..તેની ખબર પડે ત્યાં તો
અચાનક એક સવારે ઘરની…પિયરની વિદાય લેવાની વેળા આંગણે આવી ને ઉભી રહી જાય છે.

“પીપળાએ આંખના આંસુને લૂછતાં.
વડલાને ધીમેથી વાત કીધી સાનમાં
સોનલ સિધાવે છે સાસરે ,કહો તેને
દઇશું ભેટ કઇ પિયરની યાદમાં?”

સ્નેહરશ્મિ નું મારું આ ખૂબ માનીતું ગીત અહીં આખું યે મનમાં ગણગણી રહુ છું.
ભૌતિક ભેટો નો તો કયાં પાર છે?

“વડવાઇ એક સુણી મલકાતી બોલી, ’
અંબોડે સૂરજ ને ચાંદલો લલાટે,
કાને રૂપાળી રૂડી તારલાની ઝૂલ
ને નૈયા આનંદની સૌભાગ્ય - ઘાટે.! “

વડવાઇ તો સ્નેહથી આ ગાઇ રહી.પણ મારી પાસે તો આજે કંઇ જ નથી.
કોઇ મા પાસે આજે..આ ક્ષણે શું હોઇ શકે ? કોઇ શબ્દો નહીં…બસ હોય છે એક મૌન.! પરમ મૌન. આશીર્વાદ નીતરતું મૌન. મૌન મંગલકામના જાણે દસે દિશાથી ઉતરી આવે છે. આજે એક મા ના અસ્તિત્વનો અંશ તેનાથી જુદો પડી રહ્યો છે. ત્યારે દરેક મા આવી જ અનૂભુતિ થી સભર હશે ને ?

બાવીસ વરસ પહેલા..તારા જન્મ વખતે પ્રથમ વખત તને જોઇ ને જે લાગણીથી હું અવાચક થઇ ગયેલ…”કે આ…આ મારી….મારી દીકરી….!! મારા અસ્તિત્વનો અંશ !!

આજે યે સોળે શણગાર સજી ને પાનેતર પહેરી ને તને ઉભેલ જોતા હું એમ જ અવાચક થઇ જાઉં છું. આ…આ..દુલ્હન…!! આ મારી ઝિલ…આ મારી દીકરી…!! અને આજે એ મારાથી દૂર જઇ રહી છે ? હું જ એને હોશે હોંશે પરમ વિશ્વાસથી કોઇને સોંપી રહી છું.! સમાજના કેવા રિવાજો છે ?

દીકરીને સાસરે વળાવવાની વાત કોઇ પણ મા બાપ માટે નવી નથી. આ ક્ષણની ખબર દરેકને હોય જ છે. અને આ ક્ષણની રાહ પણ જોતા જ હોય છે. એ માટેની તૈયારીઓ વરસોથી ચાલતી જ હોય છે. અને છતાં…છતાં ખરેખર એ ક્ષણ જયારે સામે આવી ને ઉભે છે…ત્યારે એ ક્ષણનો ભાર ઉંચકાતો નથી. જે ક્ષણની પ્રતીક્ષા હતી..એ ક્ષણ ને આવકાર દેવા માટે બે શબ્દો પણ કયાંક ખોવાઇ જાય છે.

અને..અને અંતે..પાંચ વાગી ગયા. સમય કોઇની રાહ થોડો કયારે ય જુએ છે ?
અને પાનેતર પહેરી તેં ઘરનો ઉંબરો ઓળંગ્યો.!!! ઘરની બહાર તો રોજ જતી હતી. પણ…આજે….

” હેત તણો હોકારો મારો પાદર (ઉંબર) સુધી ચાલ્યો..”

ઘરથી કલબનો રસ્તો બે મિનિટનો જ હતો. જે કલબમાં વરસો સુધી તું જીન્સ કે સ્કર્ટ કે હાફ પેન્ટ પહેરી બાસ્કેટબોલ કે બેડમિન્ગટન રમી હતી…જયાં તે કેટલાયે નાટકો, રાસ ગરબા, જેવા અનેક કાર્યક્રમો માં ભાગ લીધો હતો..એ જ જગ્યાએથી આજે તારા જીવનનો એક નવો અધ્યાય શરૂ કરવા તું જઇ રહી હતી.

પપ્પા કારનો દરવાજો ખોલી ને ઉભા હતા. રોજ દોડીને કલબમાં જતી તું..આજે ધીમેથી ગાડી પાસે આવી. ઘર સામે એક નજર નાખી. પપ્પાની આંખમાંથી પણ કોઇની શરમ રાખ્યા સિવાય આંસુ આજે છલકી રહ્યા. તું પપ્પાને ભેટી પડી. અને આપણા બંને ની નજર પડી…ફરી એક્વાર રચાયું..મા દીકરીનું એક અલગ ભાવવિશ્વ.! તું ને હું બંને મૌન હતા. પણ… એ મૌન માં કેટલી ઊર્મિઓ..
સંવેદનાઓના મોજા ઉછળતા હતા. શબ્દો તો એને વ્યકત કરવા માટે સાવ વામણા લાગે છે. મીત પણ એક શબ્દ બોલ્યા સિવાય તારી સામે જોઇ રહ્યો હતો. હમેશ બહેન સાથે લડતો, ઝગડતો મીત આજે મૌન થઇ ગયો હતો. ભાઇ બહેનની ધમાલ મસ્તી આજે કયાં ખોવાઇ ગયા હતા ? અને અંતે આપણે બધા ગાડીમાં બેઠા. અને ગાડી તને લઇ ને ચાલી……!!

“ વહેલડું હળવેકથી વાળજો
દીકરી ના લીંપા ગૂંપ્યા એમાં ઓરતા અકબંધ
કુમકુમ પગલામાં કુંવારી ભાત જો. ”

નાનપણમાં વાર્તા કરતાં ને કે..ઘોડા ઉપર રાજકુમાર આવે ને રાજકુમારી ને લઇ જાય !!….આજે શુભમ ખરેખર ઘોડા પર આવી પહોંચ્યો હતો મારી રાજકુમારી ને લેવા માટે.

અને ફરી વિધિઓની પરંપરા. હાર લઇ ને તું પહેરાવવા આવે છે. શુભમ અને તેના મિત્રો થોડી મસ્તી કરે છે. અને પછી ડાહ્યો થઇ ને તારી રાહ જોતો માંડવામાં સ્ટેજ પર બેઠો છે. તેને આ બધી વિધિઓમાં રસ નથી પડતો. એને તો તારી પ્રતીક્ષા છે. પણ આજે તો થોડીવાર બધી ચંચળતા ભૂલીને એ પણ શાંત બેઠો છે. એને માટે પણ આ સ્ટેજ ..આ જગ્યા કયાં અજાણ છે ? તારી જેમ આ સ્ટેજ પર એણે પણ અનેક કાર્યક્રમો કર્યા છે. પણ અત્યારે એને તો “ કન્યા પધરાવો સાવધાન ” ના શબ્દો ની પ્રતીક્ષા છે. આ સાવધાન કેમ કહેતા હશે ? એ મને નથી ખબર. પણ કોઇ કારણ જરૂર હોવું જોઇએ. કોનાથી સાવધાન ? આવતી જવાબદારીઓથી ? કે પછી વર કન્યાએ એકબીજાથી ? કે કન્યા આવે છે એની જાણ થાય અને બધા એલર્ટ બની જાય માટે સાવધાન કહે છે ? કે પછી માંડવાને સાવધાન થવાનું કહેવાય છે..કે હવે હસી મજાક બધું બંધ .હવે મંડપે પણ ગૌરવ જાળવવાનું છે. જે પણ કારણ હોય તે….પણ હવે આ ક્ષણે અંતે શુભમની અને બધાની પ્રતીક્ષાનો અંત આવે છે.

મામા સાથે તું ધીમા પગલે ઉપર ચડી..અને માંડવો ઝગમગી ઉઠયો. માંડવામાં યે જાણે ચેતનનો સંચાર થયો..અને એમાં પ્રાણ પૂરાયા. અત્યાર સુધી ઝાંખી લાગતી વિધિઓ પણ અચાનક ચેતનવંતી..ગૌરવવંતી બની ઝળહળી રહી. ગીતો ની રમઝટ તો અવિરત ચાલુ હતી. ફૈબાએ એટલા બધા ગીતો ગાયા કે બિચારા ગાવાવાળા..જેને ખાસ બોલાવેલ તે પણ ઝાંખા પડી ગયા. આમે ય એમને કંઇ ઘરનાની જેમ હોંશ તો ન જ હોય ને ?

કન્યાદાનની વિધિ ચાલી. મને જોકે આ વિધિ પાછળની ભાવના કયારેય પૂરી નથી સમજાઇ. હું વિચારતી હતી કે દીકરી થોડી કોઇ વસ્તુ છે ? કે એનું દાન કરાય ? પણ કોઇ એ સરસ અર્થ સમજાવ્યો જે મને તો ગમ્યો..
એ મુજબ..દીકરી એવી અણમોલ છે..કે કોઇ ગમે તેટલો શ્રીમંત કેમ ન હોય..પણ દીકરી પૈસાથી ખરીદી નથી શકતો. દીકરી તો એણે દાન તરીકે જ સ્વીકારવી પડે છે. પુત્રીના મા બાપ આપનાર છે..અને એ લેનાર છે. જીવનમાં કયારેય કોઇ આગળ હાથ ભલે લાંબો ન કર્યો હોય..પણ આજે તો એણે લાંબો હાથ કરીને દીકરીનું દાન જ લેવું પડે છે. એવી એ અણમોલ છે. અને એ અણમોલ દાન લેવા માટે સાજન માજન સાથે કન્યાને ઘેર આવવું પડે છે. બધાની સાક્ષીમાં હાથ લંબાવવો પડે છે. અને ત્યારે પુત્રીના માતા પિતા પરમ સ્નેહ ,આદર અને વિશ્વાસથી પુત્રીનો હાથ એના હાથમાં સોંપે છે. પોતાના કાળજાના કટકાને શ્રધ્ધાથી સોંપે છે. બેટા,એની સંભાળ રાખવાની જવાબદારી આજથી તને સોંપુ છું.

આ ભાવના જો સાચી હોય તો..આપનારનું સ્થાન હમેશા ઉંચુ હોય…દાન લેનારનું નહીં…પણ આપણા સમાજમાં તો એનાથી ઉલટુ ચિત્ર કેમ જોવા મળે છે ?

ખેર! આજે ચર્ચા કરવાનો કોઇ મૂડ નથી.

હંસી મજાક પણ ચાલતા રહે છે. ફૈબા આરામથી ફટાણા ગાય છે. જો કે મને પહેલાં પૂછી લીધું હતું..કે કોઇને ખરાબ નહીં લાગે ને ? તો જ ગાઇએ,મેં કહ્યું હતું,”ના..ના..કોઇને ખરાબ લાગે તેવા માણસો નથી. બે ઘડી હસી મજાકને સમજે છે. તમે તમારે ગાજો ” ને આમ છૂટ મળ્યા પછી એ થોડા મોકો મૂકે ?

” માણા(માણસ) એટલા પિયરિયાને પાણા એટલા સાસરિયા…”

અને હાસ્યના મોજા સાથે વિધિ ઓ તો ચાલતી જ રહી..શુભમના ઘરના પણ ફટાણા નો જવાબ તો આપતા હતા .કંઇક ગાઇને ..પણ ફૈબાનો બુલંદ અવાજ એ સાંભળવા થોડો દે?

પવિત્ર અગ્નિની સાક્ષીએ ફેરા ફરવાનો વિધિ પણ એમ જ હાસ્યની છોળો વચ્ચે પૂરો થયો. ચાર ફેરામાં જન્મજન્માંતર નો સાથ નિભાવવાના કોલ અપાયા. સપ્તપદીના વચનો ગોરમહારાજે સંભળાવ્યા…અને હસી મજાક સાથે સમજાવ્યા પણ ખરા. મીત નો પણ આજે સૂટમાં વટ પડતો હતો. બહેનને ફેરા ફેરવીને જાણે કેવી યે જવાબદારી નિભાવી હોય..કે પછી કેવી યે જવાબદારી આવી ગઇ હોય તેમ એ ગંભીર હતો. જાણે અચાનક પોતે મોટો થઇ ગયો હોય તેવું કદાચ અનુભવી રહ્યો હતો. નાનપણથી જેની સાથે હસી મજાક કર્યા હતા. ધમાલ મસ્તી કર્યા હતા, લડયા ઝગડયા હતા..અને આખી રાતો જાગી ને વાતો ના ગપ્પા માર્યા હતા. જે બહેને પોતે નાની હોવા છતાં ખોળામાં બેસી ને ખવડાવ્યું હતું..તે આજે સાસરે જતી હતી. ત્યારે સ્વાભાવિક રીતે જ મૌન બની ગયો હતો.

અને ફેરા પૂરા થતાં જ..
” હવે લાડી થઇ અમારી રે..”

સ્વાભાવિક રીતે જ સાસરાવાળા જોશમાં આવી જ જાય ને ? તેથી આ ગીત મોટેથી ગાઇ ઉઠયા. અને શુભમે મંગળસૂત્ર તારા ગળામાં પહેરાવ્યું. અને..એની આગળ તારા બધા દાગીના જાણે ફિક્કા પડી ગયા. એના કાળા મોતી સાચકલા હીરાની જેમ ચળકી રહ્યા.

મંગળસૂત્ર…હકીકતે એક પ્રતીક છે. એ પહેરાવીને છોકરો સ્વીકાર કરે છે..કે આજથી તારી રક્ષાની જવાબદારી મારી છે. અને છોકરી એનું ગૌરવ જાળવી રાખવાની ભાવના સ્વીકારે છે. માંગ ભરાય છે. એ ચપટીક સિંદૂર આગળ આજે કપાળમાં ઝગમગી રહેલ સુંદર બિંદી પણ કેવી ઝાંખી લાગે છે.! એમાં સમાયેલ ભાવનાની ભીનાશને લીધે દેદીપ્યમાન બની રહે છે. આમે ય જીવનમાં ભાવનાની ભીનાશની તોલે બીજું કંઇ આવી શકે ખરું ?

“ બેટા,તારી આંખમાં ઝળકે સૂરજ સોમ.
આંગળીઓના ટેરવે વસજો આખું ય વ્યોમ.
બેટા,તારી પાનીથી ઝરજો કુમકુમ રંગ
તારા બંને હોઠ પર રહેજો હાસ્ય અભંગ.”

હસમુખ મઢીવાળાની આ રચના અંતરમાં વીજળીની જેમ ઝબકી ગઇ.આંખને ભીની કરી ને.
અને મજાક મસ્તી અને ગીતોની રમઝટ વચ્ચે કંસાર જમાડાય છે. વડીલોને પગે લાગી આશીર્વાદ લેવાય છે. હું એક ખૂણામાં ઉભીને આંખો લૂછતી રહું છું. જમણવાર ચાલે છે. મને તો શું જમવું એનું ભાન પણ કયાં રહ્યું હતું ? પપ્પા તને અને શુભમને કોળિયા ભરાવતા હતા.

રાત જામી રહી હતી. અને હવે વિદાયવેળા આવી પહોંચી. તારી આંખો પણ છલકતી હતી.
વહાલથી છલકતી આંખે દીકરીને ભેટી થોડું છલકી મનને મક્કમ કર્યું. જેથી મારી દીકરી વધુ રડે નહીં. એ ક્ષણનો ભાર ઝિલવો પપ્પા માટે યે કયાં આસાન હતો ? પુરુષના અહમ ને કદાચ દીકરી જ ઓગાળી શકે. દીકરી વિદાયની એ નાજુક ક્ષણ પિતાને પણ થોડીવાર માટે માતૃત્વ બક્ષે છે. એક પણ શબ્દ વિના એની આશિષો વરસી રહે છે. મીત પણ સજળ આંખે તારી સામે જોઇ રહે છે.

શબ્દો તો કોઇ પાસે નથી રહ્યા. શરણાઇના કરૂણ સૂરો રેલાઇ રહ્યા છે. જે વાતાવરણને વધુ ઘેરું બનાવે છે.પૈડુ સીંચવાની વિધિ ચાલી. આનો અર્થ શું હશે એ તો પૂરી કદાચ ખબર નથી. પણ દીકરીને સહીસલામત ઘેર પહોંચાડવાની ભાવનાના પ્રતીકરૂપે પૈડાની પૂજા કરવામાં આવતી હશે કદાચ.
મેઘરાજા પણ જાણે વિદાય લેતી પુત્રીને આશીર્વાદ આપતા હોય તેમ વરસાદના અમીછાંટણા છાંટી ને શુકન કરી રહ્યા. અને..
અને…આવા જ કોઇ પ્રસંગે અનિલ જોશી કદાચ ગાઇ ઉઠયા હશે.

” કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઇ ને ચાલ્યો.
પાદર બેસી ફફડી ઉઠતી
ઘરચોળાની ભાત
ડૂસકે ડૂસકે હડસેલાતી બાળપણાની વાત;
પૈડુ સીંચતા રસ્તો આખો
કોલાહલમાં ખૂંપે શૈશવથી ચીતરેલી શેરી
સૂનકારમાં ડૂબે.
અને જાન ઉઘલતી મહાલે….”

અને કાર દીકરીને લઇ ઉપડી જાય છે…..!!

અને અમે બધા..ખાલી હાથે..ખાલી આંખે… ભારે હૈયે.. ખાલી રસ્તાને નીરખતા ઉભા રહી ગયા..ઉભા રહી ગયા.

” જાન વળાવી પાછો વળતો દીવડો થરથર કંપે
ખડકી પાસે ઉભો રહીને અજવાળાને ઝંખે.”

“ શિવાસ્તે તવ પંથા:

બેટા, શકુંતલાને વિદાય આપતા કણ્વ જેવા ઋષિ ની આંખો પણ ભીની થઇ જતી હોય..તો આપણું શું ગજુ કે એને ખાળી શકીએ ?

મા નું અનરાધાર વહાલ.

બસ…બેટા,આજે કોઇ શીખામણ નહીં..કોઇ શબ્દો નહીં. વાણીનો કોઇ વ્યવહાર નહીં…મૌન આશીર્વાદ. ફકત આશીર્વાદ….

“ધીમા પગલાથી ઉંબરો ઓળંગતી,
આંસુની આંગળી ઝાલી.
લીલુડા પાંદડાની ઉછળતી વેલ,
હવે કંકુના પગલા દઇ ચાલી. રાખડીના તાંતણે બાંધેલ ફળિયું ,
હવે લાગે છે સાવ ખાલી ખાલી.”

અનિલ જોશી.
….

ભાવવિશ્વ..26 : પીઠી ચોળી લાડકડી…..

ભાવવિશ્વ..26…પીઠી ચોળી લાડકડી…..

” લીલેરું પર્ણ
કૂંપળની તાજગી,
સુગંધી શ્વાસ ”

બેટા ઝિલ,

“ અષાઢી મેઘ અને થોડી શી વીજળી.
લઇ ને બેઠેલ હશે બ્રહ્મા,
ભૂલકણા દેવ, તમે પંખીડું વિસરી
ઘડી કેમ માનવીની કન્યા ? ”

બ્રહ્માએ પંખી ઘડતા ઘડતા ભૂલથી દીકરીનું સર્જન કરી નાખ્યું. સાચ્ચે જ કવિની દ્રષ્ટિ ને દાદ દેવી જ રહી ને ? પંખીની જેમ પાંખ તો આપી..બીજાના આકાશમાં ઉડવા માટે. પણ…ઉડી જવા સર્જાયેલ દીકરીઓને ઉડવા માટે અસીમ આકાશ મળી રહેશે ને ? નવી ક્ષિતિજો એને સાંપડી શક્શે ને ? એની પાંખો કપાઇ તો નહીં જાય ને ? ફકત પાંખો ફફડાવી ને તો નહીં રહી જવું પડે ને ? એને પિંજર તો નહીં મળે ને ? દરેક મા ના અંતરમાં વ્યકત કે અવ્યકત રીતે કયારેક તો આ પ્રશ્ન ઉઠતો જ હશે .

હે ભૂલકણા દેવ, પાંખો આપી તો હવે દરેક દીકરી ને ઉડ્ડ્યન માટે આકાશ આપવાની તારી ફરજ ન ચૂકીશ હોં..!

મનમાં ઉઠતા વિચારોને અંદર જ શમાવી ગોરમહારાજની એક બૂમે હું સતર્ક થઇ દોડુ છું.આજે ગોર મહારાજ પણ પૂરા રાજાપાઠમાં છે. અને કેમ ન હોય ? આજે એની દરેક આજ્ઞાનું પાલન થવાનું છે.. એની એને જાણ છે. પ્રસંગની પૂર્ણાહૂતિ સુધી એનું સામ્રાજય ચાલવાનું છે. અને આજે છેલ્લો દિવસ છે….આજે..આજે આ ક્ષણે તો મહેફિલ માંડી છે. દીકરીને વળાવવાની. આજે સવારે મંડપ મૂર્હત

“ અવસર ઉગ્યા ઝળહળ એવા,
લાભ શુભ ચોઘડિયા,
પડઘમ અઢળક બાજે મિતવા
કંકુ ચોખા લખિયા .”

ગોર મહારાજના સ્વસ્તિ વચનો સંભળાઇ રહ્યા છે. એની સૂચનાઓનું પાલન થતું રહે છે. અને વિધિઓ ચાલતી રહે છે. વચ્ચે હાસ્યના ફુવારાઓ ઉડતા રહે છે.કોઇ મીઠી કોમેન્ટો કરતું રહે છે. હોંશીલા ફૈબા ફરીથી માથે કાચનું કૂંડુ ઉપાડી ને નાચે છે ને સૌને નચાવે છે. ફટાણા ગાવામાં તો એનો જોટો ન જડે. આવા સમયે આવી એકાદ ઉત્સાહી વ્યક્તિ પણ વાતાવરણને જીવંત રાખે છે. અને બધા એમાં જોડાય છે.

પીઠીની થાળી આવે છે અને મારા મનમાં કવિ બાલમુકુન્દ દવેની
આ સુંદર પંક્તિ ઉભરાય છે.
” પીઠી ચોળી લાડકડી,
ચૂંદડી ઓઢી લાડકડી,

ચૂંદડીએ ધબકારા ઢાંકયા,
ને કરમાં સોંપ્યા લાડકડી;
મીઠી આવો લાડકડી.!
કેમ કહું જાઓ લાડકડી.
તું શાની સાપનો ભારો ?
તું તો તુલસીનો કયારો લાડકડી.”
અને પીઠી ચોળાય છે. બધા તને ભરી મૂકે છે હોંશથી. તારા ગાલ, હાથ, પગ અને મન પણ પીઠીના રંગે રંગાય છે. તારી આંખમાં પીઠીનો ઉજાસ ઉઘડે છે. હસી ખુશી થી વાતાવરણ મલકી રહે છે. ફોટોગ્રાફરની બૂમો પડતી રહે છે..પ્લીઝ…આ સાઇડ…આ સાઇડ…એને બધી ક્ષણોને કેમેરામાં કેદ કરવાની છે. તારા કોરા વાળમાં તેલ સીંચાય છે. તારા પીઠીવર્ણા અંગ આગળ…. એ ચહેરા આગળ આજે ચાંદ સૂર્ય પણ ફિક્કા લાગે છે. રોશની બધી ઝાંખી લાગે છે. હસી રહે છે ફકત માટીના કોડિયાની પ્રકાશતી નાનકડી દીવેટ.! કેવો પવિત્ર લાગે છે..આ દીવો.! અને ટાગોરની પ્રસિધ્ધ પંક્તિ અનાયાસે યાદ આવે છે.

”who will take up my work ?
Asks the setting sun
None has an answer
In the whole silent world

An earthen lamp says, humbly
From a corner ;
I will , my Lord,
As best as I can.”

માટીની કોડિયાની એ તાજગીએ , દીવાની એ પવિત્રતાએ બધી રંગીન રોશનીને કેવી ફિક્કી ફસ પાડી દીધી હતી.!
બેટા, તારા શરૂ થતા નવજીવનમાં આ નાનકડા દીવાની જેમ પ્રકાશતી રહે. અને એ પવિત્ર પ્રકાશથી અન્યનું જીવન પણ તું ઝળહળાવી શકે તેવી શક્તિ તને પરમકૃપાળુ ઇશ્વર અર્પી રહે અને અંતરની અમીરાતથી જીવનપથ ઉજ્જ્વળ બની રહે. આજે નયનમાંથી છલકાતા નીરને રોકવા નથી…આજે ભલે એ નિ:સંકોચ વહેતા.

“ નૈનના નીરના એક એ કિરણમાં
ઉજળું હ્રદય આખું યે થાતું .”

હું ભરેલ નયને તારી સામે જોઇ રહું છું..તારી ચળકતી કીકીઓમાં ઉઘડતા જતા એક નવા ઉજાસને હું સ્પષ્ટ રીતે અનુભવી શકુ છું. દરેક મા આ ક્ષણે અનુભવી શકતી હશે જ.

ત્યાં ‘ કાકા..મામા બેનને પાટેથી ઉઠાડવા આવો..’ ગોરમહારાજની બૂમ પડી. અને કાકા, મામા તો રાહ જોઇને જ ઉભા હતા ને ? બંને એ હસતા હસતા દસ રૂપિયા કાઢયા. બધા તને કહેતા હતા કે ઝિલ, આજે મોકો છે હોં.! ચૂકતી નહીં. અને કાકા અને મામા બંને ખમતીધર છે. બરાબર લહાવો લેજે..એ પહેલા ઉભી ન થતી હોં !

આવો રિવાજ કયાંથી આવ્યો હશે ? શા માટે આવ્યો હશે..એ તો મને કયાં ખબર હતી ? પણ લાગે છે ..કદાચ બધાને પ્રસંગમાં સામેલ કરવા આવા રિવાજોની શરૂઆત કોઇ ડાહ્યા માણસે કરાવી હશે. સામાન્ય રીતે આ વ્યસ્ત સમયમાં જલ્દીથી એકત્રિત ન થતાં સ્નેહીઓ આવા કોઇ પ્રસંગે એકઠા થઇ અને આનંદ માણી શકે છે. અને ત્યારે આવી કોઇ વિધિઓમાં સામેલ થવાથી લગ્નમાં આવનાર દરેકને મહત્વ મળી રહે છે. અને કુટુંબમેળાની પુનિત ક્ષણો બધા થોડીવાર માણી શકે છે. આમે ય સગા સ્નેહીઓ વિનાના અવસર થોડા શોભે ? માંડવો તો સ્નેહીઓના કિલકિલાટથી જ ગૂંજી શકે ને ? એકલાં ઉજવાય..એને પ્રસંગ થોડો કહેવાય ?

કાકા, મામા, ફૈબા, ભાઇ, ભાભી, મામી, બહેન, બનેવી દરેકને કોઇ ને કોઇ મહત્વ આપી ને બધાને પ્રસંગમાં આપમેળે સામેલ કરી દીધા. આપણા વડવાઓએ દરેક વિધિ ની પાછળ કોઇ ચોક્કસ કારણ જરૂર વિચાર્યું હશે. અને કોઇ પણ વાત તમે ધર્મ સાથે જોડી દો..એટલે પૂરુ..! એનું પાલન થવાનું જ. કેમકે માણસ સ્વભાવે ધર્મભીરુ છે. હા, એ સમયના સંજોગો પ્રમાણે આ બધા રિવાજો ઘડાયેલ હોય..અને આજે સંજોગો ..સમય બદલાતા એમાં પણ સુધારાને અવકાશ હોઇ શકે…
જે હોય તે..પણ આજે તો બધા રંગમાં આવી ગયા હતા. કાકા, મામા નું પાણી માપવાના રંગમાં..! ફૈબા તો તાનમાં આવી ને ઉંચા, નરવા સાદે આવું કંઇક ગાઇ રહ્યા હતા.

”હોસ્પીટલના નાણા કાઢજો રે.. ટાણા નવ ચૂકજો રે , મામા ”

કાકા. મામા, પણ ધીમે ધીમે આગળ વધતા હતા. પ્રસંગની મજા વધારવા. બંને તને વિનવતા હતા, ’ નાની હતી ત્યારે કેવી ડાહી હતી..! કેવી માની જતી.! પાંચ રૂપિયામાં પટાઇ જતી.! ’ તું તો ખડખડાટ હસતી હતી. નાની બાળકીની જેમ તને મજા પડી ગઇ હતી. આ કોઇ રમત હોય તેમ તું માણતી હતી.. અને તને પાનો ચડાવવાળા કયાં ઓછા હતા ? તારા એ મુકત હાસ્યમાં ખોવાઇને હું એક તરફ ઉભી ઉભી મલકાતી હતી. ધીમે ધીમે આગળ વધતાં બંને એ પાંચસો પાંચસો રૂપિયા કાઢયા. પણ બધાએ તને એટલામાં માનવાની ચોખ્ખી ના પાડી દીધી. અને એમ અંતે મજાક મસ્તી વચ્ચે મામલો કયાં સેટલ થયો એ મને તો સમજાયું નહીં.

દરેક જગ્યાએ..રિવાજોમાં થોડા ફેરફારો હોય છે. પણ દરેક પાછળની ભાવના તો એક જ રહે છે. બધા સાથે મળી પ્રસંગને માણી, આનંદ કિલ્લોલ કરી પુત્રીવિદાયની વસમી પળોને હળવી બનાવવી.
અને આવા રિવાજો વાતાવરણ ને હળવું અને રંગીન બનાવી દે છે. એ હકીકતનો ઇન્કાર થઇ શકે ખરો ? સગા સ્નેહીઓ વચ્ચે આવા રિવાજો આત્મીયતા નો અહેસાસ કરાવી શકે છે. આપણી સંસ્કૃતિમાં લગ્ન એક સંસ્કાર છે. એ સંસ્કારને વિધિપૂર્વક સંપન્ન કરાય છે. જેથી પ્રસંગ નું ગૌરવ જળવાઇ રહે. લગ્નની પવિત્ર ભાવનાનો પરિચય પામી શકાય.
અને ધીમેથી તને પાટેથી ઉઠાડવામાં આવી.

અને હવે તો સમય ને પણ જાણે ઉતાવળ આવી હોય તેમ દોડયે જતો હતો.

“ હમણાં તો નિત નવા રંગો,
નિત નવા ઉમંગો
અને દૂરથી આવતો પિયુની
વાસળીનો સૂરીલો સાદ. ”

અને હવે સાંજે…સાંજે… એ સૂરીલો સાદ…લગ્નની ગૂંજતી શરણાઇ નો નાદ. અને..

એક મા નું મૌન માત્ર.

“ બેટા, તારું કોલેજનું શિક્ષણ તો પૂરુ થયું છે. એમાં તો તું હમેશા નંબર લાવી છે.પણ જીવનનું સાચુ શિક્ષણ હવે શરૂ થશે. અને મને પૂરો વિશ્વાસ છે.. મારી દીકરી એમાં પણ નંબર લાવશે જ. જીવનમાં આશા કે નિરાશા તો વ્યાપતા રહેવાના જ. નિરાશાના અંધકારમાં પણ યાદ રાખજે કે ગમે તેવી ઘનઘોર રાત્રિ પછી પણ સૂર્ય ઉગવાનો જ છે. જેમ કુદરત માટે આ નિયમ સાચો છે તેમ જીવન માટે પણ એ એટલો જ સાચો છે. માટે નિરાશાને કયારેય તારા પર હાવી થવા દઇશ નહીં. કાકા કાલેલકર ની એક વાત આજે અહીં ટાંકવાનો લોભ જતો નથી કરે શકતી. બેટા,આ સુવર્ણવાત તારા અંતરમાં કોતરી રાખજે.
” મને જે કામ સહેલું લાગતું હોય તે કરું ? કે જે કામ મને ગમતું હોય તે કરું ? કે જે કામ હું ઉત્તમ રીતે કરી શકું તે કરું ? કે પછી જે કામ કરવાનું મારું અટળ કર્તવ્ય છે તે કરું ? અથવા…જે મારું કર્તવ્ય છે …તે જ કરવાનું મને સાધ્ય અને પ્રિય થાય એવું કરું ?” અને આ કર્તવ્ય માટે શ્રી ટાગોરે કહ્યું છે તેમ “ઠંડા પહોરે જો આગળ નહીં વધો તો તડકા વખતે હેરાન થશો ”
બસ..ઠંડા પહોરે જીવનપથ પર આગળ વધતી રહે….”

ભાવવિશ્વ....24

મીઠી ગઝલ
ખનકતી ચૂડલી
રણકતા ઝાંઝર

વહાલી ઝિલ,

“ છાનું ને છપનું કંઇ થાય નહીં
ઝમકે ના ઝાંઝર તો
ઝાંઝર કહેવાય નહીં ”

ઝાંઝર નો ગુણ રણઝણવાનો. જે રણકે નહીં એને ઝાંઝર કહી જ કેમ શકાય ?
અને આજે તો દીકરીનું ઝાંઝર જ નહીં સમગ્ર અસ્તિત્વ રણકી ઉઠે છે.
આજે સંગીતની સૂરાવલિઓથી વાતાવરણ ગૂંજતું હતું. જૂઇએ કરેલ સરસ મજાના ડાન્સે એક શમા બાંધી હતી. નન્દિતા અને શિશિરે જુદી જુદી રમતો માં બધાને જ સામેલ કર્યા. હાસ્યની છોળો ઉડી રહી હતી.

તું બાજોઠે બેસી ધીમું ધીમું મલકતી હતી. તને સૌ પ્રથમ ચાંદલો કરવા મારે ઉભુ થવાનું હતું. હું સજળ નયને ઉભી થઇ. તારી સામે જોતા હૈયામાં હરખ અને આંખો માં તો પાણી અનરાધાર.! તને ચાંદલો કર્યો, અક્ષત ચોખાથી વધાવી અને …અને તારી અને મારી નજર મળી. અને એક અનોખુ ભાવવિશ્વ ઉમટયું આપણી આંખોમાં. એક ક્ષણ માટે સમય પણ જાણે થંભી ગયો હોય તેમ આપણે અનુભવી રહ્યા. મારા અસ્તિત્વના પ્રત્યેક અણુ માંથી વહાલભરી આશિષો અનાયાસે નીકળતી રહી. સુરેશ દલાલની આ પંક્તિ છાનીમાની આવી મનમાં ટહુકો કરી ગઇ.
”આંખડીમાં હસતી ગુલાબકળી આંસુ,
ને સ્પન્દનની મહેકતી આ ધૂપસળી આંસુ,

અણદીઠા દરિયાનું મોતી એક આંસુ
ને વાદળાની વીજ આંખ રોતી એ જ આંસુ ”

પહેલા બર્થ ડે પર તને પ્રથમ વાર ચાંદલો કરેલ તે એક પળ માટે મનોઆકાશમાં ઉગી આવ્યો. નાનકડા હાથમાં ચાંદલાનું પેકેટ પકડી ઉભેલ તને હું મન:ચક્ષુ સમક્ષ નીરખી રહું છું. અને સજળ નયને બીજાને જ્ગ્યા કરી આપવા હું દૂર ખસી ગઇ. આમ જ હવે મારે તારા વિશ્વમાં કોઇને જગ્યા કરી આપી ને દૂર ખસી પ્રકૃતિના નિયમને અનુસરવું રહ્યું. એક પછી એક બધા તને વહાલથી વધાવતા રહ્યા. ગીતોની રમઝટ વચ્ચે હાસ્યની છોળો ઉડતી રહી. તું મલકતી રહી. અને તારો મલકાટ જોઇ હું હરખાતી રહી.
અને મનમાં આ પંક્તિ રમી રહી. મારી એક આંખ તારું નાનકડું સ્વરૂપ જોઇ રહી હતી. અને બીજી આંખ તારું આજનું સ્વરૂપ માણી રહી હતી.

“સાતતાળી લીધી ને પછી ઉંચે જોયું,
ને ફરી જોયું તો બાળપણ ગૂમ
સોનપરી,નીલપરી આવી કહે,’
બાય’ એનું પડઘાતું રૂમઝૂમ..રૂમઝૂમ”

સોનપરી, નીલપરીએ તો કયારનું “બાય” કહી દીધું હતું. અને તારા અસ્તિત્વના પ્રત્યેક અણુ માં શુભમ પ્રત્યેનો પ્રેમ છલક્તો હું જોઇ શકતી હતી..અનુભવી શકતી હતી. અને મનમાંથી મૂક દુવાઓ સરતી હતી.

જૂઇએ ખાસ આ પ્રસંગ માટે તૈયાર કરેલ ડાન્સ “બોલે ચૂડિયા” કરી મહેફિલમાં ચાર ચાંદ લગાવી દીધા.

અને પછી તો શરૂ થઇ અંતાક્ષરી. બધા થનગની રહયા. થીમની શરૂઆત નંદિતાએ પ્રેમ શબ્દથી કરી. અને વાતાવરણ પ્રેમથી કલરવ કરી રહ્યું.એક તરફ કન્યા પક્ષ હતો અને બીજી તરફ વર પક્ષ. અને વચ્ચે વર કન્યા…મતલબ તું અને શુભમ…..પછી ગીતોની રમઝટ ન જામે તો જ નવાઇ ને ? અને પૂરા બે કલાક અંતાક્ષરી ચાલતી રહી. પણ હાર જીત નક્કી કરી શકાય તેવું હતું જ નહીં .બધા પૂરા ઉત્સાહમાં હતા. મૂડમાં આવી શુભમે પણ એક ગીત ગાયું. બંને વેવાઇઓ પણ કેમ પાછળ રહી જાય ? આમે ય તેઓ વેવાઇ કયાં હતા ? વરસોથી મિત્રો જ હતા ને ? અને હમેશા દરિયાકિનારે રાત્રે ચાલવા જતા ત્યારે તેમની જુગલબંદી ચાલુ જ રહેતી. તો આજે ન ગાય એવું તો બને જ નહીં ને ? અને અંત લગ્ન ની થીમ થી કરી. પછી સમય ના અભાવે પૂરુ કરવું પડયું. કેમકે હજુ મોડી રાત્રે ગઝલ નો અને જૂના સદાબહાર ગીતોનો કાર્યક્રમ તો બાકી હતો.!!

લગ્નનો પ્રસંગ ઘરમાં કેવો ઉલ્લાસ ભરી દે છે.! થોડીવાર બધું ભૂલાઇ જવાય છે. રોશનીની ઝાકઝમાળ ઘરમાં કમ્પાઉન્ડમાં હતી. રોશની સાથે વેલકમના શબ્દો જાણે હવામાં ઝૂલી રહ્યા હતા. અને આવનારનું સ્વાગત કરી રહ્યા હતા. આ લહાવો કયા મા બાપને માણવો ન ગમે ?

બેટા, સાચકલા સુખોની ક્ષણોથી જીવતરને શણગારજે. મા બાપ પાસે આશીર્વાદના શબ્દો નથી હોતા. આશીર્વાદની ભાવના તેમના અણુ અણુમાં થી પ્રગટતી હોય છે.
“ઉરે હતી વાત હજાર કહેવા, કિન્તુ નહીં ઓષ્ઠ દ્વય જરી યે ઉઘડયા, જલ્યા કર્યા અંતર સ્નેહ દીવા.”
એ સ્નેહ દીવાનો પ્રકાશ આજે ફકત તારા સુધી જ નહી સાસરે જતી દરેક દીકરી સુધી પહોંચે એ ભાવના સાથે. કેમકે આજે અહીં તારી વાત કરી ને તને દરેક દીકરીની પ્રતિનિધિ બનાવી છે ને?
”એક એક થતા તમ બેઉના હૈયામાં
રણકી રહો સ્નેહ ઝાંઝરી..”

અને રાત્રે મોડે સુધી ગઝલની રમઝટ ચાલી. અરજણના બુલંદ સ્વરોથી વાતાવરણ ગૂંજી રહ્યું. તેની પસંદગી ની પણ દાદ દેવી જ રહી. શુભમે અને તેના ભાઇ બહેનોએ પણ સરસ ડાંસ કરી મહેફિલ ને એક ઉંચાઇએ પહોંચાડી. આજે તો ખાસ કદરદાન આમંત્રિતો જ હાજર હતા. સૂવાવાળા સૂઇ ગયા હતા. અને બાકી કોઇ ને આ મહેફિલ ખતમ કરવાનું મન નહોતું થતું. બધા શોખીન જીવો ને જાણે ગઝલનો નશો ચડયો હતો. અને મોડી રાત્રે અંતે મહેફિલ વિખરાણી ત્યારે પણ બધાના હૈયા ગાતા હતા.

“ખળખળ વહી જતી પળો,
કાલે ન પણ મળે
ઉગતા સૂરજનો રંગ છે આજે હાથમાં
મુઠ્ઠી ભરી ગુલાલ ઉડાડીએ.”

મનભરીને માણતા સ્નેહીઓને જોઇ એક બહુ જાણીતું ઉદાહરણ યાદ આવી ગયું. એક ભવ્ય મંદિરનું બાંધકામ ચાલતું હતું.એક દિવસ મુખ્ય સ્થપતિ કામની તપાસ કરવા આવ્યા. એક મજૂરને જઇ પૂછયું, ‘ તમે શું કામ કરો છો ? ’ મજૂરે જવાબ આપ્યો, ‘ પથ્થર ફોડુ છું. ‘ બીજા મજૂરને પણ આ જ પ્રશ્ન પૂછ્યો, ત્યારે જવાબ મળ્યો , ’દીવાલ ચણીએ છીએ.’ ત્રીજા મજૂરને આ જ પ્રશ્ન પૂછતાં તેણે ઉત્સાહથી રણકતા અવાજે જવાબ આપ્યો,’ હું ભગવાનનું ભવ્ય મંદિર બાંધું છું. ’
કામ તો બધાનું એ જ હતું. પણ મનની ભાવના કેટલી અલગ..! મજૂરી ભક્તિમાં ફેરવાઇ જાય ત્યારે કામ ઉત્તમ કક્ષાનું બની રહે ને કામ વેઠ બનવાને બદલે આનંદ અર્પી રહે. જીવનમાં આ વાત હમેશા યાદ રાખજે. કોઇ કામ વેઠ નથી. પૂરી તન્મયતાથી જીવનના દરેક કર્તવ્ય આનંદ..ઉત્સાહ સાથે કરીશ તો કાર્ય દીપી ઉઠશે. અહીં પણ સગા,સ્નેહીઓ દિલના ઉત્સાહથી છલકતા હતા..તેથી દરેક પ્રસંગ ફકત ઔપચારિક વિધિ રહી જવાને બદલે રળિયામણા બની રહેતા હતા.

અને હવે કાલે ?

કાલે હજુ ગરબા..રાસની રમઝટ…તો બાકી જ છે. રોજ એક એક કાર્યક્રમ જ રાખેલ જેથી બધા નિરાંતે માણી શકે. પૂરા છ દિવસ સુધી લગ્નની ઉજવણી ચાલવાની હતી.
પણ કોઇ ને થાક કયાં લાગતૉ હતો ? કે લાગતો હતો..પણ ઉત્સાહના પૂરમાં એ દેખાતો કે અનુભવાતો નહોતો. એ બધું તો પ્રસંગ પૂરો થાય પછી જ ખબર પડે ને ?
બસ…બેટા, હવે..હવે…છેલ્લા બે દિવસ.. વરસો, મહિનાઓ, દિવસો, કલાકો ગણતી રહેતી હું બે દિવસ પછી શું ગણીશ ? અને મનમાં ઉમટી આવી શ્યામ સાધુની આ પંક્તિ.

“તારા સ્મરણની એમ કૈં અસર પડી,
ફૂલોની વચ્ચે જાણે કે મારી સફર પડી.
ગુલમહોર ઝૂકી શેરીઓ સામે મળી
છતાં તારા વગર સવારની સૂની નજર પડી.”

તારા વગરની સૂની સવારની આદત પાડવાની રહી ને ?
બસ..બેટા,સુખી થજે ને સુખી કરજે

મા

“ બેટા, જીવનમાં ગુલમહોરના રંગો મહોરી ઉઠે એ માટે સતત પ્રયત્નશીલ રહેવું પડે છે. ગુલમહોરની જેમ ઉનાળાનો તડકો ખમવો પડે છે. ત્યારે જીવનમાં ગુલમહોરની રતાશ પ્રગટી શકે છે. અને જીવનને ઠંડક અર્પી શકે છે. જીવનમાં સુખની ભરતી પણ આવશે અને દુ:ખની આંધી પણ કયારેક આવી ચડે…સુખની કિંમત દુ:ખના સમયમાં જ સમજાય છે. પણ કયારેય ઇશ્વર પ્રત્યેની શ્રધ્ધા ગુમાવીશ નહીં..

”જેટલી વેદના ,તેટલો સ્નેહ;
જેટલી લૂ ઝરે,તેટલો મેહ
ધન્ય છે કિરતાર તારી કળા,
તેં દીધી ચેતના,તેં દીધી ચેહ.”

પરમ ચેતનાનો તું અંશ છે. તારી અંદર ઇશ્વરે એક અદભૂત શક્તિ મૂકી છે. એ શક્તિને ઓળખી..તેનો આદર કરી..એને દિવ્યતા અર્પવાનો પ્રામાણિક પ્રયત્ન કરજે. કોઇની લીટી નાની કર્યા સિવાય તારી લીટી મોટી કરવાની ભાવના રાખજે. આજે પૈસો ખૂબ જરૂરી છે.. એ વાત સાચી છે. પણ કોઇ પણ ભોગે નહીં જ..એ કયારેય ભૂલીશ નહીં કે ભૂલવા દઇશ નહીં. જીવનની બાગડોર સ્ત્રીના હાથમાં જ છે. બેટા, એને સંભાળી રાખજે. જીવનમૂલ્યોના જાજેરા જતન કરજે અને કરાવજે.”

ભાવવિશ્વ..23 : મહેંદી તે વાવી માળવે….

મહેંદી રંગ
ઉઘડતો હાથમાં
હૈયે ઉજાસ.

વહાલી ઝિલ,

“મહિયરના માંડવે મહેંદી મૂકાતી,
મહેંદીમાં ઉઘડયા સાજનના હેત,
રાતાચોળ રંગમાં ઓરતા અકબંધ
કુમકુમ પગલામાં કુંવારી ભાત.”

કેવું મનભાવન દ્રશ્ય છે.! એકીસાથે કેટલા બધા હાથોમાં મહેંદી મૂકાઇ રહી છે.બધા વારે વારે પોતાના હાથની ડિઝાઇન જોતા રહે છે..એકબીજાને બતાવતા રહે છે.કોની વધુ સારી મૂકાણી છે..એની સરખામણી થતી રહે છે.અને કોને વધુ સારો રંગ આવશે એની મસ્તી તો ચાલુ જ છે. જેના સાજનનો પ્રેમ વધારે એને વધુ સરસ, લાલ ..રાતોચોળ રંગ આવે..એવી માન્યતાને આધારે હંસી મજાક થતા રહે છે.મસ્તી મજાક અને મહેંદીના ગીતોથી વાતાવરણ ની પ્રસન્નતાને એક નવો ઓપ મળે છે.આજે તો ઉમંગ સદેહે છલકી રહ્યો છે.
એમાં કોઇએ કહ્યું,”દુલ્હનની વધેલી મહેંદીમાંથી જો કુંવારી છોકરીને મૂકવામાં આવે તો એને જલ્દી દુલ્હન બનાવાનો યોગ આવે..! અને પછી તો ઉમરલાયક કુંવારી દીકરીઓ ના હાથમાં તારી મહેંદીમાંથી ટપકા થતા રહ્યા.અને એ દીકરીઓની આંખમાં પણ મેઘધનુષી સપના ઉગી નીકળ્યા.
ઇશ્વર..એ મેઘધનુષી સપનાઓ ને વાસ્તવિકતાનું રૂપ આપવામાં કંજૂસાઇ કે આળસ ન કરતો હોં.!
આવી બધી માન્યતાઓ કયાંથી..કેમ આવી હશે ? તારા હાથમાં મહેંદીથી શુભમનું નામ લખાયું..અને એનું પ્રતિબિંબ તારી આંખોમાં અને હૈયામાં છલકયું.”શુભમને જલ્દી દેખાય નહીં એમ લખજો હોં…”સૂચનાઓ આવતી ગઇ.

મહેંદીની જેમ જાતે પીસાઇને અન્યને રંગ આપવાનો ,પ્રસન્નતા અર્પવાનો પ્રયત્ન સમાજમાં મુઠ્ઠી ઉંચેરા માનવીઓ કરતા રહે છે.કદાચ એવા થોડા માનવીઓથી જ સમાજ ટકી રહ્યો છે. એવા લોકોની સંખ્યા વધે તો સમાજ ની મૂરત પલટાઇને સોનાની સૂરત બની જાય.સમાજમાં એક પોઝીટીવ પરિવર્તન દેખાય .કુદરત ના દરેક તત્વ માનવજાતને કંઇ ને કંઇ સંદેશ મૌન રહી ને આપે જ છે ને ? જરૂર છે ફકત એ સંદેશ સાંભળવાની…સમજવાની…અને એનો અમલ કરવાની…

બપોરે તને જમાડવા શુભમ આવ્યો હતો.તારા હાથમાં મહેંદી હતી એટલે.! દુલ્હનના લાડ કંઇ ઓછા હોય છે ? આજે તો માનપાન માગવાનો તારો હક્ક હતો ને.! અને તેં હસતા હસતા શુભમને ધમકી યે આપી હતી કે જોજે રંગ નથી આવ્યો તો…તો તારું આવી બન્યુ છે હોં.! શુભમ હસતો હતો.રંગ ન આવે એવું બને જ નહીં ને.! એ તને જમાડતો હતો પ્રેમથી..કોળિયા ભરાવતો હતો.એ ખોરાકના કોળિયા કયાં હતા ? એ તો લાડના,સ્નેહના,લાગણીના ઘૂઘવતા મોજા હતા.એ મોજા સદા ઘૂઘવતા રહેવા જોઇએ.લગ્ન એ પ્રેમનો અંત નથી.શરૂઆત છે.કદાચ એ રોમાન્સનો અંત હોઇ શકે..પણ સાથે સાથે રોમાંચક જિંદગીની શરૂઆત પણ છે..પ્રતીક્ષા નો આનંદ હવે પૂરો..પણ પ્રાપ્તિનો આનંદ ઝાંખો ન પડવો જોઇએ.બસ..ઇશ્વર,આ આનંદમાં ભરતી થતી રહે એટલું જરૂર કરજે.મા ના દિલમાંથી જાણે પ્રાર્થના નીકળતી હતી.
આખો દિવસ ..મોડી રાત સુધી મહેંદી ચાલી.જાતે પીસાઇને અન્યને રંગ,સુગંધ આપતી હીનાની લાલાશ અંતરમાં પણ ઉગતી હતી.

”મહેંદી તે વાવી માળવે ને એનો જોનારો પરદેશ રે..મેંદી રંગ લાગ્યો…”

મહેંદીનું નામ આવે અને આ જૂનુ ને જાણીતું સદાબહાર ગીત યાદ ન આવે
એવું બને જ નહીં ને?

જોકે અહીં તો એનો જોનારો આવી પહોંચ્યો હતો.
રાત્રે છેલ્લે મારો વારો આવ્યો.દીકરીની ખુશાલીમાં સહભાગી થવા મારા હાથમાં પણ મહેંદીના રંગો ખીલી ઉઠયા.અને એ મનહર દ્રશ્યો કચકડાની પટ્ટીમાં કંડારાઇને સ્મૃતિ રૂપે સચવાઇ રહ્યા.

ફૈબા તો આ બધા સમય દરમ્યાન કેટલી યે ધમાલ કરે છે.કાચના કૂંડા માથે મૂકીને જાતજાતની મોનો એકટીંગ કરી બધાને હસાવતા રહે છે.રાત જામતી જાય છે.ઢોલીડાને યે કેફ ચડયો છે.અને એનો અવાજ દૂર સુદૂર રેલી રહે છે.લાઇટોની ઝગમગતી રોશનીમાં દીકરીનું હાસ્ય ચમકતું..રણકતું રહે છે.મારાથી આપોઆપ ઇશ્વરને હાથ જોડાઇ જાય છે.
ઇશ્વરે દીકરીમાં આટલી માયા ,મમતા કેમ મૂકી હશે ?
અને પછી તેં તો પપ્પાને પણ બોલાવ્યા,”મમ્મીના હાથમાં મહેંદી મૂકી છે.ચાલો,તેને ખવડાવો.”અને દીકરીનો ઓર્ડર તો આજે બાપે કોઇ દલીલ વિના જ માનવો રહ્યો ને ? ચારે તરફ હસી ખુશીનું સામ્રાજય છલકાઇ રહ્યું છે.

સામે જ શુભમની ઘેર આજે ગઝલનો કાર્યક્રમ રાખેલ છે.એકએકથી ચડિયાતી ગઝલોના સૂર વાતાવરણને રંગીન બનાવતા રહે છે.રાતને રળિયામણી કરતા રહે છે.કોઇને અટકવાનું મન કયાં થાય છે ? ગઝલના સૂર પર કોઇને તાન ચડે છે..અને પગ થિરકવા લાગે છે.અને પછી તો દરેકના મન અને પગ માં જોશ નો જાણે ઉભરો આવે છે. મોડી રાત સુધી વાતાવરણ મસ્ત સૂરોથી રોશન થતું રહે છે.ચાંદ સિતારા પણ જાણે આ બધું સાંભળવા…માણવા થોડીવાર થંભી ગયા છે.તારી આંખોમાં હવે ઉંઘના વાદળ કદાચ ઘેરાઇ રહ્યા હતા.

”ઝોલે ચડી છે રાજકુમારીની વાર્તા, ગોખે થરકતા એક દીવાના ઉજાસમાં”

અમિત વ્યાસ ના શબ્દો છે કદાચ.આજે મારી રાજકુમારી પણ ઝોલે ચડી હતી.રોજ વાર્તા માટે ઝંખતી એ આજે એ વાર્તા સાંભળવાના મૂડમાં પણ કયાં છે ? કદાચ અર્ધ ઉંઘમાં વાલમના બોલ સંભળાતા હશે એને.!!

દરેક દીકરીના આ પ્રસંગે મા ના ભાવવિશ્વમાં આવી જ ભરતી આવતી હશે ને ? અને આવી જ સંવેદનાઓ છલકાતી હશે ને?ઉંઘવાનો સમય તો કયારનો યે થઇ ગયો હતો..પણ..આજે ઉંઘ એક મા ના દિલથી કોસો દૂર હોય એ સ્વાભાવિક છે…દિલમાં દિમાગમાં વિચારોનું વાવાઝોડું..અને સંવેદનાનું પૂર છલકતું હોય ત્યારે…નીંદરરાણી ને એ ન જ ગમે ને ? એને તો પોતાનું એકનું અબાધિત આધિપત્ય જ ખપે ને? એના ચાગ કંઇ ઓછા છે ?

“આખું યે આભ મારી આંખમાં જાગે,
લઇ પંખીના સૂરની સુવાસ,
એક એક પાંદડીમાં પ્રગટયું પાતાળ
,ઝાકળ નો ભીનો ઉજાસ”

જગદીશ જોશી.

ઝાકળનો આ ભીનો ઉજાસ મારા અંતરમાં અને આંખોમાં ડોકિયા કરી રહ્યો છે.આજે મારી પાસે કોઇ શબ્દો નથી. આ ક્ષણે તો ખાલી..સાવ ખાલી છું હું. શબ્દો તો કયારના ખૂટી ગયા છે કે પછી શબ્દોમાં એ સામર્થ્ય કયાંથી જે આ પ્રસંગને સંપૂર્ણતાથી વ્યકત કરી શકે?આજે તો શમણાઓએ પણ સાથ છોડી દીધો હતો કે શું? એ પણ દૂર ખસતા રહ્યા.અને મનમાં એક શૂન્યતા છવાઇ રહી.કંઇ પણ વિચારવાને..અનુભવવાને અશક્ત એવી પ્રગાઢ શૂન્યતા.!!!!

“આંખ મીંચી ને હવે જોયું તો દેખાય છે, કયાંક કંઇ ખુલી રહ્યું,કયાંક કૈંક બિડાય છે,
જે ઝળકતું હોય છે તારકોના મૌન માં, એ જ તો સૌરભ બની આંગણે છલકાય છે.”

શ્રી રાજેન્દ્ર શુક્લ.

એ સૌરભ સાથે…
મમ્મી..

બેટા,મનમાં ઘણીવાર ભાવનાના પૂર ઉમટે..કયારેક રોષનો ..ગુસ્સાનો વંટોળ ઉઠે…..પણ મનમાં ઉઠતી દરેક ભાવનાને તાત્કાલિક શબ્દોમાં બહાર કાઢવાની ભૂલ કદી કરીશ નહીં.ક્ષણિક આવેશ ને હમેશા કાબુમાં રાખજે..એક શબ્દ ઉમેરી ગમે ત્યારે શકાશે..પાછો ખેંચી નહીં શકાય. બોલાઇ ગયેલ શબ્દ તમારો માલિક છે.ન બોલાયેલ શબ્દ તમારો ગુલામ છે.તમારી પાસે માલિક કરતાં ગુલામની સંખ્યા વધારે હોય એ ઇચ્છનીય નથી ? મટે વાણીમાં સંયમ જાળવતા દરેક છોકરીએ શીખવું જ જોઇએ.( છોકરાઓ માટે ..કે કોઇ પણ માનવી માટે આ નિયમમાં કોઇ અપવાદ નથી જ.)ઘણીવાર શબ્દો જે કાર્ય નથી કરી શકતા..એ મૌન કરી જાય છે.અને મૌન પછી ની વાણીમાં આપોઆપ એક નિખાર પ્રગટે છે.મન ના ઘોડાની લગામ આપણા હાથમાં જ રહેવી જોઇએ.મનને તો જે સહેલું હોય તે જ કરવું હમેશા ગમે..મનને જે ઇચ્છા થાય તે દરેક પૂરી થવી જોઇએ..તેવો દુરાગ્રહ રાખવાને બદલે નીરક્ષીર તારવી જીવનના નિર્ણયો પૂરી શાંતિથી…વિચાર કર્યા બાદ જ લેવાવા જોઇએ.જેથી કયારેય પસ્તાવાનો સમય ન આવે.જીવનગણિત ના સમીકરણો ઉલટાવી શકાતા નથી..કે જીવનકિતાબને ફરીથી લખી શકતી નથી જ…માટે એ કિતાબના પાનાઓ આલેખવામાં બેટા,પૂરી સાવધાની રાખવી જ રહી.

ભાવવિશ્વ....22

“અવસરના મહોર્યા છે મોલ,
માંડવડે રોપ્યા છે કોડ,
ગીતોની છલકતી હેલ,
તોરણ ના ટહુકયા રે પાન.”

દીકરી..એટલે..

મધુર યાદ
સ્મરણોની સુગંધ,
ધૂપ થૈ જલે,

વહાલી ઝિલ,

કોઇ કળીને ફૂલ થવાનું આહવાન આપતો ટહુકો દૂર સુદૂરથી..સાત સાગર પારથી આવી ને દીકરીના મનને ઝંકૃત કરી જાય છે. અને મા ના મનને એક રેશમી અવસાદ વીંટી વળે છે.એના કાનમાં દીકરીની વિદાયના ભણકારા રણકાય છે. ફૂલ જેવા અવસરની આખા ઘરમાં હડિયા પટ્ટી ચાલી રહી છે

”દિશાઓને કંઠે ડૂમો અને
હવાની આંખમાં ઝળઝળિયા…”

સુરેશ જોશીની કંઇક આવી પંક્તિ મનમાં વિસ્તરી રહી છે.અને બહાર તો મોટેથી ગીતના ગુંજારવ છલકાઇ રહ્યા છે.

”કંકુ છાંટી કંકોતરી મોકલો…”

લગ્ન લખાઇ રહ્યા હતા.સગા સ્નેહીઓની ધમાલ,મસ્તી,ઉત્સાહ છલકી રહ્યા હતા.અંતરમાં જાતજાતની ઉર્મિઓ ઉછળતી હોય..પણ અત્યારે તો જેનો પ્રસંગ છે..એ દીકરી પાસે યે નિરાંતે બેસવાની ફુરસદ કોઇ મા પાસે કયાંથી હોય?તું પણ બ્યુટીશીયન સાથે વ્યસ્ત હતી..જોકે તારી મને સખત તાકીદ હતી કે તારે મારી આજુબાજુ માં જ રહેવાનું છે.હું આંટાફેરા કરતી રહેતી.કોઇની પૂછપરછ,કોઇની ફરિયાદ,કોઇની માગણી,…હું શું કરું છું..એની મને યે પૂરી ખબર કયાં હતી?બસ..જે ક્ષણ સામે આવતી હતી..એ જીવાતી જતી હતી.અને એ દરેક ક્ષણ મને તારાથી દૂર લઇ જતી હતી કે શું?ત્યારે એ સમયે ખરા અર્થમાં હું એ જ ક્ષણમાં જીવતી હતી.છલકતી આંખો છાનીમાની લૂછતી હું બધાના પ્રશ્નોના જવાબ દેતી રહેતી.આંખને હું કેટલીયે સીલ કરું…પણ…… આંખ મીંચી ને આજે જોઉ છું..તો એ ક્ષણોમાં ..એ ચંદ દિવસોમાં મેં કેટલાયે યુગો જીવી લીધા હતા.

”સ્મૃતિની ક્ષણમાં જીવું યુગ,
યુગ જેવા યુગની પણ કરું ક્ષણ.”

ની જેમ ભીના ઝરમરતા સ્મરણોની સુગંધ આજે યે મનને મહેકાવી રહી છે.આમે ય દીકરી જાય પછી દરેક મા પાસે રહી જાય ફકત સ્મરણોની સુવાસ જ ને?

બાકી તે દિવસે તો સ્મરણો માટે યે સમય કયાં હતો?ગીતોની રમઝટ વચ્ચે ગોરમહારાજ લગ્ન લખતા હતા.એક તરફ લગ્નને વધાવાય છે.બીજી તરફ જમવા ચાલોની બૂમો પડતી રહે છે.હવે તારો ચાર્જ તારી બહેનપણીઓએ સંભાળી લીધો છે.પણ હું યે તક મળ્યે તારી આસપાસ પતંગિયાની જેમ મંડરાતી રહું છું.હકીકતે મારું ધ્યાન કોઇ વસ્તુમાં કેન્દ્રિત થતું નથી.ઘડીક ગોર મહરાજ બોલાવે છે.તો ઘડીક ફોટોગ્રાફર,,તો વળી લાઇટીંગવાળાની ડેકોરેશન બરાબર છે કે નહીં તે જોઇ જવાની બૂમો પડતી રહે છે.તો ઘડીકમાં બધાની વચ્ચેથી તારો સાદ “મમ્મી”મને સંભળાતો રહે છે પપ્પા સતત કોઇને સૂચનાઓ આપ્યા કરે છે.અંદર તો ધોધમાર હેત વરસતું રહે છે.પણ બહાર તો છે વહેવારોની..રિવાજોની પરંપરા.

કોઇ આણુ પાથરવાની શિખામણ આપે છે.કે બધાને બતાવવું તો જોઇએ ને?દીકરીને શું આપ્યું છે તે.હું સ્પષ્ટ ના પાડુ છું.હું..અમે કોઇ એમાં માનતા નથી.હું એથી તો કયારેય કોઇને ત્યાં પણ કોઇનું આણુ જોવા જતી નથી.દીકરીને જે આપ્યું હોય તે..કોઇને દેખાડો કરવાની કોઇ જરૂર નથી.અને ઓછું કે વધારે..જે પણ હોય તે એમાં કોઇને બોલવાનો હક્ક નથી.અને તારા સાસરાવાળા પણ એવા કોઇ જ રિવાજમાં માનતા નથી.એટલે કોઇ ફોર્માલીટી ની જરૂર નથી.જયાં સ્નેહના સંબંધો હોય ત્યાં એ બધું ગૌણ હોય છે અને હોવું પણ જોઇએ.અને કોઇ મા દીકરીથી વિશેષ બીજું શું આપી શકે?પોતાના અસ્તિત્વના અંશ થી વિશેષ શું હોઇ શકે?

આ આણુ પાથરવું..બધાને બતાવવું..એ બધા રિવાજ કયા કારણસર અસ્તિત્વમાં આવ્યા હશે તેનો વિચાર ઘણીવાર આવે છે..આણુ શબ્દ જ મને તો સંશોધન નો વિષય લાગે છે.

અને છતાં…છતાં આજે અમુક વર્ગમાં આજે યે દહેજના દાવાનળમાં કેટલીયે દીકરીઓના અરમાન જલતા રહે છે.સુધારો આવી રહ્યો છે..પણ બહુ ધીમે…અમુક ચોક્કસ વર્ગમાં જ.બાકી તો જયાં સુધી લોકોમાં..સ્ત્રીઓમાં જાગૃતિ ન આવે,શિક્ષણનો વ્યાપ ન ફેલાય ત્યાં સુધી ફકત કાયદા થી કશું નક્કર ન થઇ શકે.

આણુ બતાવવાના ઉલ્લેખ સાથે મનમાં આવા કેટલાયે વિચારો ઉમટી આવ્યા.મન થોડુ ઉદાસ પણ થઇ ગયું.પણ વધુ વિચારે ચડુ ત્યાં ફૂલવાળા ને લાઇટવાળા બોલાવવા આવ્યા..અને મારું મન બીજી દિશાએ વળી શકયું.અને બહાર તો રિવાજોની પરંપરા ચાલી રહી છે.ગોરમહારાજ કંઇ ને કંઇ ડીમાન્ડ કરતા રહે છે.અને છોકરાઓ દોડી દોડી ને વ્યવસ્થા કરતા રહે છે.અને હું પણ એમાં અટવાતી રહુ છું.

જોકે કદાચ એ સારું જ છે.કોઇએ સમજી વિચારીને જ આ બધું ગોઠવ્યું હશે.જેથી દીકરીની મા ને કે ઘરનાઓને રડવાનો..વિચારવાનો કે લાગણીઓને પંપાળવાનો સમય જ ન રહે.એક પછી એક વિધિઓમાં ખોવાતા રહેવાય છે..કંઇ ખબર નથી પડતી..પણ એક પછી એક વિધિઓ એની જાતે પૂરી થતી રહે છે.ને દિવસ પૂરો થાય છે.કાલે તો મહેંદી રસમ છે.સવારથી આખો દિવસ મહેંદીની ધમાલ છલકશે.બધાના હાથોમાં મહેંદી મૂકાશે અને મહેંદીમાં ઉઘડશે..પ્રેમના રંગ….!! દરેક દીકરીનો એ રંગ કદી દિલમાંથી ઝાંખો ન પડે ..દિલની એ શુભેચ્છાઓ સાથે….કાલે મળીશું ને?
અને ત્યાં તો જમવાની બૂમ પડી અને બધા એ તરફ વળ્યા.

“કેસર ઘૂંટયા દૂધ કટોરા,
સોનાનું તરભાણું રે,
મઘમઘ રૂડા ટાણા જેવા
પીરસાણા શા ભાણા રે.!”

ચાલ બેટા,

”ચાન્દા પોળી,
ઘીમાં ઝબોળી
ઝિલના મોં માં હબૂક પોળી કરાવું?”

ते हि नो दिवसो गता:
મા નું વહાલ.

ભાવવિશ્વ….21 : જીન્સમાંથી પાનેતરની સંગે..

દીકરી….એટલે…

..રંગો ભરતી,
જીવનની સંધ્યાએ
મેઘધનુના.

વહાલી ઝિલ,

રોજ નવી ક્ષિતિજો જાણે ઉઘડતી જાય છે.હું દોડાદોડી કરતી રહું છું.કયારેક વીજળીની જેમ મનમાં વિચાર ઝબકી જાય છે.આ હકીકત છે કે…?કે કોઇ સ્વપ્ન?કેમકે ….

”શૈશવના આંગણે રમતા કલરવ એના,
સાંભળ્યા હતા મેં હજુ હમણાં
હવે યૌવનના ઉંબરે ધીમા પગરવ એના,
શમણા હશે કે મારી ભ્રમણા?”

અંદર આવી કોઇ ભ્રમણા મારા મનમાં પણ જાગે છે. વિચારવાનો તો હમણાં સમય પણ કયાં મળે છે?છતાં રાત પડે એટલે ફરી એકવાર ડાયરી હાથમાં લઇ ને બેસુ છું..મન હળવું કરવા..અને શબ્દો સરતા રહે છે….અને સાથે સાથે સમય પણ…….હવે તો દિવસો જ ગણવાના રહ્યા.અને દિવસો પૂરા થશે..કલાકો..પૂરા થશે..અને પછી…પછી શું ગણીશ?દીકરીના લગ્નની તૈયારી કરતી દરેક મા ને આવું જ થતું હશે ને?આવા જ વિચારો આવતા હશે ને?

જોકે હજુ યે આપણા સમાજમાં ઘણી જગ્યાએ દહેજનો કુરિવાજ હોવાથી ઘણાં માતા પિતા માટે આ ચિંતાનો વિષય પણ બની રહેતો હોય..એવું પણ બની શકે.અને એ રિવાજ સદંતર નાબુદ ન થાય ત્યાં સુધી દીકરીને તુલસીકયારો દરેક માતા પિતા કેમ માની શકે?દીકરીને સાસરે કેવું હશે?માણસો કેવા હશે?દીકરી સુખી તો થશે ને? મા બાપ એની રીતે સારું ઠેકાણું જોઇને જ દીકરી આપતા હોય છે.અને છતાં…છતાં…અગણિત દીકરીઓ જીવનભર ચપટી સુખ માટે ઝંખતી રહે છે.કેટલીયે દીકરીઓ મજબૂર બની આજે 21મી સદીમાં યે અગ્નિસ્નાન કરતી રહે છે કે કોઇ કરાવે છે.આવી ઘટનાઓ આજે પણ બનતી રહે છે.એ સમાજની વિષમતા,કરૂણતા જ છે ને? આવી ઘટનાઓ ઋગ્ણ સમાજનું પ્રતિબિંબ પાડે છે.

આ સાથે જ મારા જ વર્ગમાં ભણતી દુલારી નજર સમક્ષ તાદ્રશ થઇ ગઇ. તું તો ત્યારે નાની હતી.દુલારીએ એક મહિના પહેલાં જ બારમા ધોરણની પરીક્ષા અપી હતી.પ્રેકટીકલની પરીક્ષા વખતે મને હોંશથી કહે,”આવતા મહિને મારા લગ્ન છે. ને હવે તો હું તમારી સામે જ રહેવા આવીશ.ત્યારે મને ખબર પડી કે ગામમાં જ તેનું સાસરું હતું..અને તે પણ આપણા ઘરની સામે જ.મેં કહ્યું,”તું તો હજુ ઘણી નાની છે.ને ભણવામાં હોંશિયાર છે.આગળ નથી ભણવું?”તો કહે “ના, અમારામાં બારમું ધોરણ એટલે તો બહુ કહેવાય.એ તો મારા મમ્મી,પપ્પા સુધરેલા છે એટલે મને આટલું યે ભણવા મળ્યું.”કેટલી સહજતાથી તેણે સ્વીકારી લીધું હતું કે તેમનામાં આગળ ન ભણી શકાય.!! કોઇ વિરોધ નહીં…કોઇ ઇચ્છા નહીં..બસ..હવે લગ્ન..ઘર સંસાર…અને તે પણ એની દીકરી ને તેની નાતમાં ભણાતું હશે એટલું ભણાવશે અને લગ્ન કરી દેશે..ચક્ર ચાલતું રહેશે.
પણ…..ના… એ ચક્ર અહીં આગળ ન ચાલ્યું કેમ કે….

લગ્નના એક જ મહિના પછી એક દિવસ વહેલી સવારે દુલારી સખત દાઝી ગઇ..!! અને બે દિવસની ભયંકર યાતના સહન કરી ઇશ્વર પાસે ફરિયાદ કરવા પહોંચી ગઇ.ત્યાં યે કદાચ નહીં બોલી શકી હોય કે હકીકતે શું થયું હતું?દીકરીની જાત હતી ને..!! બોલવાનો..મોઢુ ખોલવાનો હક્ક સમાજે તેને કયાં આપ્યો છે?
કારણ શું હતું એ તો ખબર ન પડી.દહેજનું કારણ આમાં કદાચ નહોતું કેમકે દહેજ તો દુલારીના માતા પિતા શ્રીમંત હોવાથી ખૂબ આપેલ પણ દુલારીએ કંઇક સામો જવાબ આપેલ કોઇ વાતમાં..અને એમાં બોલાચાલી આગલી રાત્રે ખૂબ થઇ હતી.અને સવારે….. આવું કંઇક સાંભળવા મળ્યુ હતું પછી તો ગામમાં ઘણીવાતો ચાલી.હકીકતે સાસુ અને તેના પતિએ જ આ કામ કરેલ …અને હોસ્પીટલે પણ મરતી વહુને ધમકી આપેલ કે જો એક શબ્દ પણ વિરુધ્ધમાં બોલી છે તો પાછળથી તારા મા બાપ ને હજુ જીવવાનું છે..એ યાદ રાખજે.!! અને એ લોકો ની રાજકીય લાગવગ ખૂબ હતી. એ દુલારી સારી રીતે જાણતી હતી.મરતી દીકરી મા બાપને આંચ ન આવે માટે મૌન રહી ગઇ.!! તેને સાચું બોલાવવાના માતા પિતાના બધા પ્રયત્નો નકામા ગયા.અને સાસરાવાળા તો પૈસા ખવડાવીને છૂટી ગયા.અને બીજે જ વરસે ગામની જ બીજી દીકરી તેની સાથે પરણી પણ ખરી.!!

આ આપણો સમાજ..!! શું લખું? એ દીકરી દેનાર ની પાસે પૈસાનો અભાવ હતો ને તેમની નાતમાં પૈસા સિવાય દીકરી પરણી શકે તેમ નહોતી.તેથી જેવા દીકરીના નશીબ..કરીને મા બાપે પોતાનો..દીકરીનો ભાર ઓછો કરેલ.!! કંઇ દીકરીને કુવારી થોડી રખાય છે?આ સમાજની માન્યતા.!! દીકરી દુ:ખી થાય એનો વાંધો નહીં.કુંવારી તો ન જ રહેવી જોઇએ.!!! આમા દીકરીને તુલસીકયારો કે વહાલનો દરિયો ગણવાના દિવસો કયારે આવશે?આવું કંઇક બને ત્યારે મન ઉદાસ બની જાય એ સ્વાભાવિક છે.

ના,ના.અત્યારે આવા વિચારો કેમ આવે છે?એક દિવસ જરૂર આવશે ને વિશ્વની દરેક દીકરીઓને એનું આકાશ મળશે.અને ઉડવા માટે પાંખો. નિરાશ શા માટે થવું?

”શાના દુ:ખ ને શાની નિરાશા?
મુકુલે મુકુલે મુખરિત આશા,.”

ખબર નહીં..કેમ અચાનક આવા વિચારો મનમાં પ્રગટી ગયા?મનમાં કોઇ વિચારો ન આવે અને લગ્નનો માહોલ લાગે માટે તો હું લગ્નગીતોની મારી પસંદની કેટલીયે સી.ડી.ઓ કરાવી ને લઇ આવી છું આખો દિવસ ઘરમાં એ વાગતી રહે છે.અને એમાં યે કોઇ વિદાય ગીતો નહીં..બસ,,હસી મજાકના..હળવા..મસ્તીના..ગીતો..ફટાણાઓ થી ઘર ગૂંજતું રહે છે. આપણા સમાજનો આ કેવો વિચિત્ર રિવાજ નથી લાગતો?જે બે કુટુંબ જોડાવાના છે.તેમની જ મશ્કરી કરતા ગીતો..! કોઇ એને નિખાલસતાથી ન લે તો કયારેક હસવામાંથી ખસવું થઇ જતા વાર થોડી લાગે છે? જોકે હકીકતે આ વિચિત્રતાની પાછળ ભાવના સારી જ છે કે એ બહાને બંને કુટુંબો વચ્ચે હસી મજાકનો વહેવાર રહે..અને હાસ્યમાં તો વેરીને યે વહાલા કરવાની અદભૂત શક્તિ છે.અને એ બહાને માહોલ રંગીન બની રહે .હા, એ ગીતોને ખેલદિલીથી સ્વીકારવા જોઇએ.મજાક મસ્તી કે મનોરંજન તરીકે જ એને જોવા જોઇએ.તો જ સંબંધોમાં કડવાશ ન પ્રવેશે.

આ બધાની વચ્ચે લીસ્ટ બની રહયા છે.ને એમાં સુધારાવધારા થતા રહે છે.કદાચ છેલ્લી મિનિટ સુધી આ સુધારા વધારા ચાલુ જ રહેવાના..ખરીદી થતી રહે છે.મારી પરમ મિત્ર જયશ્રીનો સાથ છે.અમે બંને આખો દિવસ ઘૂમીએ છીએ.તેણે હમણાં જ તેની પુત્રીના લગ્ન સરસ રીતે ઉકેલ્યા છે.એટલે એને અનુભવ છે.અને એ હોય પછી મારે બહુ ચિંતા કરવાની રહેતી નથી.મિત્રો માટે હું આમેય નશીબદાર રહી છું.પાનેતરની પસંદગી શરૂ થઇ અને એક સંવેદના મનમાં છલકી રહી.

“આયખાના ચોક વચ્ચે ઉડતા ફૂવારાઓ.
ઘૂંટાતા અરમાનો ને છલકતા સોણલાઓ”

હવે તો પાનેતરમાં યે કેટકેટલી વિવિધતાઓ આવે છે એ તો આજે જ ખબર પડી. પાનેતરની ખરીદીએ અમારો સારો એવો સમય લઇ લીધો.પાનેતર….તારા પહેલા ફ્રોકની ખરીદી આજે પાનેતર સુધી પહોંચી ગઇ.પાનેતર કેટકેટલા સપનાઓનું પ્રતીક.દરેક દીકરીના શમણાનું સાથીદાર.પાનેતરની તોલે ગમે તેટલી મોંઘી સાડી પણ ન આવી શકે.મનમાં ઉર્મિઓ છલકાય છે.પાનેતર ઓઢીને.ધીમે પગલે ,નીચી નજરે માંડવે સંચરતી દીકરીનું પુનિત દ્રશ્ય મા બાપના જીવનનો એક લહાવો બની રહે છે.જીન્સ પહેરી ને ફરતી દીકરી આજે પાનેતરમાં?ત્યારે દીકરીના મનમાં પણ કેવા ભાવો જાગતા હશે?ગમે તેટલી આધુનિક દીકરીને પણ આજે તો પાનેતર જ વહાલું લાગે છે ને?અને એ જ શોભે છે ને?આજે તો નવી ફેશન પ્રમાણે વેડીંગ ડ્રેસ પણ જાતજાતના નીકળ્યા છે.પણ છતાં યે મોટે ભાગે તો દરેક દીકરી પાનેતર જ પસંદ કરતી હશે તારી જેમ.એવું મને તો લાગે છે.કેમકે પાનેતર સાથે એક પવિત્ર ભાવના સંકળાયેલ છે..એક અનુભૂતિ જોડાયેલ છે… નવજીવનનું એ પ્રતીક છે.અને પાનેતર પાછું મામા ના ઘરનું જ હોય…લગભગ બધા સમાજમાં આ રિવાજ હોય છે એવો ખ્યાલ છે.હવે ના જમાનામાં મામા લેવા તો નથી જતા.બીલ જરૂર ચૂકવે છે.

અને હું તો તારા એ રૂપમાં..પાનેતર પહેરેલ તું કેવી લાગીશ,એ કલ્પનામાં ખોવાઇ ગઇ.!! પાનેતરની ખરીદી પૂરી થઇ..ને અંતરમાં ફડકો થયો..આ તો ખરેખર દીકરી ચાલી જશે..!! આ કંઇ હમેશ થતી સામાન્ય ખરીદી નહોતી..એનો એહસાસ આ પાનેતરની ખરીદી એ કરાવ્યો.! અને પાંપણે મોતી પરોવાઇ રહ્યા.

”કુમકુમ પગલીઓ ઉંબર ઓળંગશે,
પંખીનો ટહુકો લઇ ચાલશે,
પાંચીકા વનના ખોળામાં થંભ્યો છે;
શૈશવનો લીલેરો શ્વાસ.”

બેટા,તારા સૌ અરમાન પૂરા હો.અનંતના આશીર્વાદ વિશ્વની સમસ્ત દીકરીઓ પર સદા વરસતા રહે.અને દરેક દીકરી શ્વસુર ગૃહે ખીલતી રહે..એ જ ઇશ્વર પાસે પ્રાર્થના સાથે આજે આટલું જ….

“જા બહેની,જીવનપથ તવ મંગલ હો.
સપનાઓ સૌ સાકાર બનો
ખુશી તવ આંગણે છલકી રહો”

મા ના આશિષ.

બેટા,તું નશીબદાર છોકે એવી યુગમાં જન્મી છે કે જયાં તારે તદન અપરિચિત માહોલમાં..બિલકુલ અજાણ્યા સાથી સાથે જીવનપ્રવેશ કરવાનો નથી.તું અવારનવાર એ ઘરમાં જઇ આવી છે.જીવનસાથી ને મળી છો.બધાને ઓળખે છે.તેમ છતાં જયારે સતત ચોવીસ કલાક સાથે રહીએ ત્યારે જ બધાની સાચી પહેચાન થાય.ઘરમાં સાસુ,સસરા,કે પતિ સુધ્ધાંના સ્વભાવનો સાચો પરિચય,અનુભવ તો હવે જ થશે.બની શકે એમાં કયારેક ..કોઇ પળે કોઇના અલગ સ્વભાવની તને ઠેસ પણ લાગે.પણ ત્યારે મૂંઝાતી નહીં.. ઠેસ તો થોડીવાર માં ભૂલી જવાય..ભૂલી જવાવી જોઇએ.એને મોટું સ્વરૂપ આપી ને મોટા ઘા માં ફેરવી નહીં નાખતી.નવા ઘરમાં બધાના અલગ સ્વભાવને લીધે એવી નાની નાની વાતો તો બનતી રહેવાની.એને વધુ પડતું મહત્વ કયારેય આપીશ નહીં.એ લોકોએ તારે માટે શું કર્યું એ વિચારવાને બદલે સૌ પ્રથમ તું એમને માટે શું કરી શકે છે..તે વિચારવાનું શરૂ કરીશ તો… જીવન દ્રષ્ટિ બદલાતા સુખ નો સાગર જીવનમાં કયારેય અદ્રશ્ય નહીં રહે.બસ મારી દીકરી એ સુખસાગરમાં હિલોળા લેતી રહે એ પ્રાર્થના સાથે….

ભાવવિશ્વ…20 :: અરમાનોના ગૂંજતા ઢોલ..

દીકરી એટલે…

પારકું પંખી,
ઉડી જાય પળમાં
માળો હવે સૂનકાર.

વહાલી ઝિલ,

“તે દિવસે અસ્તિત્વ મિટાવી દેવાની વાત કરી તેં મને રડાવી દીધી હતી.દીકરીનું અસ્તિત્વ કોઇ મિટાવી ન શકે.પણ સાથે સાથે દીકરીને કાયમ ઘરમાં રાખી યે કયાં શકાય છે?

”ઘેન ઘૂંટેલા અરમાનોના,વાગતા રૂડા ઢોલ,
દશે દિશાના કંઠે કંઠે,સરતા મીઠા બોલ
કોઇની ઉડે ચૂંદડી ને, કોઇના રણકે પાયલ.”

આજે મનમાં ઢોલના ધબકાર અચાનક ગૂંજી રહ્યા છે..જોકે અચાનક તો કેમ કહેવાય?તું બારમા ધોરણ પછી હોસ્ટેલમાં ગઇ ત્યારે જ મનમાં ખ્યાલ હતો કે હવે દીકરીની આવનજાવન જ આ ઘરમાં રહેશે.બાકી…વિદાયના પડઘમ કાનમાં વાગી જ ચૂકયા હતા.આમે ય નજર સામે મોટી થતી જતી પુત્રીને જોઇ કયા મા બાપના મનમાં પુત્રીની વિદાયના ભણકારા નહીં વાગતા હોય? અને સામે હોવા છતાં કઇ પળે દીકરી મોટી થઇ ગઇ એ ખબર પડી શકે છે ખરી??કયારેક દીકરી સાડી પહેરીને પિતાની સામે આવે ત્યારે દરેક પિતાની આંખો ચમકે છે..ઓહ.! આ મારી દીકરી..!! આટલી મોટી થઇ ગઇ? અને શરૂ થઇ જાય છે શોધખોળ…સારા છોકરાની.સારા ઘરની…!! પછી મનમાં સતત એક જ વાત ઘૂમતી રહે છે.નાત ના સારા,ભણેલા છોકરાઓના લીસ્ટ બનવા લાગે છે.હવે તો જોકે નાત ,જાતના વાડા થોડા ઢીલા પડયા છે ખરા..! પણ છતાં હજુ પ્રથમ પસંદગી તો નાતને જ મળે છે.

મને તો કયારેક થાય છે..એક શિશુ કોઇ નાત ,જાત સાથે લઇ ને અવતરે છે?ઇશ્વર એની નાત ,જાત નક્કી કરી ને થોડો મોકલે છે?એ કામ …વાડા બાંધવાનું સંકુચિત કામ તો આપણે કરીએ છીએ..એક નાતની છોકરી બીજી નાતના છોકરા સાથે લગ્ન કરે..તો એ લગ્નને લીધે થતા બાળકની નાત આપમેળે બદલાઇ જાય.!!! અને અને પછી પુરુષની જે નાત હોય તે નાત છોકરાની આપોઆપ બની જાય છે.જન્મ સ્ત્રી આપે..એને નામ..એને જાત બધું પુરુષ પાસેથી મળે..! સ્ત્રી બાળકને જન્મ આપી શકે..તેને માટે ગમે તે ભોગ આપી શકે..પણ પોતાનું નામ નહીં..! પોતાની પહેચાન નહીં.!

ઇશ્વરે તો એક જ જાત..માનવજાત બનાવી છે.ભેદભાવ તો આપણે ઉભા કર્યા છે. અને પછી આપણા સ્વાર્થી રાજકારણીઓ એ તેને પોષ્યા છે..ઉછેર્યા છે.અને પોતાની મતબેન્ક ઉભી કરી છે. સત્તાની સગડી ઠરી ન જાય માટે કોમી ભેદભાવ ચાલુ જ રાખે છે..કે રખાવે છે.હકીકતે આજે પણ જો કોઇની દખલગીરી ન હોય..કોઇની ઉશ્કેરણી ન હોય તો હિંદુ,મુસલમાન બાજુ બાજુમાં શાંતિથી રહી શકે છે. રહે છે.એવા કેટલાયે દાખલા સમાજમાં મોજુદ છે જ.જયાં હિંદુ કે મુસલમાન એક ઘરની જેમ રહેતા હોય.અને એકબીજાને સુખ,દુ:ખમાં મદદરૂપ થતા હોય.

અને આ અનુભવ આપણ ને પણ કયાં નથી?આપણી સામે ઇબ્રાહીમ અંકલ રહેતા હતા.તું નાની હતી અને કયારેક રાત્રે ગમે તે સમયે તારો રડવાનો અવાજ સાંભળે એટલે એની મમ્મી આવ્યા જ હોય.”કેમ બેબી રડે છે?શું થયું?ગભરાઇ ન જતા હોં..!! અને કેટકેટલું ધ્યાન રાખતા.મને તો કંઇ ખબર ન પડે ત્યારે એમને ઘેર પહોંચી જ હોઉં.આપણે તો ત્યારે ગામમાં નવા હતા…અજાણ્યા હતા.પણ એમની હૂંફે કયારેય અજાણ્યા લાગવા નથી દીધા.

એક વાર આવી ને કહે,”મને પૂછતાં તો સંકોચ થાય છે…છતાં પૂછું છું.કેમકે તમે રહ્યા જૈન.અને અમે મુસલમાન.પણ આ તો હમણાં અમારા રોજા ચાલે છે.તેથી રોજ ઘરમાં કંઇ નવું બનાવીએ છીએ..તો તમને વાંધો ન હોય..અમારા ઘરનું ખાવાનો,તો મોકલાવું.અને અમારા ઘરમાં બધા વાસણો પણ અમે સાવ જુદા રાખીએ છીએ.તમને જરાયે વાંધો નહીં આવે.પાડોશીને મૂકી ને એકલા થોડા ખવાય?છતાં ધર્મની વાત હોય એટલે પૂછી લેવું સારું.”મેં તરત કહેલ,”માસી,અમે જૈન છીએ…શાકાહારી જ ખાઇએ. છીએ .એ સાચું..પણ એટલે તમારા ઘરનું શાકાહારી પણ ન ખાઇએ..એવું જરાયે નથી.તમે આટલા પ્રેમથી પૂછો છો ને હું ના થોડી પાડું?અમે ચોકકસ ખાશું.અને પછી તો આખો મહિનો તેમના ઘરની નવી નવી વાનગીઓ નો સ્વાદ પ્રેમથી માણ્યો.અને ઇદને દિવસે સેવૈયા ખાઇને વધાઇ આપી,ખાધું તો આપણે તેમના ઘરનું હતું..પરંતુ ખુશ તેઓ થયા હતા.!!

વાત તો જોકે નજર સામે મોટી થતી દીકરીની હતી.આજે અચાનક તું પણ મોટી થઇ ગઇ હતી.અને વાત ચાલુ થઇ તારા લગ્નની…

15 જુને તારી ઇન્ટરન્શીપ પૂરી થતી હતી.અને 27 જુને લગ્ન નંક્કી થયા.! બસ..જે ગણો તે મારી પાસે દીકરી બાર દિવસ રહેવાની હતી.અને એમાં કેટકેટલા કામની વણખૂટી ધમાલ.એક આંખમાં લગ્નનો ઉમંગ…બીજી આંખમાં વહાલનો વિજોગ…સંજોગ વિજોગની એ ક્ષિતિજે રહી ને મારે વહેવારો નિભાવવાના હતા…વહેવારિક કામો. કરવાના હતા.

મારી ઇચ્છા તો જોકે લગ્ન થોડા મહિનાઓ પછી કરવાની હતી.પણ આખરે તો ધાર્યું ધણીનું જ થાય છે..એ ચીલાચાલુ ડાયલોગ સાથે મન મનાવવાનું હતું.છતાં એકવાર શુભમને કહી પણ જોયું,”કે હજુ તો મારી દીકરીને ..ઝિલ ને પૂરી રસોઇ બનાવતા પણ નથી આવડતી.એને શીખવાનો સમય જ કયાં મળ્યો છે?એ તો બહાર હોસ્ટેલમાં હતી.તો હસતા હસતા શુભમે કહ્યું,”મમ્મી,હું ઉકાળેલા પાણી થી ચલાવી લઇશ.નહીં આવડે તો ચાલશે.” યૌવન સહજ આ જવાબ હતો.અને મારી પાસે તો બીજુ કોઇ બહાનુ પણ કયાં હતું?

અને આમે ય દરેક કાર્ય માટે ચોક્ક્સ સમાય નિર્ધારિત થયેલ હોય છે..એવું બધા પાસે થી સાંભળતી આવી છું,વાંચતી આવી છું..અને કદાચ લખતી પણ હઇ શ જ.ખાસ કરીને બીજા ને કંઇ કહેવાનું હોય ત્યારે.બીજાને કહેવાની કેવી મજા આવે…! મોટી મોટી વાતો કરવાની..આપણં બધું યે છલકતું જ્ઞાન કોઇ માગે કે ન માગે…આપતા રહેવાનો અજબ ઉત્સાહ માનવ મનમાં હોય છે.બાકી આપણા પોતા ને ભાગે આવે ત્યારે….

લાભ શુભ ચોઘડિયા આંગણે આવી ને ઉભા રહી ગયા.સ્વાગત,સત્કાર ખુશી ખુશી કરવાના જ રહ્યા ને? અવસરના લીલેરા પાન લહેરાઇ રહ્યા. ઝિલના લગ્ન છે…દીકરીના લગ્ન છે… સારા યે વાતાવરણમાં જાણે એ એક જ વાત હતી.મનમાંસ્મરણો માટે તો સમય પણ કયાં બચતો હતો?અતીતની ગલીઓ પણ હમણાં જાણે ભૂલાઇ ગઇ હતી .

”ગલી મારી ભૂલી ગયા ગિરધારીની જેમ….” જોકે સુમિરનની સુવાસ ઉડતી રહેતી..મારા મનોઆકાશમાં.પણ એને વાગોળવાની નિરાંત નો અભાવ હતો.પણ પછી એ જ બધું કરવાનું બાકી રહેશે ને? આજે તો…

”છોકરીના હૈયામાં ચોમાસુ બેઠું,
ને છોકરાના હૈયે લીલોતરી,
કૂંપળ ફૂટયાની વાત જાણી ને છોકરો,
છાપે છે મનમાં કંકોતરી.”અંકિત ત્રિવેદીએ કહ્યું છે ને આવું કંઇક?

યસ…અને શરૂઆત થઇ..કંકોતરી થી જ..તું ત્યાં ગામડામાં પેશન્ટ વચ્ચે દોડાદોડી કરતી હતી.પપ્પા કલકતામાં તેની મીટીંગો માં વ્યસ્ત હતા.અને હું ને મીત કંકોતરીઓ જોવા ફરતા હતા..મને ગમે તે મીતને ન ગમે..અને મીતને ગમે તે મારા ખીસ્સાને ન ગમે..કંઇક વાંધા ચાલતા રહ્યા. મીતની પસંદગી તો તું જાણે જ છે? એને તો બધું હમેશા હાઇ ..ફાઇ જ જોઇએ ને?ગમે તેવું એ કયારેય ચલાવી જ ન લે. એને તો એની બહેનના લગ્ન માટે રાજા મહારાજા જેવી કંકોતરીઓ જોતી હતી.! મને કહે,”આ તો હું હજુ કમાતો નથી..એટલે આ યે લેવા દઉં છું.! એટલે અંતે પસંદગી તો મીતે જ કરી.તેઓએ પૂછયું લખાણ જોઇએ છે?પણ મેં ના પાડી.બીજાને લખાણ લખી દેવા વાળી હું..આજે મારી દીકરી માટે નું લખાણ કોઇ નું ઉછીનું થોડું લઉં?

મીત કહે, હવે આ તારું ડીપાર્ટઁમેન્ટ.લખવાનું..કેટલાયે લખાણ લખ્યા.પણ એકે ય મનમાં બેસે નહીં.બીજું કોઇ આવતું ત્યારે પાંચ મિનિટમાં લખી આપતી હું આજે લખી નહોતી શકતી.દિલમાં સવેદનાના ઓથાર વચ્ચે શબ્દો ખોવાઇ જતા.કોઇ વધુ પડતું સાહિત્યિક લાગે,કોઇ વધુ સાદું લાગે,કોઇ ચીલાચાલુ લાગે..કોઇ ફકત ભાષાના ભભકા જેવું લાગે.મને તો સાદું,ભાવવાહી અને છતાં બધાથી અલગ હોય તેવું લખાણ જોતું હતું.પાછું કુટુંબમાં બધાને સ્વીકાર્ય બને ..ને સમજી શકે તેવું પણ કરવાનું હતું.! નહીંતર કોઇ કહેશે કે “મા ને થોડું લખતા આવડે છે..એટલે વિચિત્ર છાપી માર્યું.! “ આમ કેટલાયે મોરચા સંભાળવાના હતા.જોકે બોલવાવાળા તો ગમે તે કરો..બોલતા જ રહેવાના.સમાજની એ ખાસિયત છે.કોઇએ એટલે સાચું જ કહ્યું છે.”ખીર કેમ બગડી તેની ટીકા કરનારે પહેલાં ખીર રંધાતી હોય ત્યારે ત્યાં હાજર રહેવું જરૂરી છે.”
લગ્નના કાર્ડ ગુજરાતીમાં અને રીસેપ્શનના અંગ્રેજીમાં…આમ બંને લખાણ તૈયાર કરવાની મથામણો ચાલતી રહી હતી.અંતે માંડમાંડ એક ઉપર મંજૂરીની મહોર મારી.મારા પ્રિય શિક્ષક પ્રભાબહેનની અમૂલ્ય મદદ એમાં મળી રહી.

કોઇ પણ મા ના દિલની હાલત આવા સમયે કેટલી વિચિત્ર હોય..એ તો અનુભવે જ સમજાય.હું તો આમે ય કદાચ થોડી વધું સંવેદનશીલ પહેલેથી રહી છું.પણ દરેક મા ના હ્રદયમાં આ પ્રસંગે હૈયે હરખ,હોય,વહાલના વધામણા હોય..અને બીજી તરફ આંખમાં કે હૈયામાં દરિયો છલકાતો હોય.વારે વારે આંખમાં ધસી આવતા અશ્રુઓ એકલા છાના માના લૂછાતા હોય..ભીની આંખો કયારેક ચાડી ખાઇ જાય.પણ મોટે ભાગે તો કોઇને ખબર ન પડે તેમ.અને ફરી પાછી કામમાં ડૂબી જાઉં. પપ્પા બધી વ્યવસ્થા કરવા કે કરાવવામાં વ્યસ્ત હતા.કદાચ પિતાને તો દીકરી વિદાય થતી હોય ત્યારે જ અચાનક જાણે ભાન આવે કે..ઓહ..! આ તો દીકરીની વિદાયની તૈયારીઓ અત્યાર સુધી હું કરી રહ્યો હતો.! લગ્ન..એક પ્રસંગ ઉકેલવાની ધમાલમાં ડૂબેલ બાપને તો વિદાય વખતે જ આ સત્યની પ્રતીતિ થતી હશે?કે પછી થતી તો હશે..પણ જલ્દી બહાર દેખાતી નહીં હોય.?

“પાંપણની ઓથમાંથી સળવળી ઉઠે ઓલ્યા,
સોણલા તે સાતમા પાતાળના.
સુગંધના પગલાને સાચવતી બેઠી છે
પાંપણની બે ય ભીની પાંદડી.”

અત્યારે તો બસ..હવે આંસુઓને પાંપણમાં સંતાડી દીકરીને વળાવવાની તૈયારીઓ કરવાની છે.સંજોગ વિજોગની ક્ષિતિજે વહાલનો દીપ પ્રગટાવી દીકરીના સોણલા સાકાર થાય ને સુગંધ રેલી રહે એ જ જોવાનું છે. અત્યારે તો દરેક મા નું સઘળું યે ધ્યાન પ્રસંગ કેમ સરસ સચવાઇ જાય એમાં જ કેન્દ્રિત હોય છે ને?
હવે થોડા દિવસ ઘર ગૂંજતું રહેશે..હવે સૌ પ્રથમ ચાલુ થશે ખરીદી ની શરૂઆત.

પોતાના આંગણાના તુલસીકયારાને ઉખેડી ને બીજે રોપવો કંઇ સહેલો થોડો છે?અને છતાં દરેક મા બાપ રોપતા હોય છે હોંશથી રોપતા હોય છે.રોપવાની આતુરતા થી રાહ જોતા હોય છે..કે ચિંતા કરતા હોય છે.અને રોપ્યા પછી એ ઉછરતો રહે.લીલોછમ્મ રહે ..એની ચિંતાથી પણ મા બાપ મુકત થોડા રહી શકે છે? કેટલાયે કયારા બળી જતા હોય છે..કોઇ મૂરઝાઇ જતા હોય છે,કોઇ ઉખડી જતા હોય છે.કોઇ ખીલ્યા વિનાના રહી જતા હોય છે.અને કેટલાક નશીબદાર પાંગરતા હોય છે.!
દરેક દીકરીના તુલસીકયારામાં ફકત ખીલવાનું ને પાંગરવાનું જ આવે..એવો સમય કયારે આવશે?આવી શકશે ખરો?
જવાબ કેમ ..કોણ..કયારે આપી શકે?

“અગમનિગમનો ખેલ ખબર ના,
ચાલે કોના તાલે?”

બેટા,ખુશ રહે,ખુશહાલ રહે……

મા ના આશિષ.

બેટા,તું ભણી ગણી ને તૈયાર થઇ છે.જીવનનું ભણતર હજુ બાકી છે.યુનીવર્સીટીની પરીક્ષાઓ સારી રીતે તેં જરૂર પાસ કરી છે.જીવનની પરીક્ષાઓ સારી રીતે પાર કરવાની હજુ બાકી છે.તારામાં અમાપ શક્તિ છે.ઉર્જાનો દરિયો વહે છે તારી અંદર.છતાં કયારેય એ ન ભૂલીશ કે જીવનના શાશ્વત મૂલ્યોનું જતન કરવું પણ એટલું જ જરૂરી છે.એના વિના ડીગ્રીની બધા પ્રમાણપત્રો શરીર પર જેમ મોટા માપના …ફીટીંગ વિનાના કપડા લટકી રહે એમ લટકી રહેશે.ચારિત્ર્ય,વિનમ્રતા,વાણી નીમીઠાશ,સંવાદિતા.સ્નેહ,સદભાવના.સહકાર,કુટુંબભાવના,જતું કરવાની વૃતિ,આ બધા ગુણો દરેક સમયે,દરેક સમાજમાં,દરેક દીકરીના જીવનમાં ખૂબ અમૂલ્ય છે.જીવનના આ શાશ્વત મૂલ્યો કયારેય બદલાતા નથી..બદલાઇ શકે નહીં..બેટા,આ બધા ગુણોને આત્મસાત કરવાનો સંનિષ્ઠ પ્રયાસ કરી જીવનની પરીક્ષામાં પણ તું પહેલો નંબર જાળવી જ રાખીશ ને?

ભાવવિશ્વ....19

દીકરી…એટલે..

લાગણી કેરો
લીલોછમ્મ અવાજ
સ્નેહે છલોછલ..

પ્રિય ઝિલ,

ઘણીવાર સ્મૃતિઓ શલ્યા થઇ ને સૂતી હોય છે.અને અચાનક કોઇ એક કલરવે,કોઇ છાની સુગંધે,એ સળવળી ને મનઝરૂખામાં બેઠી થાય..અને એક ક્ષણમાં આપણને વરસો ઠેકાડી દે છે. સાંજે સમયને ચાંચમાં લઇ ને પારેવા ચૂપચાપ બેસી જાય છે ત્યારે મનમાં રણકી રહે છે..એ દિવસ..જયારે તું પહેલી વાર હોસ્ટેલમાં ગઇ હતી.પપ્પા,મમ્મીની શિખામણોના…સલાહ સૂચનોના ડુંગર લઇ ને.! (દરવાજાની બહાર નીકળી ને એ ડુંગર જમીનદોસ્ત થઇ જવાનો છે.એ કયા મા
બાપને ખબર નથી હોતી?અને છતાં યે…)

“યાદોના પડછાયા લીલાછમ્મ હતા,
ડાયરી વરસો પછી ખોલી હતી.”

આજે વરસો પછી તો નહીં પરંતુ એક મહિના પછી ડાયરી હાથમાં લીધી છે.સમય દરિયાની રેતી ની જેમ કયાં સરી ગયો ખબર ન પડી.હમણાં બાજુમાં નવા પડોશી રહેવા આવ્યા છે.તેમની સાથે ઢીંગલી જેવી નાનકડી દીકરી ફલોરલ છે અને સાથે એંસી વરસના..જીવનના આઠ દાયકા વીતાવી ચૂકેલ તેના દાદી છે.આ દાદીની વાત આજે મારે કરવી છે.તું કહીશ કે દાદીની વાતોમાં શું હોય?એ જ જૂનવાણી વિચારો.. સદીઓથી ચાલી આવતી અને છતાં કયારેય જૂની ન થતી સાસુ વહુની વાતો..! એમાં ડાયરીમાં શું લખવાનું?હા,એમ જ હોત તો ન જ લખત.

પણ આ દાદી છે તો એંસી વરસના.પણ તેમની સ્ફૂર્તિ મને યે શરમાવે તેવી છે.અને તેમનું મન તો સાવ નાના બાળક જેવું. નિખાલસ અને નવી નવી વાતો જાણવા માટે હમેશા ઉત્સુક ! દાદીને તો ચેસ રમતાં યે આવડે અને કેટલીયે રમતોનો ખજાનો એમની પાસે મોજુદ છે.નાની ફલોરલને ચેસ રમતા શીખડાવતા હોય.બીજી પણ જાતજાતની રમતો રમાડતા હોય.આજુબાજુના બધા બાળકોના એ વહાલા દાદીમા બની ગયા છે.બાળકો તો દાદીમા પાસેથી ખસવાનું નામ જ ન લે ને.! રમીને થાકે એટલે વાર્તાઓ કહે..અને પછી દાદી કહે એટલે બાળકોને ભણવું પણ પડે હોં.
સવારે લાફીંગ કલબમાં જવાનું દાદીમા કયારેય ન ચૂકે.વહુ,દીકરો ને નાની પૌત્રીને પણ સાથે લઇ જઇ ને જ જંપે.કોઇની આળસ એમાં ન ચાલે.ઉત્સાહનો તો જાણે જીવતો ફુવારો.ઘેર આવી વહુની સાથે સાથે રસોડામાં ઘૂસે,કોઇને શરૂઆતમાં તો થતું કે વહુની મા છે.વર્તન પરથી ખબર જ ન પડે કે વહુ છે કે દીકરી..?આખું કુટુંબ સ્નેહથી કિલ્લોલ કરતું હોય.નાની નાની વાતમાં હસતું અને હસાવતું હોય.સાસુ વહુ અને પૌત્રી સાંજે સંગીતના કલાસમાં જાય.પોતાને ગમતું બધા શીખે.વહુની બહેનપણીઓ આવે તો દાદી હોંશે હોંશે એમને આવકારે..પ્રેમથી જાતે નાસ્તો બનાવી ખવડાવે.સાસુ વહુ વચ્ચેનો પ્રેમ જોઇને આપણું મન પણ ખુશ થઇ જાય..

દરેક રવિવારે તેમનો કંઇ ને કંઇ કાર્યક્રમ બની જ ગયો હોય.અને કયારેક દાદીને ન જવું હોય તો એ પણ ન ચાલે.વહુ ,દીકરા ને એમના વિના ચાલે જ નહીં ને.! રોજ રાત્રે બધા સાથે પ્રાર્થના કરીને જ સૂવા જાય.આખો દિવસ તેમના ઘરમાં ઉત્સાહનો દરિયો છલકતો જ દેખાય.કયાંય કોઇ ફરિયાદ નહીં..એક મિનિટ પણ નવરા ન બેસે.નવું નવું જાણવાની સતત ધગશ,એ માટેની લગન આ ઉમરે પણ અકબંધ હોય એવા જીવંત દાદીને મળીને આપણામાં યે ચેતનનો સંચાર થાય.એ તો હમેશા કહે હું એંસી વરસની બાળકી છું.આઠ વરસની ફલોરલ અને એંસી વરસના દાદીમાની દોસ્તી અદભૂત.! વિચારો એકદમ આધુનિક .કોઇ વહેમમાં ખોટા રીતરિવાજો માં જરાયે ન માને.વહુ તૈયાર થવામાં જરાયે વેઠ ઉતારે તો તરત કહે,”આ સારું નથી લાગતુ.મેચ નથી થતું.બહાર નીકળીએ તો વટ પડવો જોઇએ.”કહી હસી પડે. પોતે પણ વ્યવસ્થિત જ રહે હમેશા.શારીરિક કે માનસિક બંને રીતે તદન સ્વસ્થ.હવે તો એમની સાથે હું પણ લાફીંગ કલબમાં નિયમિત જતી થઇ ગઇ છું.દાદીમા મને યે છોડે તેમ નથી.મને પણ મજા આવે છે આવી વ્યક્તિ કોને ન ગમે?તેમની કંપનીમાં.વાતોનો ..જ્ઞાનનો તો જાણે જીવતો જાગતો એનસાઇકલોપીડીયા.તેમનું વિશાળ વાંચન દેખાઇ આવ્યા સિવાય રહે નહીં.અને હજુ યે વાંચન ચાલુ જ છે.આખા પાડોશમાં દરેકને તેમને માટે ખૂબ માન,સ્નેહ છે.અને કેમ ન હોય?દરેકને મદદરૂપ થવાની તેમની ભાવના આપોઆપ માન પ્રેરી રહે છે.

દાદીમાની વાત કરતાં કરતાં મનોઆકાશમાં એવા જ એક વિરલ વ્યક્તિત્વનું સ્મરણ અનાયાસે ઉગી નીકળ્યું.એ છે પ્રથમ મહિલા લેફટનન્ટ કર્નલ શ્રી નીલાબહેન પંડિત..જેમને લતા આન્ટીને ઘેર મળવાની તક મને મળી હતી.અને જેમના વિશે તેમણે એમના સુંદર પુસ્તક “ઉજાસનું પ્રથમ કિરણ”માં લખ્યું છે.આજે નિવૃતિ બાદ તેઓ પોતાના 102 વરસના પિતાજી સાથે પ્રવૃતિમય જીવન વીતાવે છે.તેમને મળી ને મેં તેમનામાં જે ચેતના,જે જીવંતતાનો અનુભવ કર્યો.તે પ્રેરણાદાયી છે.આ ઉમરે પણ કાનમાં મેચીંગ બુટ્ટી,મેચીંગ બંગડી,એવું જ પર્સ..લેઇટેસ્ટ ફેશનના
કપડા.જવેલરી…મેઇકઅપ…અને બધું કેવા ઉત્સાહથી આપણને બતાવે..કે સામી વ્યકતિને પણ એ ઉત્સાહ,આનંદનો ચેપ લાગી જ જાય.આજે યે નાના બાળક જેવું કૂતુહલ,બધું માણવાની,જોવાની ભાવના …કયાં યે કોઇ નિરાશાની વાતો નહીં…ક્ષણેક્ષણને માણી જાણનાર ..કર્નલ તરીકે તો અદ્વિતિય ખરા જ..પણ એક નારી તરીકે પણ એટલું સરસ વ્યક્તિત્વ.તેમના ઉત્સાહને સલામ.હું તો તેમની વાતો સાંભળીને ખુશખુશાલ થઇ ગયેલ. આવા ઉદાહરણો સમાજ માટે પ્રેરણાદાયી બની રહે છે.નહીંતર આપણે ત્યાં તો સામાન્ય રીતે લોકો કહેતા હોય,”ના રે,હવે અમને આ ઉમરે થોડુ શોભે?અને એમ જ લઘરવઘર રીતે રહેતા હોય.અને બીજા પાસે પણ પછી એવી જ અપેક્ષા રાખતા હોય.ઉત્સાહનો સદંતર અભાવ.મોટા થયા એટલે જાણે જીવન માણવું એ ગુનો ન હોય..!! હું તો એને માંદલી મનોવૃતિ જ કહું.મને તો આવા જીવંત વ્યક્તિત્વો જ ગમે.જીવનથી છલોછલ.

આ દાદીમા તો સામાન્ય સ્ત્રી હતા…અને છતાં અસામાન્ય બની રહ્યા..પોતાને સાચા અર્થમાં ચેતનવંતા રાખી ને.તેઓ કહે છે,”ઇશ્વરે મને આ વરસો બોનસના આપ્યા છે.એટલે હવે મને સમય વેડફવો ન પોષાય,હવે મારી પાસે કંઇ તમારા જેટલો સમય થોડો છે?તે વેડફી નાખુ?એટલે મારે તો એક એક પળ કીમતી કહેવાય..આ જીવનદ્રષ્ટિ ધરાવનારને કોઇ ફરિયાદ હોઇ શકે ખરી?અને આવી વ્ય્કતિનું માન,ગૌરવ બધા જાળવે જ.જળવાઇ જ જાય આપમેળે.તેમનો અનાદર શકય જ નથી.

સાવ સાચી વાત છે.વ્યકતિને પોતાનું માન જાળવતા આવડવુ જોઇએ.માન,સ્નેહ,આદર આ બધું માગવાથી કયારેય નથી મળતું.એ માટેની પાત્રતા હોય તો આપમેળે મળે છે.આજે વાત વાતમાં ઘણાં વડીલોને ફરિયાદ કરતા જોઉં છું ત્યારે કયારેક મનમાં પ્રશ્ન પણ જાગે છે. આ વડીલો જો પોતાનું વર્તન માનને લાયક રાખે અને નવી પેઢીને સમજવાનો,તેમને અનુકૂળ થવાનો પ્રયત્ન કરી શકે તો ઘણાં પ્રશ્નો તેમના અને સંતાનોના પણ જરૂર ઓછા થઇ જાય.પણ એ માટે“અમારા જમાનામાં આમ…ને અમારા જમાનામાં તેમ.”એ ભવ્ય ભૂતકાળમાં થી બહાર નીકળવું જ રહ્યું.માગ્યા સિવાય શીખામણ આપવાથી દૂર જ રહેવું જોઇએ.ભૂલ કરે તો એમાંથી પણ શીખશે..આખરે કયાં સુધી તમે એને સલાહો આપી શકશો?નવી પેઢી પાસે પણ ઘણી સારી વસ્તુઓ છે..ઘણું શીખવા જેવું છે..તો તમારું શીખડાવવાને બદલે તમે એની પાસેથી કંઇ શીખવાનો પ્રયત્ન કરો..ખાસ કરીને જયારે વડીલોને શારીરિક પ્રશ્નો ન હોય ત્યારે તો દરેક ઉમરે કંઇક નવું જરૂર શીખી શકે. શીખવા માટે જો મનમાં ઉત્સાહ હોય,ધગશ હોય તો ઉમરની સાથે એને કોઇ સંબંધ નથી.આપણા સમાજમાં એવા ઉદાહરણોની સંખ્યા નાની નથી.આમે ય “Idle mind is devil’s workshop ‘એ મને તો બહું સાચુ લાગે છે.જેની પાસે કંઇક કરવાનું છે એને કયારેય આડા અવળા,નકારાત્મક વિચારો માટે સમય જ કયાં હોય છે?પોતાની અંદર રહેલી શક્તિઓને , અનુભવોને રચનાત્મક કાર્યમાં કેમ ન વાપરી શકાય? અત્યાર સુધી જવાબદારી,સમય કે સંજોગોને લીધે ઇચ્છા છતાં ન કરી શકયા હો..એવી ઘણી વસ્તુઓ અત્યારે કેમ ન કરી શકો?ઇશ્વરે સગવડ અને સમય આપ્યા છે તો એનો સદઉપયોગ કરવો જ જોઇએ .જાતને દયામણી શા માટે બનાવવી ?બરાબરને?

જોકે આ બધું લખી ને મેં પણ લેકચર જ કરી નાખ્યું ને?પણ લખવાની છૂટ..કેમકે એ તો કોઇ ને વાંચવું હોય તો વાંચે..ન ગમે તો ન વાંચે.પણ બોલીએ તો સંભળવું ફરજિયાત બની જાય ને?અર્થાત્ લખીને લેકચર દેવાની છૂટ.!!હસી પડી ને?આતો પાણી પહેલા પાળ બાંધુ છું.!!

હું કોમ્પ્યુટર તારી ને મીત પાસેથી જ શીખી ને?ઘરમાં કોમ્પ્યુટર આવ્યું ત્યારે મને તો મેઇલ કેમ કરાય એ પણ કયાં આવડતું હતું?અને તમે ભાઇ ,બહેન મારા પર કેવા હસતા હતા…!! મારી મશ્કરી કરતા હતા..એ બધું હું ભૂલી નથી હોં !!
અને વચ્ચે થોડા દિવસ હું ને પપ્પા ગોવા જઇ આવ્યા..તે તો તને ખબર છે જ.એટલે હમણાં ડાયરી હાથમાં જ નહોતી લીધી..ફોનથી તો તમારી સાથે વાતો થતી જ રહેતી ને?ગોવાના દરિયાના ફોટા તું આવીશ ત્યારે બતાવીશ.પાણી..દરિયા તરફના મારા અનહદ આકર્ષણ ..લગાવની તો તમને ખબર છે જ.દરિયામાંથી બહાર નીકળવું મારે માટે બહુ અઘરું છે.દરિયા સામે હું કલાકો સુધી મૌન બની ને આરામથી બેસી શકું છું.કયારેય મને એ જૂનો નથી લાગતો. દરિયાકિનારે જ જન્મથી આજ સુધી રહી છું.અને રોજ દરિયે જાઉ છું છતાં મને કયારેય એનો કંટાળો નથી આવતો.

અને હા,કાલે અચાનક તારો કબાટ સાફ કરતાં કરતાં..મને એ દિવસ યાદ આવી ગયો.કયો દિવસ?
યાદ છે?પહેલીવાર હોસ્ટેલમાંથી બે મહિના બાદ તું ઘેર આવી હતી.આવી ને તારા રૂમમાં જઇ તારો કબાટ ખોલ્યો હતો.અને….અને તેં રાડ પાડી હતી,”મમ્મી….”

અને ગભરાઇને હું દોડી આવી હતી..કે શું થઇ ગયું?પૂછયું..પણ તેં કંઇ જવાબ ન આપ્યો.ખુલ્લા કબાટ સામે જોઇ રહી.મેં પણ ત્યાં જોયું.પણ મને તો કંઇ સમજાયું નહીં..પણ તું તો રીતસર રડી જ પડી.આંખમાં આંસુ છલકી રહ્યા.હું તો ગભરાઇ ગઇ..આખરે થયું શું?મારાથી કોઇ ભૂલ થઇ ગઇ કે શું?આટલું બધું એને શું ઓછુ આવી ગયું?શું લાગી આવ્યું? ત્યારે તેં કહ્યું,

”મમ્મા,તેં તો હું બે મહિના હોસ્ટેલમાં ગઇ ..તેમાં મારું “અસ્તિત્વ “જ મિટાવી દીધું..!!

અને તું ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી.અને હું સ્તબ્ધ..!!મને તો આવી કલ્પના યે નહોતી આવી. અને તને આવું લાગવાનું કારણ ફકત એટલું જ…તારા કબાટમાં થોડી જગ્યા થવાથી મેં મારી થોડી સાડીઓ તારા કબાટમાં, હેન્ગરમાં લટકાવી દીધી હતી.! અને તને વહેમ જાગ્યો હતો…તારું અસ્તિત્વ મિટાવ્યાનો….!!માંડમાંડ તને હું શાંત કરી શકી અને સમજાવી શકી.અને ત્યારબાદ તારા કબાટમાં…ખાલી પડેલ જગ્યામાં કોઇનું કંઇ જ મૂકવાની ભૂલ કે હિમત નથી કરી.

“મબલખ યાદો,અઢળક આશા,
દિલ નાનું,મહેમાન છલોછલ.”

હા,તે દિવસે રોજની જેમ દરિયાકિનારે બેઠા બેઠા મારાથી આવું કંઇક લખાઇ ગયેલ ખરું.!

”ઉછળકૂદ કરતું,
એક મોજુ તાણી ગયું
રેતી પર લખેલ એક નામ….
અને ..અસ્તિત્વ મિટાવ્યાનો
એને ઉગ્યો વહેમ.”

બાકી દીકરીનું નામ કંઇ રેતી પર લખાયેલ શબ્દો થોડા જ છે?એ તો અંતરમાં કોતરાયેલ અસ્તિત્વ છે.એનો પોતાનો એક અંશ છે.એને કયારેય કોઇ મા મિટાવી શકે ખરી?મા દીકરી ના સંબંધના તાણાવાણા કદાચ વિધાતા ખુદ ઉકેલવા બેસે ને તો તે પણ ગૂંચવાઇ જાય.જીવનના પરિઘમાં કેટલીયે એવી ક્ષણો આવે છે,,જે કાળને અતિક્રમી ને સ્મરણોની સંપદા બની જીવનને લીલુછ્મ્મ ..અને હૂંફાળુ રાખે છે. વાત્સલ્યને..વહાલને વ્યાખ્યામાં બાંધી શકાય ખરું? આપણી વચ્ચે હમેશા ફકત વહાલનીજ નહીં..રોષની..ગુસ્સાની સરિતા પણ ઘણીવાર કયાં નહોતી વહેતી?કયારેક તને મારી વાત ખોટી લાગતી..કે મને તારી વાત..અને આપણે બંને એકબીજા પર ગુસ્સે થઇ મૌન બની જતા.તું તારા રૂમમાં ને હું મારા રૂમમાં.અને અંતે કયારેક તું..ને કયારેક હું..એકબીજાને સોરી કહી..મનાવી લેતા..અને ફરી એક્વાર આપણો સ્નેહનો સેતુ જોડાઇ જતો.

મા ને સતત દીકરીના ભવિષ્યની ચિંતા અને દીકરીને મમ્મી કંઇ સમજતી નથી..ખબર નથી પડતી..ની ફરિયાદ… એ બે વચ્ચે પણ વહાલનું ઝરણું તો વહેતું જ હોય છે.ગુસ્સામાં કયારેક દીકરી એ જોઇ ન શકે તેવું બની શકે..પણ દીકરી ને યે ખાત્રી,વિશ્વાસ હોય જ છે કે એ ઝરણુ ત્યાં હાજર છે જ.રિસામણા,મનામણા,ગુસ્સાની પળો..પણ વહાલની જેમ જ દરેક મા દીકરીના ભાવવિશ્વમાં પ્રગટતી જ રહેતી હશે ને?

આ વાંચી ને યે ગુસ્સે થવાને પૂરી છૂટ સાથે અહીં જ વિરમું ને? એમાં જ સલામતી છે ને?હસી પડી ને?

“આ સરવર છલકયા સ્નેહજળના,
પનિહારી રિસાઇ જાય તો શું કરું?”

હવે તો તું રિસાઇ જાય તો મનાવવાનું યે મુશ્કેલ થઇ જાય એટલે દૂર જઇ ને તું બેઠી છે.એટલે હવે રિસાવાનું પોષાય તેમ નથી હોં.!
બસ..હસતી રહે..હસાવતી રહે..જે હસી શકે એ જ બીજાને હસાવી શકે ને?રોતલ બીજાને શું હસાવવાના હતા?યાદ છે?હું હમેશા કહેતી,
”laugh and world will laugh with you.weep and weep alone”

મને યે આ અમારા ટીચર કહેતા.કયારે મળીશું?

બાકી તો
”કયાંય કશું સંપૂર્ણ નથી,
સૌમાં થોડી વધઘટ છે.”

આવજે બેટા…
મા.

લગ્ન એટલે જવાબદારી તો ખરી જ.મમ્મી પપ્પાના રાજમાં જલસા કરતી દીકરી પાસે હવે તેનું પોતાનું આગવું ઘર બને છે ત્યારે આ ઘરની જવાબદારી પણ તેની જ બને છે ને? આપણા ઘરમાં તો આજે યે દીવાલ પર લખાયેલ આ પંક્તિઓ તને બહુ ગમે છે ને?

”ગીત જેવું ઘર,ને વહાલના લય તાલ,
કોણ પછી મંજિરા લે,કોણ લે કરતાલ?”

તારે પણ હવે તારા ઘરને ગીત જેવું સૂરીલું બનાવવાનું છે.એ ન ભૂલીશ.અન્યોન્ય સાથે વહાલના લય તાલથી તારું ઘર મંદિર સમાન બની રહે એ જોવાની જવાબદારી ઉપાડીશને?હા,કયારેક મતભેદ થાય..પણ મનભેદ ન જ થવો જોઇએ.એના પાયામાં એકબીજા માટે સાચી લાગણી જ હોય.લાગણીનું બંધન જ એકબીજાના માન,સન્માનની જાળવણી કરી શકે.કોઇ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે નિખાલસ ચર્ચા..(દલીલ નહીં)થી એનો ઉકેલ આસાન બની જાય છે.સંવાદ નું સંગીત ગૂજતું જ રહેવું જોઇએ.બંનેએ એકબીજાના ગમા,અણગમા નું ધ્યાન રાખી એ મુજબ વર્તન કરશો તો જીવનમાં કયારેય વિસંવાદિતાના સૂર નહીં ઉઠે.કોઇ બંધન વિનાનો,કોઇ શરત વિનાનો પ્રેમ…તમારા જીવનને ઉલ્લાસથી સભર બનાવી રહેશે.

--------------------------------------------------------------------------------

Shailesh Doshi Says:
The entire write up is very touching and makes one realise that one is experiencing real life situation while reading the same. One always has the feeling that it is a live conversation and not a letter. Truly impressive.

ભાવવિશ્વ…18….દસ રૂપિયાના હારનું મૂલ્ય..!!

દીકરી…

ભીની પાંપણો
પર થીજી ગયેલ
મીઠી પ્રતીક્ષા..

વહાલી ઝિલ,

સ્મરણોનું ગોરસ તો રોજ છલકાઇ રહ્યું છે.કઇ વાત યાદ કરું ને કઇ ભૂલુ?
જીવન એટલે થનગનતા..અને મનગમતા સમયની ફૂલદાની..એવું કયાંક વાંચેલ.દીકરીની મા પાસે એવા સમયની ખોટ કયારેય નથી હોતી.મા પાસે દીકરીની ભીની લાગણીઓ હોય છે તો બાપને તો દીકરીનો એક કેફ હોય છે.

” આ કેફ ઉતરે તો કેમ ઉતરે?
દીકરી છે સાથે,હું એકલો નથી.”

આવું કયા પિતાએ લખ્યું છે..એ તો આ ક્ષણે યાદ નથી.પણ બધા પિતા માટે કદાચ આ સાચું જ હશે.કહે છે..પુરુષના “હું”ને અહમ્ ને કેવળ દીકરી જ ઓગાળી શકે.દીકરા સાથે જોડાયેલ વહાલની કડીઓ કયારેક ઢીલી પડી શકે છે.દીકરી સાથે સંકળાયેલ વહાલની સાંકળ હમેશા રણકતી જ રહે છે.મંદિરના ઘંટારવની જેમ.બાપ અને દીકરી નો એક જ સંબંધ કદાચ કોઇ અપેક્ષા વિનાનો ..છે.ગમે તેવા કઠોર પુરુષની આંખમાં પણ દીકરીની વિદાય પાણી લાવવા સમર્થ છે.અને એમાં યે કોઇ પણ કારણસર મા ગેરહાજર હોય ત્યારે દીકરી પિતા માટે એની “મા’ સમાન જ બની રહે છે.પ્યારથી પિતાને કોઇ ધમકાવી શકતું હોય તો એ પુત્રી જ છે.અને એનો એ ઠપકો પિતા હોંશે હોંશે સાંભળી લે છે.પિતાના હ્રદયને દીકરીનો સ્નેહ લીલુછમ્મ રાખે છે.મોઢેથી ન બોલતા ..લાગણી વ્યકત ન કરતા….કે ન કરી શકતા પિતાના અંતરમાં પણ વાત્સલ્યનું પુનિત ઝરણુ વહેતું જ હોય છે.

યાદ છે..? એકવાર કોલેજમાં તારે ફકત એક જ દિવસની રજા હતી.અને તને ઘેર આવવાનું બહું મન થયેલ.પરંતુ મેં ના પાડી..કે એક દિવસ માટે હેરાન નથી થવું.પછી તેં મારી સાથે તો દલીલ ન કરી.પણ પપ્પાને ફોન કર્યો.અને પપ્પા વહાલી પુત્રી ને ના કેમ પાડી શકે?અને તું ત્યાંથી નીકળી અને પપ્પા અડધે સુધી ગાડી લઇ ને દીકરી ને લેવા ગયા.!! મારી ના કોણ સાંભળે?દીકરીને બાપનો સપોર્ટ હતો પછી મમ્મી ના પાડે એની કયાં ચિંતા હતી?અને આવી ને તમે બંને બાપ દીકરી ખૂબ ખુશખુશાલ થઇ હસતા હતા.અને મનમાં હરખાતી હું કૃત્રિમ ગુસ્સો કરતી હતી. સવારે આવી ને સાંજે તો તારે પાછું જવું પડે તેમ હતું. એ થોડા કલાકો ઘરમાં કેવા જીવંત બની ગયા હતા.!!
તારા બધા લાડકોડ જીવનમાં પૂરા થાય…એ ભાવના સરી રહે છે.

સ્મરણૉના છલકતા ગોરસની મટુકીમાંથી કંઇક યાદો બહાર આવવા મથી રહી છે.પણ…

”કાગળના કટકામાં કેમ કરી ચીતરવી,
રુદિયામાં રણઝણતી વાત.. કાગળની તે શી વિસાત?”

શબ્દોની તાકાત અમાપ છે.એની ના નહીં પણ ઘણીવાર દિલની લાગણી ઓ સામે એ વામણા બની રહે છે.એવું પણ લાગે જ છે.અને છતાં લાગણીને વ્યકત કરવા શબ્દોનો સહારો જ લઇ એ છીએ ને?

વેકેશનમાં તું આવે એટલે સ્વાભાવિક રીતે જ શુભમના ફોનની અવરજવર વધી જાય.જોકે આમ તો એ બહુ હોંશિયાર છે.તારા આવવાના બે દિવસ પહેલાં એ અચૂક મને ફોન કરી લે,”કેમ છો મમ્મી?” એનો રણકતો અવાજ સાંભળી ત્યારે તો હું ભૂલી જાઉં.પણ પછી યાદ આવે ઓહ..! આ તો ઝિલ આવવાની છે..એની પૂર્વતૈયારી છે.

“તમારા આજ અહીં પગલા થવાના,
ચમનમાં બધાને ખબર થઇ ગઇ છે,
ઝૂકાવી છે ગરદન બધી ડાળીઓએ,
ફૂલોની યે નજર નીચી થઇ ગઇ છે.”

તું ઘરમાં પગ મૂકે ને શુભમનો ફોન રણકયો જ હોય..! પરફેકટ ટાઇમીંગ.!હું મીઠુ ખીજાઉ,”અરે,એને ઘરમાં પગ તો મૂકવા દે..”અને કેટલી યે મસ્તી કરું.અને કહું,”પહેલા કહે,ઝિલ કોની?’મારી” કહે તો જ ફોન આપું”.અને પૂરી ઠાવકાઇથી એ કહેતો,”હા,મમ્મી, એ તો તમારી જ છે ને?” અને હું ખુશ થઇ ને ફોન તને આપી દઉં..અને એ તરત હસતા હસતા ફેરવી તોળે,”મમ્મીને ખોટું બોલી ને કેવા રાજી કરી દીધા ને !”અને તું ખડખડાટ હસી પડતી,અને મને કહેતી,”મમ્મા,જુઓ..આ શુભમ શું કહે છે?”હું સમજી જતી..અને કહેતી,”હવે એ કંઇ ન ચાલે.એક વાર તો “મારી”એમ કહેવું પડયું ને?” મસ્તીભર્યા દિવસોની કેવી રેલમછેલ હતી..!!

“ડાળી પર કૂંપળ ફૂટયાની ઘડી છે,
એના ભીના ઓવારણા લેજે.”

અને યાદ છે..?એક દિવસ આપણે ચારે જમવા બેઠા હતા.ત્યાં પોસ્ટમેન ની બૂમ આવી.તમે બંને ભાઇ બહેન એકબીજા સામે જોતા હતા..કે કોણ ઉભુ થાય?પછી મીત ઉભો થયો.અને કવર લઇ ને કૂદતો કૂદતો આવ્યો,”મમ્મી,શુભમનો પત્ર છે.ને તું ઉછળી પડી.ભાઇલો તો દૂરથી કવર બતાવે,અક્ષર બતાવી ખાત્રી કરાવે..પણ એની પાસેથી એ મેળવવું કંઇ સહેલુ થોડુ હતું?આવો મોકો કંઇ વારંવાર થોડો મળે?તેં મદદ માટે અમારી સામે જોયું.પણ તમારા ભાઇ બહેન ના મામલામાં હું કે પપ્પા કોઇ શા માટે પડીએ?

અને અંતે મીતે તને ખાસ્સી રીતસરની ઉઠબેસ કરાવી..કેટલી યે હેરાન કરી..અને એ પછી જ કવર તારા સુધી પહોંચ્યું.ત્યારની એ તાજગીભરી મસ્તી આજે યે યાદ આવતા હું મલકી રહું છું.મીત કહે,”લેતી જા…ઉભી ન થઇ ને ?”ત્યારથી તો પોસ્ટમેનની એક બૂમે તું હમેશ માટે દોડતી થઇ ગઇ.બિટ્ટુ,યાદ છે ને? મને ને પપ્પાને તો તમારા ભાઇ બહેન ની મસ્તી માણવાની મજા પડી ગઇ હતી.હવે કયારે આવશે એ દિવસો? ભાવિના ગર્ભમાં શું છૂપાયેલ છે..એ કોણ કહી શકે?

”ખૂલ જા સિમસિમ કરતા ખૂલ્યા મબલખ ખજાના મન ના..”

અને યાદો નો આ ખજાના મનને શીળો છાંયડો..વિસામો આપી રહે છે.

મસૂરી ટ્રેકીંગમાં ગયેલા તમે ભાઇ બહેન…કે સ્કૂલમાંથી સાથે ઝરિયા મહાદેવ ગયેલા ત્યારની તમારી મધુર યાદો આલ્બમના પાનાઓ ની સાથે સાથે મનઝરૂખે પણ સચવાયેલી છે જ…

પ્રવાસમાં ફરવાનો આનંદ તો મળે જ છે.સાથે સાથે આવા સમયે કુદરતને નિરાંતે…શાંતિથી મનભરી ને માણવાનો..જાણવાનો..તેની નજીક જવાનો લહાવો મળે છે.અલગ અલગ જગ્યાનો..માણસો નો પરિચય કેળવાય છે.મનની વિશાળતા ને એક નવી પરિભાષા મળે છે.સારા નરસા..અનુભવોથી જીવન અનાયાસે ઘડાય છે.પ્રવાસ મનને સમૃધ્ધ કરે છે.અને વિચારોનો વ્યાપ વધારે છે.અન્ય સંસ્કૃતિનો પરિચય થાય છે. ભેદભાવ દૂર થતા રહે છે.મન વિશાળ ..ખુલ્લુ બને છે.પ્રીતિ સેનગુપ્તા જેવા વિશ્વપ્રવાસી તો બધા ન બની શકે..પરંતુ શકય તેટલો પ્રવાસ તો દરેકે કરવો જ જોઇએ.એનાથી મનની ક્ષિતિજો વિસ્તરે છે.અને કૂવામાના દેડકા જેવી સંકુચિતતાથી છૂટી શકાય છે.તમે બંને મસૂરી, સિમલા ગયા ત્યારે આવી ને કેટલા ઉત્સાહથી અવનવી વાતો કરતા હતા.કેટકેટલા અનુભવોનું ભાથુ તમને મળેલ.સિમલા વિશે વાંચી ને યાદ રાખવું તમને મુશ્કેલ લાગે પરંતુ નજરે નિહાળેલ કયારેય ભૂલી શકાય ખરું?ત્યાંના રિતરિવાજો..વાતાવરણ..માણસો..સ્થળો..વિગેરે વિષે તમે કેટલી અવનવી વાતો જાણી હતી.!

હું લંડન ગઇ હતી ત્યારે ગુજરાતી નહીં..કોઇ ભારતીય મળે તો પણ ખુશ થઇ જતી.ઓહ..! આ તો આપણા…!! અહીં હોઇએ ત્યારે ગુજરાતી,મદ્રાસી,બંગાળી…એવું લાગે..પણ પરદેશમાં જઇ એત્યારે બધા ભેદભાવ કયાંય મટી જાય અને ભારતીય બની જઇ એ..આ મારો જાતઅનુભવ છે.તને યે થશે જ આ અનુભવ.બધા ભેદભાવ આપોઆપ અદ્રશ્ય થઇ જશે.મનની ક્ષિતિજો અનાયાસે વિશાળ બને છે. જોકે વતન ની યાદ એટલે શું? એ તો વતનથી દૂર રહેનાર જ ને કદાચ સંપૂર્ણ રીતે સમજાય.મૂળિયા એક ધરતીમાં હોય..અને ડાળ ..પાંદડા સાથે લીલાછમ્મ બીજી ધરતીમાં થતા હોઇએ ત્યારે મૂળિયાનો સાદ સંભળાતો જ રહે.અને કદાચ એટલે જ દૂર રહેતો માણસ પોતાની સંસ્કૃતિને પોતપોતાની રીતે જાળવી રાખવા મથે છે.કથા..વાર્તા,દેવ દર્શન કદાચ તેને મૂળ સાથે જોડાયાનો એહસાસ કરાવે છે.કોઇ ભાષાને જાળવવા મથે છે.કોઇ અન્ય રીતે મૂળ સાથે સંકળાયેલ રહેવાનો પ્રયાસ કરે છે.

આ સાથે જ મનના મલકમાં બીજા એક નાનકડા પ્રવાસની યાદ ડોકિયુ કરી ગઇ.વાત નાની છે..પણ એથી એનું મૂલ્ય ઓછું નથી થતું.

એ પ્રવાસ યાદ છે ને?કયો?નાનકડો એ પ્રસંગ આપણે ઘણીવાર યાદ કરીએ જ છીએ

મીત પહેલીવાર સ્કૂલમાંથી એકલો ટ્રીપમાં બહારગામ ગયેલ.ત્યારે તે ત્રીજા ધોરણમાં હતો.સાથે કંઇ પૈસા લઇ જવાના નહોતા.પણ મેં દસ રૂપિયા આપેલ.કે તેને જોતા હોય તો કામ આવે.અને તારા ભાઇલા એ તે પૈસા કેમાં વાપર્યા હતા?! બીજા બધા છોકરાઓએ કોલ્ડ્રીંક પીધું હતું..જયારે તારા ભાઇલાએ તેની બધી યે મૂડી ખર્ચી ને તારા માટે નેકલેસ લીધો હતો.બ્લુ રંગનો ચમકતો નેકલેસ..! ઘેર આવીને કેવા યે ઉત્સાહથી તને આપી ને કહ્યુ,”હું તારા માટે હાર લઇ આવ્યો..!” દસ રૂપિયાના એ હારની કિમત ત્યારે મારે માટે..આપણે માટે લાખ રૂપિયા થી ઓછી નહોતી.! એ હારનું મૂલ્ય આંકી શકાય ખરું?.તે દિવસે પોતાનું સર્વસ્વ ભાઇલાએ આપી દીધુ હતુ .વરસો સુધી એ “હાર” આપણે સાચવ્યો હતો.ભાઇની એ પહેલી ભેટ હતી.પોતાની મૂડીમાંથી આપેલી અમૂલ્ય ભેટ.!
ભાઇ બહેનનો પ્રેમ જોઇ કઇ મા ની આંખો અને હૈયુ ન ઠરે?ભરઉનાળે પણ આવી મધુર પળોની યાદો જીવનને છલોછલ ઠંડક અર્પી રહે છે.

“રૂપિયા આના પાઇનો તું છોડ સરવાળો હવે,
આ તો પ્રેમનો વેપાર છે,હમેશા ખોટ કરશે.”

કાલે ફરી મળીશું..યાદોના સથવારે?

આસમાન સરીખા વહાલ સાથે.
મમ્મી.

“બેટા,સફળ જીવન એ કોઇ સંગીત સાજ બજાવવા જેવું છે.જેમ ગમે તેવા મહાન સંગીતકારે પણ હમેશા રિયાઝ કરતાં રહેવો પડે છે..અને ચાલુ જ રાખવો પડે છે.તેવી જ રીતે જીવનને પણ સફળ બનાવવા…સૂરીલુ બનાવવા રિયાઝ કરવો જ રહ્યો.વર્તનનો રિયાઝ….શબ્દોને…વ્યવહારને… લાગણીઓને. પરિપકવ કરવાનો રિયાઝ જીવનભર ચાલતો જ રહેવો જોઇએ..વાસણ જેમ માંજી માંજી ને ચકચકિત થાય તેમ આપણે દરેકે પોતાની દિનચર્યાને માંજતા રહેવું પડે છે.એને ઘસી ઘસી ને શુધ્ધ કરતા રહેવું પડે છે.જેથી એની ગુણવત્તા સુધરી શકે.અને દરેક દિવસ સોનાની જેમ ચળકી રહે.

Caring is Loving…એ વાત હમેશા યાદ રાખજે.”હું તને બહુ પ્રેમ કરુ છું..કે મને તારા માટે બહું લાગણી છે..”એ ખાલી શબ્દો નો કોઇ અર્થ નથી.જ એ રોજીંદા જીવનમાં ..દરેક નાની વાતમાં આપમેળે વ્યકત થવું જોઇએ.હું વાતો કરું અને મારા વ્યવહારમાંથી તમે કોઇ ઉષ્મા પામી ન શકો….અનુભવી શકો…તો કોઇ સ્વીકારી શકે ખરા એ કોરા શબ્દોને?આપણી વ્યક્તિની પૂરતી સંભાળ રાખવી..તન ની અને મનની..એ દરેક દંપતીનું અરસપરસ કર્તવ્ય છે.અને બંને એ કર્તવ્યનું પાલન કરે તો જ જીવન માં સૂરીલુ સંગીત ગૂંજી રહે.”
તમારું જીવન એવું સંગીતમય બની રહે..

ભાવવિશ્વ....17

ભાવવિશ્વ……17……યાદોનો અંબાર..

દીકરી.એટલે… ..

કોયલ કૂંજે
રેલે પંચમ સ્વર.
ટહુકે મન

વહાલી ઝિલ,

પરીક્ષાઓ પૂરી થઇ..વેકેશન આવ્યું..અને ફરી એકવાર ઘરનું સૂનુ આંગણું તારી ને મીતની ધમાલ..મસ્તીથી જીવંત થઇ ઉઠયું.મોટે મૉટે થી સતત વાગતું..સંગીત…જો કે હું તો એને ઘોંઘાટ જ કહેતી.અને અવાજ ધીમો કરવા કહેતી રહેતી.પણ એના હાઇ વોલ્યુમમાં મારો અવાજ તમને કયાં સંભળાવાનો હતો?

”એકમેકમાં જેમ ભળે બે રંગો એવું ભળીએ,
ભીની ભીની લાગણીઓમાં મનભરી પલળીએ
આજની જેમ જ વીતે આયખુ આખું યે સંગ સંગ.”

એ ભીની ભીની લાગણીઓની યાદ દરેક મા બાપ માટે જીવતરનો ઉલ્લાસ બની રહે છે.
અને ત્યારે ભાઇ બહેન કેવી પાક્કાઇ કરતા? એ તો મને પાછળથી ખબર પડી.કે આ તો મમ્મીને ઉલ્લુ બનાવવાનો પેંતરો હતો! .ભાઇને ગમતી કેસેટ..કે સી.ડી.બહેન લાવી ને ભાઇને ભેટ આપે..અને બહેનને ગમતી કેસેટો..ભાઇ લાવે..હવે ભાઇ બહેન એકબીજાને ગીફટ આપે તેમાં તો મારાથી કે કોઇ પણ મા થી કશું બોલાય જ નહીં ને?આમ બંને નો સ્ટોક વધતો જાય…”પપ્પા ઝિન્દાબાદ “ની સાથે.આમે ય પપ્પાનો સપોર્ટ તો આવી બધી બાબતો માં મળી જ રહેતો.પછી તમારા ત્રણની ત્રિપુટી આગળ મમ્મીની પિપુડી થોડી વાગવાની?અને વાગે તો યે સાંભળે કોણ?

આમે ય બધા ભેગા થઇએ ત્યારે બધાની મસ્તીનું ટાર્ગેટ તો હમેશા મમ્મી જ રહેતી ને?કયારેક હું બહું ગુસ્સે થાઉં તો તું ને મીત મારી પાસે આવી ,ખોટા મસ્કા મારી…ને કહો,”પપ્પા,મારી મમ્મીની મસ્તી નહીં કરવાની હોં.! ભલેને મસ્તી તો પોતે બે યે જ વધારે કરી હોય ! .હું કૃત્રિમ ગુસ્સો કરતી…બસ..બસ…હવે મને બધી ખબર છે હોં..નો ચમચાગીરી..!

”અરે..મમ્મા,તમારી કંઇ ચમચાગીરી હોય?મારા મમ્મી છો ને?”અને ભાઇ બહેન આંખોથી ઇશારા કરતા…હું જોઇ જતી..અને ઘરની દીવાલો આપણા ચારેના ખડખડાટ હાસ્યની સાક્ષી બની રહેતી.

કેવા સરસ લીલાછ્મ્મ દિવસો હતા એ ! આજે તો મારે એ જૂનુ ને જાણીતું વાકય..”તે હિ નો દિવસો ગતા:” જ કહેવાનું રહ્યું.અને એ દિવસોની યાદથી બધા મા બાપ ની જેમ મલકતા અને છલકતા બની,,તેની ઉષ્માથી લથપથ થઇ..વહેતા રહેવાનું.

“એક શેરીનું અનોખુ બાળપણ, ફાગ કેવા મઘમઘ્યા’તા યાદ છે?”

કુટુંબમેળાની એ પુનિત ક્ષણો પાછી આવશે ખરી કયારેય?

કદાચ દરેક ઘરમાં કુટુંબમેળાની આ ક્ષણોની આતુરતાથી રાહ જોવાતી જ હશે.બાળકો દૂર વસતા હોય ત્યારે તો માતા પિતા ચાતકની જેમ પ્રતીક્ષામાં ઝૂરતા હોય છે.એનો એહસાસ દરેક બાળકને રહેવો જોઇએ. યાદ છે..સોનલમાસી..?બંને દીકરાઓને પેટે પાટા બાંધી ને યે વિદેશમાં ભણવા મોકલ્યા.સંતાનના સ્વપ્નો પૂરા કરવા માટે તેમણે પોતાના કેટલા સ્વપ્નો મૌન રહી ને જતા કર્યા હતા.અને આજે એ દીકરાઓને મા બાપ જૂનવાણી,ગામડિયા લાગે છે.તેમની આદતો વિચિત્ર લાગે છે..કયારેય દીકરાઓએ વિચાર્યું નહીં હોય કે મા બાપને પણ તેમની ઘણી યે વાતો નથી ગમતી હોતી.ઘણી રીતભાત નહોતી ગમતી પણ તેમને તો પુત્રો માટે કયારેય અભાવ આવ્યો નથી.શું બધો ભોગ મા બાપે જ આપવાનો?તેમની કોઇ ફરજ નહીં?અરે,રુધિરનો પ્રવાહ પણ ઇશ્વરે એકમાર્ગી નથી બનાવ્યો તો સ્નેહનો પ્રવાહ એકમાર્ગી શા માટે?આ માતા પિતાનું શોષણ નથી?સોનલમાસીના દીકરા આજે અહીં આવે છે..એકાદ મહિના માટે.ફરવા ..અને ખરીદી કરવા,બે ચાર ભેટના ટુકડા ફેંકી ચાલ્યા જાય છે.આવી ને આખો દિવસ તેમના અવનવા પ્રોગ્રામો બનતા રહે છે.ફરવામાંથી કે ખરીદીમાંથી તેમને સમય જ કયાં મળે છે?માતા પિતા સાથે સુખ,દુ:ખની બે ચાર વાતો કરવાનો સમય તેમની પાસે છે ખરો?કે એવી ઇચ્છા પણ છે ખરી?માસી,માસા છોકરાઓ માટે આજે યે અર્ધા થાય છે.પરંતુ પુત્રના તો સંબંધો હાય અને બાય વચ્ચે લટકતા રહે છે.મનને ટાઢક ન આપી શકે એ સંબંધો નો અર્થ ખરો?હૂંફની જરૂર માતા પિતાને છે.બે શબ્દોની ખોટ તેમને સાલે છે.જયારે દીકરાઓને એ બધું વેવલાવેડા લાગે છે.અર્થહીન લાગે છે.પૈસાથી અમુક ઋણ કયારેય ચૂકવી નથી શકાતા.એ સત્ય તો દીકરાઓને એપણ એક દિવસ જરૂર સમજાશે..પણ ત્યારે બહુ મોડુ થઇ ગયું હશે.અને આશ્ર્વર્યની વાત તો મને એ લાગે છે કે આ બધા છતાં લોકો દીકરાનો મોહ છોડી નથી શકતા.!

ખેર..! આ બધી તો ઘર ઘરની કહાની છે.આવા સોનલમાસીઓથી આજે સમાજ છલોછલ છે. કાલની ખબર નથી.અમે તો જે ક્ષણ સામે આવે છે..તે શકાય તેટલી સારી રીતે જીવવાનો પ્રયાસ કરતા રહીએ છીએ.આ પછી ની ક્ષણ ની કોને ખબર છે?અને દરેક માનવી આ વાત જાણે જ છે..સમજે જ છે,અને છતાં ,…છતાં વરસોના વાયદા કરતો રહે છે.પોતાની જાત પાસે પણ…અને બીજાઓ પાસે પણ.માનવમન જેટલું વિચિત્ર બીજું કંઇ જ દુનિયામાં નહીં હોય.

“મનના કારણ સાવ અકારણ….”

આજે તારું ધાર્યું પરિણામ ન આવ્યું.ધાર્યા કરતાં..અપેક્ષા કરતાં થોડા ઓછા માર્ક્સ આવ્યા.અને તું નિરાશ થઇ ગઇ.બેટા,જીવનમાં હમેશા બધું આપણી ધારણા પ્રમાણે જ થવું જોઇએ એવો કોઇ નિયમ છે ખરો?એવો દુરાગ્રહ શા માટે? બેટા,જિંદગીમાં કડવા મીઠા પ્રસંગો કે ભરતી ઓટ તો આવતા જ રહેવાના. આપણે હમેશા સાથે આ ભજન ગાતા.એ યાદ કરાવું?

”.વમળોની વચ્ચે નૈયા મુજ હાલક ડૉલક થાજો
શ્રધ્ધા કેરો દીપક મારો નવ કદી યે ઓલવાજો.”

હા,જીવન નૈયા હાલકડોલક થાય એનો વાંધો નહીં પણ એવા સમયે નિરાશ થઇ બેસી જવાને બદલે પોતાની જાતમાં અને સર્જનહારમાં અખૂટ શ્રધ્ધા રાખી કાર્ય કરતા રહીએ તો જીવનના તોફાનો એની જાતે શમી જશે..ને નવો રસ્તો નજર સમક્ષ ઝળહળતો દેખાશે..બંધ દરવાજા તરફ વધારે સમય સુધી તાકી રહેવાને બદલે ખુલ્લા દરવાજાની શોધ વધુ યોગ્ય નથી?એવું પણ કેમ ન બની શકે કે આપણે જે પસંદ કર્યું હોય તેના કરતાં ઇશ્વરે આપણા માટે વધુ સારું પસંદ કરી રાખ્યું હોય,,જે કદાચ તાત્કાલિક આપણને ન સમજાવાથી આપણે દુ:ખી થતાં હોઇએ.એટલે શ્રધ્ધા કયારેય ગુમાવીશ નહીં.

મનને આકાશની જેમ ખુલ્લુ રાખજે.દિવસોને નાની નાની વાતોથી રળિયામણું બનાવતા શીખવું જ રહ્યું.મોટી ખુશી કંઇ જીવનમાં રોજ રોજ નથી આવતી.પણ આનંદની નાની નાની લહેરખીઓ તો રોજ આવે છે.જો આપણે દ્રષ્ટિ ખુલ્લી નહીં રાખીએ તો એ કયારે આવી ને અદ્રશ્ય થઇ ગઇ ..અને આપણે ચૂકી ગયા એ પણ ખબર નહીં પડે.માણસ એ પરમનો અંશ છે.વસંત અને પાનખરની આવનજાવનનો હિસ્સો છે.ગ્રીષ્મ અને શરદની હૂંફ અને શીતળતાનો ભાગ છે.અને આ બધી કોરી વાતો નથી.જીવનસત્ય છે. આ યાદ રાખીશ તો જીવનમાં કયારેય હતાશા નહીં વ્યાપે.અને કહેવું જેટલું સહેલું છે..કરવું..અમલમાં મૂકવું આસાન નથી જ.પરંતુ અશકય પણ નથી જ.કદાચ બે પાંચ પળો માટે નિરાશ થઇ પણ જવાય ..પરંતુ ત્યારે આવા વિચારો યાદ કરી નિરાશાની ગર્તમાંથી સહેલાઇથી મુકત થઇ શકાય.વિચારોનું મહત્વ જીવનમાં ઓછું નથી.

અમે તો આજે વર્તમાનમાં અતીતની એ ક્ષણોને જીવંત બનાવી ફરીથી માણીએ છીએ.અને દરેક મા બાપના હક્કની જેમ તમારા ક્ષેમકુશળની ચિંતા કરીએ છીએ.ભલેને ચિંતા કરવા જેવું કંઇ ન હોય તો પણ…અને એક ભાવવિશ્વ સર્જાતુ રહે છે..જેની આગોશમાં અમે ભીના થતા રહીએ છીએ.
એ ભીનાશનો ભાવ તમારા સુધી પહોંચી શકતો હશે ખરો? એ ભીનાશ તમને સ્પર્શી શક્તી હ્શે ખરી?

“અહીંયા ફર્યું છે જે રીતથી ત્યાં પણ ફર્યું હશે,
એકાદ પીંછું યાદનું ત્યાં પણ ખર્યું હશે.”

સર્જનહારે આ સંબંધમાં ચપટી ભરી ને નહીં..પણ ખોબે ખોબે પ્રેમ..જરાયે કંજૂસ થયા વિના પ્રત્યેક મા દીકરી..કે બાપ દીકરીના સંબંધમાં ઢોળ્યો છે.કદાચ સમગ્ર માનવીય સંબંધોમાં સૌથી પવિત્ર અને કેવળ મુઠ્ઠી ઉંચેરો નહીં..પણ હિમાલય ઉંચેરો આ સંબંધ છે. અને પુત્રી આંખોથી દૂર હોય છે ત્યારે કદાચ વધુ નિકટતા અનુભવાય છે.આ મારો જ અનુભવ હશે

કે દરેક મા બાપનો ? આમેય કોઇએ કહ્યું છે ને?

”જિંદગીથી ખૂબ આઘે હોય છે,
ચહેરા જે ખૂબ ગમતા હોય છે.”

આજે મનમાં કબીરવડ સમી એકલતા ઘેરી વળી છે.અને યાદોના અંબાર એમાં અટવાઇ ગયા લાગે છે.અહીં જ અટકવું રહ્યું..નહીંતર…આજે કયા શબ્દો..કયાં સુધી સરતા રહેશે..તે ખબર નથી.

“વાતમાં ને વાતમાં જો તારી વાત નીકળી,
સાંજ ટાણે મહેકતી ત્યાં રાતરાણી નીકળી.”

__ બ્રિજ પાઠક

અનેક આશિષો સાથે મમ્મી.

“લગ્ન એટલે બે પરિવારિક સંસ્કૃતિ ના મિશ્રણનો અનેરો લહાવો..”હું” માંથી “અમે” તરફ જઇ જીવનને ગૂંજતું,ગાતું સૂરીલું બનાવવા નો સહિયારો પ્રયાસ. દુનિયામાં તારાથી ઘણી યે ચડિયાતી છોકરી ઓ છે.અને શુભમથી ઘણાં ચડિયાતા છોકરાઓ પણ છે .છતાં..તમે બંને કોઇ ઇશ્વરીય સંકેતથી જોડાણા છે.ત્યારે એ જોડાણ ફકત તનનું નહીં..મનનું..આત્માનું બની રહે.એવા સભાન પ્રયત્નો બંને એ કરવા જ રહ્યા.જીવનસાથી નું મૂલ્ય કયારેય ઓછું ન આંકીશ કે કયારેય કોઇ સાથે તેની સરખામણી ન કરીશ.તમે બંનેએ એકબીજાને પસંદ કર્યા છે..તો હવે એનું ગૌરવ જાળવવું એ તમારું પરમ કર્તવ્ય નથી? બંને વ્યક્તિનો ઉછેર અલગ માહોલમાં થયો હોય છે.ત્યારે બંને નો સ્વભાવ સ્વાભાવિક રીતે જ અલગ હોવાનો.બેટા, એકમેકને અનુકૂળ બની જીવન ને..જીવંતતાથી પામી રહો….”

ભાવવિશ્વ....16

દીકરી…એટલે…

શીતળ હવા
બંધ આંખોએ પણ
અનુભવાતી.

બેટા ઝિલ,

લીલાછમ્મ સ્મરણોની પીઠી ચોળી ને ઉભો હોય તેવો ઉનાળાનો તડકો આપમેળે સડક પર કર્ફયુ લાદી દે છે.મનમાં સ્મરણોની વસંત ઉગી છે.અને હું ગણગણી રહુ છું..શ્રી માધવ રામાનુજની આ મનગમતી લાઇન..

”સગપણના સાંધ્યા અણદીઠ તાંતણા,
ભીના દીધા રે અમને સંભારણા..”

આજે તારી છેલ્લી પરીક્ષાનું છેલ્લું પેપર હતું.પેપર સારું જ ગયું હશે એની ખાત્રી હોવા છતાં છ વાગે પેપર પૂરુ થવાના સમયની વ્યાકુળતાથી રાહ જોતી હતી.તને અમારી હમેશની તાકીદ રહેતી કે પેપર પૂરું થાય ,હોલમાંથી બહાર નીકળ..એટલે પહેલું કામ ફોન થી ખબર આપવાનું કરવાનું.પછી બધા મિત્રો સાથે ચર્ચા કરવાની કે ગપ્પા મારવાના..! કયારની આંટા મારતી હતી.આજે ઘડિયાળ બંધ પડી ગઇ છે કે શું?કે ધીમી પડી ગઇ છે?હજુ છ કેમ નહોતા વાગતા?
તે દિવસે યે સાંજે છ વાગેલ.તું દસમા ધોરણમાં હતી.રોટરી કલબ દ્વારા યુ.એસ.ની સીનસીનાટી યુનીવર્સીટી તરફથી લેવાતી પરીક્ષામાં ખૂબ પ્રેસ્ટીજીયસ એવોર્ડ તને મળેલ.(અને પછી ના વરસે તારા ભાઇને..મીત ને..એક જ ઘરમાં બે વાર એ એવોર્ડ ગયા હોય તેવો રેકોર્ડ પ્રથમવાર બન્યો.) અત્યાર સુધીમાં તમે ભાઇ બહેને મેળવેલ મેડલોથી ઘરનું શો કેસ અને સર્ટીફિકેટો થી ફાઇલો ભરાઇ ગઇ હતી.ભણવાથી માંડી..દરેક પ્રવૃતિઓમાં તમને ઇનામ..મેડલ ન મળ્યા હોય તેવું ન બનતું.અને હું..અમે… દરેક મા બાપની જેમ ફૂલ્યા ન સમાતા.

તે દિવસે સાંજે છ વાગે યોજાયેલ સત્કાર સમારંભમાં તારે બોલવાનું હતું.. આ એવોર્ડ તું મેળવી શકી તેના કારણ આપવાના હતા. માઇક પરથી રેલાતા તારા અવાજે મે મહિનાની ગરમી માં યે મારા મનમાં શીતળતા..ઠંડક પ્રસરાવી દીધી હતી.આજે યે એ અવાજ મારા મનમાં ગૂંજે છે,

”this credits goes to my mother only”ત્યારે પ્રેસીડેન્ટે પૂછયું,” why only mother?why not father?”અને તેં જવાબ આપ્યો,”as father is devoted to company..Tata chemicals.”

મારી આંખોમાં પાણી છલકાઇ આવ્યા.તું સ્ટેજ પરથી દોડી ને આવી અને મને પગે લાગી અને પપ્પાનેં ભેટી પડી.”papa,dont u feel bad ne?”અને તારે પપ્પાએ કહેલ,,”ના,બેટા,આજે તેં તારી મમ્મી ને ગૌરવ આપ્યું છે.જાહેરમાં તેની મહેનતનો સ્વીકાર કરી ને..i am also happy and proud of you,beta.”અને હું સાતમા આસમાને વિહરતી હતી.

દરેક મા બાપ પોતાના બાળકના વિકાસ માટે, કોઇ અપેક્ષા વિના બધું કરતા જ હોય છે..પણ બાળક જયારે જાહેરમાં એનો ઋણ સ્વીકાર કરે ત્યારે મા બાપ ને એનું ગૌરવ અને આનંદ જરૂર થાય છે.કોઇ બાળક કહેશે..મારી સખત મહેનત નું પરિણામ છે…ત્યારે યે એમાં દ્રશ્ય કે અદ્રશ્ય રીતે મા બાપ નો ફાળો હોય જ છે.બાળક એ સ્વીકારે કે ન સ્વીકારે..એ એના સંસ્કાર પર આધારિત છે.પણ એથી હકીકત બદલાતી નથી.

એટલે એ મંગલ ક્ષણે તારા એ જાહેર સ્વીકારે મારા માતૃત્વને ગૌરવવંતુ બનાવ્યું ને મારી જીવનક્ષણો મહેકી ઉઠી હતી..એક ક્ષણમાં..એ એક વાકયમાં મેં કેટલું માણી લીધું હતું.!

અને હમણાં મારા હાથમાં તમારા નાનપણની તમે લખેલી ડાયરીઓ આવી.અને વાંચતાની સાથે જ હું ને પપ્પા હસી પડીને એ દિવસોમાં પહોંચી ગયા.યાદ છે…તમે નાના હતા ચોથા ને પાંચમા ધોરણમાં હતા ત્યારે રોજ રાત્રે સૂતા પહેલાં આખા દિવસમાં કેટલા સારા કામો કર્યા ને આજે કેટલા તોફાન કર્યા..તેની એક ડાયરી રાખતા.
એમાં બે વિભાગ રાખેલા.”GOOD DEED : “BAD DEED” “બેડ ડીડ”

મતલબ તોફાન મસ્તી…કે ભાઇ બહેન ઝગડયા કે એવી કોઇ પણ નાની વાતનો એકરાર..તમારે તમારી જાતે કરવાનો રહેતો..ને પછી દરેક ગૂડ ડીડ બદલ મારે તમને એક રૂપિયો આપવાનો..ને દરેક બેડ ડીડ બદલ એક રૂપિયો કાપવાનો.અને અંતે ચેક કરવાનું..કે તમને કેટલા રૂપિયા મળે છે?આ આખી પ્રોસેસ આપણો સારો એવો સમય લેતી.અને ભાઇ બહેન બરાબર ચેક કરતા કે હિસાબ કિતાબ બરાબર થાય છે કે નહીં?”ના,ના, મમ્મી,આજે ઝિલ ને તો કેટલીવાર લેશનનું કહેવું પડયું હતું?જાતે કંઇ નહોતું કર્યું…એટલે એ એ એનું બેડ ડીડ થયું. !!”અને આજે મીત “પ્રાર્થના કર્યા સિવાય સૂતો હતો..એ એનું બેડ ડીડ થયું…” બંને પોતા કરતાં બીજાનો હિસાબ બરાબર રાખતા.! અને એમાંથી મારે જે જાણવું હોય તે મને મળી રહેતું.!!

(આજે યે મારી પાસે આ ડાયરીઓ મોજુદ છે.સમય આવ્યે તમારા બાળકોને આપીશ હું..!!)

અને રોજ સાંજે બહાર હીંચકા પર બેસી મારે “પેડલ પર પૃથ્વી પરિક્રમા” ચોપડીના એકાદ બે પ્રકરણ વાંચવાના.અને રાત્રે લે મિઝરેબલની વાર્તા કરવાની.!! અને તમે ઉંઘભરી આંખે .”મમ્મી,હજુ થૉડીવાર કહે ને..!!”ની ડીમાન્ડ કરતા રહેતા.ચકા ચકી ની વાર્તાઓથી માંડીને ક.મા. મુનશી.કે દર્શકની “બંધન અને મુક્તિ” સુધી ની ભાવસૃષ્ટિમાં આપણે સાથે વિહરતા.સાંજે તો આપણા ઘરમાં લાઇબ્રેરી હોય તેવું જ વાતાવરણ રહેતું.આમે ય નાનપણથી રમકડા કરતા પુસ્તકો સાથે તમારો પરિચય વધારે જ રહ્યો છે ને?જે આજે યે જળવાઇ રહ્યો છે બંને માં.આજે યે તમેને પુસ્તકોની દુનિયામાં ખોવાઇ જવું ગમે જ છે ને?
પપ્પા તો જેટલીવાર બહારગામ જાય તેટલીવાર તમારા માટે સરસ અંગ્રેજી પુસ્તકો ખાસ લઇ જ આવે..અને ટપાલની નવી નવી ટિકિટો લાવવાનું પણ કયારેય ન ભૂલે .સરસ મજાના મોટા આલ્બમો આજે યે ઘરમાં સચવાયેલ છે.તમે કેટલું યે લખ્યું છે એમાં. !

આવી બધી સ્મૃતિઓ દરેક માતા પિતા પાસે હોય જ છે.તમને અત્યારે આ બધી વાતો કદાચ આજે ગૌણ લાગે..પણ અમારે માટે એ યાદો નો અમૂલ્ય ખજાનો છે.અને આવતી કાલે જ્યારે તમે મા બાપ બનશો ત્યારે તમને યે અતીતની ગલીઓમાં થોડીવાર વિહરવું જરૂર ગમશે.અને તમારા બાળકોને તમારી વાત કરવાનું પણ ગમશે જ. આ સિલસિલો ચાલુ જ રહે છે.બાળક ને માતા પિતાની આંખોમાં મોટા થતા વાર લાગે છે.આ સાથે કયાંક વાંચેલ એક પ્રસંગ યાદ આવે છે .જે ટાંકવાનો લોભ જતો કરી શકતી નથી.

’એક યુવાન ધોમ તડકામાં છાપરા પર કામ કરી રહ્યો હતો.પિતા નીચેથી તેની ચિંતા કરતા હતા.અને ઘરમાં અંદર આવી જવા વિનવતા હતા.પણ યુવાન નીચે ઉતરવાનું નામ નહોતો લેતો.અંતે પેલા વૃધ્ધ પિતાએ ઘરમાંથી તે યુવાનના નાના બાળકનું ઘોડિયુ જેમાં બાળક સૂતેલ હતું તે બહાર લાવી ને તડકામાં મૂકયું.પેલો યુવાન ગુસ્સે થયો..કે નાના બાળકને આમ તડકામાં મૂકાય?અને પિતાએ જવાબ આપ્યો.”તારા બાળકને એક મિનિટ તડકો લાગ્યો ..તો તને કેટલું દુ:ખ થયું..! મારે માટે તું આ બાળક સમાન જ છે.અત્યારે તું પણ એક પિતા છે..અને હું પણ એક પિતા છું.! અને તેથી આપણા બંને ની ચિંતા સમાન છે.”યુવાન કંઇ બોલ્યા સિવાય નીચે ઉતરી ગયો. કહેવાનો અર્થ એટલો જ કે..અત્યારે કદાચ તમને અમારી લાગણી ન સમજાય…પણ જયારે તમે અમારી જગ્યાએ આવશો ત્યારે આ જ લાગણીઓ જરૂર અનુભવશો.દરેક દીકરા કે દીકરી બંને માટે આ જીવનનું પરમ સત્ય છે.અમે પણ એક જમાનામાં અમારા માતા પિતાને ..તેમની ભાવનાઓને નહોતા સમજી શકતા..પણ આજે …આજે દીવા જેવું સ્પષ્ટ દેખાય છે..સમજાય છે.

અરે,આ શેનો અવાજ?શું વાગે છે?ઓહ..!! છ વાગી ગયા.. તારો ફોન…હું કયાં ખોવાઇ ગઇ હતી?અતીતની કઇ ગલીઓમાં ઘૂમી આવી?

મોડુ કેમ થયું?એવા મારા પ્રશ્નના જવાબમાં તે કહ્યું,”મમ્મા,બરાબર છ વાગે શુભમ નો ફોન આવી ગયો હતો.અને મને યાદ આવી ગયું..હા,”હવે તું કંઇ મારી એકલીની નથી રહી.મારા એકાધિકાર માં કોઇ ભાગીદાર આવી ગયું છે..
દરેક મા ના એકાધિકારમાં કોઇ અજનબી અચાનક આવીને ભાગ પડાવી જાય છે.ત્યારે દીકરી મા ની મટી નથી જતી.પણ કોઇની થઇ જરૂર જાય છે.પ્રકૃતિનો એ તકાજો છે. કુદરતનો એ નિયમ છે. એનો સહર્ષ સ્વીકાર કરી મા એ દીકરીના બદલાતા ભાવ જગતને પ્રેમથી આવકાર આપવો જ રહ્યો.દીકરીની યૌવન સહજ લાગણીઓનો સહજ સ્વીકાર આનંદિત હ્રદયે થવો જ જોઇએ ને?

“સંગ જો હોય સાજનનો ને ગરમાળામાં ફૂલો રે;
વૈશાખી વહાલપની મોસમ, બાકી સઘળું ભૂલો રે..”

સાજનના સંગમાં વહાલથી વિહરતી રહે એ આશીર્વાદ સાથે અહીં જ વિરમું?

અરે હા,આજનું જીવન પાથેય તો વિસરાઇ ગયું. એ કેમ ચાલે?વહાલી દીકરી ને સંસ્કારનો કરિયાવર તો આપવો જ રહ્યો ને?

“બેટા,લગ્નથી સ્ત્રીની સ્વંતંત્રતાનો લોપ થાય છે એવું કયારેય વિચારીશ નહીં..સ્ત્રી બીજા કુટુંબમાં દૂધમાં સાકર ભળે તેમ ભળી જાય છે.દૂધમાં સાકર ભળે ત્યારે તે પોતાનું અસ્તિત્વ ગુમાવતી નથી.પણ મીઠાશ સ્વરૂપે જાળવી રાખે છે..તારે પણ તારું અલગ અસ્તિત્વ જાળવી રાખવાનું છે..પણ મીઠાશ સ્વરૂપે.. એ માટે નારી મુક્તિનો ઝંડો ફરકાવવાની કોઇ જરૂર નથી.પણ તારી મીઠાશનો સ્વંત્રત એહસાસ કરી શકે અને બધાને કરાવી શકે એ રીતે તારું ગૌરવ જાળવી રાખવાનું છે ,બેટા,..અને તેજી ને તો ટકોર જ હોય ને? થોડુ લખ્યું છે..ઝાઝુ કરીને વાંચજે અને અમલ કરજે.પરમકૃપાળુ પરમાત્મા તને એ શક્તિ અર્પી રહે એ પ્રાર્થના સાથે.”

માનું વહાલ.

વાચકોના પ્રતિભાવ