Saturday, July 28, 2007

ભાવવિશ્વ…..28 : અમે રે લીલુડા વનની ચરકલડી

શબ્દોમાં કદી
વ્યકત ન થાય
ભાવની ભીનાશ.

વહાલી ઝિલ,

“ હમણાં જ જાન
ઉઘલી હોવાની,
સાબિતિ આપતો
વેરણછેરણ માંડવો
ઉદાસ એકલો ઉભો .”

ઘરમાં હજુ સ્નેહીઓ છે. માંડવો છે, રોશની છે, આસોપાલવના તોરણ છે. કશું જ તો નથી બદલાયું. અને છતાં …છતાં..માંડવો અણોહરો થઇ ને ઉભો છે. આજે એના માન પાન, રૂઆબ કોણ લૂંટી ગયું ?
જયંત પાઠકની પેલી કવિતા સ્કૂલમાં ભણેલ અને પછી ભણાવેલ એ અનાયાસે મનમાં રમી રહી.

આખરે ઉજાગરાનો અંત આવ્યો,
લગન ઉકલી ગયા…. ……………………
બધું બરાબર છે… ……………..
આંખમાંથી ટપકું ટપકું થાય છે ખારો ખારો પ્રશ્ન:
” મારી દીકરી કયાં ?”

મારી આંખમાં યે આ ખારો ખારો પ્રશ્ન આજે ઉગે છે.

સાંજે હજુ રીસેપ્શન છે. અને ખાસ તો એ પહેલાં તું એકાદ કલાક માટે આવવાની છે એનો ઇન્તજાર છે. મન તારો પગરવ સાંભળવા ઝંખી રહે છે. આજે કેમાં યે ચિત્ત ચોંટતું નથી. કંઇ કરવું ગમતું નથી. અમે બધા આંટાફેરા કર્યા કરીએ છીએ. મને, પપ્પાને કે મીતને કંઇ ખબર નથી પડતી કે શું કરવું ? કામો તો યંત્રવત્ ઉકેલાતા રહે છે. નાની હતી અને ઉંઘમાં હસતી તો એ પણ અમારે માટે સમાચાર બની જતા. અને.આજે આખું ઘર છોડીને ગઇ ત્યારે એ સમાચાર નથી બનતા..સંસ્મરણો બને છે.

”ડાળ છોડીને ગયું પંખી પછી
કાનમાં કલરવ તમારા હોય છે.”
એ કલરવની આજે પ્રતીક્ષા છે.

”વૃક્ષ અને પંખી બે વાત કરે છે
ત્યારે ખીલે છે લીલેરો રંગ”

આપણે પણ વાતો કરતાં ત્યારે યે એ લીલેરો રંગ હમેશા ખીલી ઉઠતો ને ? જોકે કયારેક એ રંગ લાલ પણ થઇ જતો…!!! પણ એ લાલ રંગમાં યે છાંટ તો લીલેરા રંગની જ રહેતી ને ? અને હવે ? એ દિવસો ફરીથી આવશે ? કયારે ?

લગ્નને બીજે દિવસે એક મા નું વિશ્વ કેટલું..કેવી રીતે બદલાઇ જાય તે આજે અનુભવ્યું. એક જ વ્યક્તિની ગેરહાજરી, કેવો ખાલીપો, કેવો સૂનકાર સર્જી શકે છે..તે અનુભવ વિના ન સમજાય. અને તું તો અમારા…આપણા ઘરનું વાવાઝોડું હતી. યાદ છે ? તું હોસ્ટેલમાંથી ઘેર આવે ત્યારે આપણે ઘેર કામ કરતાં દેવીબહેન હમેશા કહેતા, ‘ ઝિલ આવે એટલે ઘરમાં જાણે વાવાઝોડુ આવ્યું. અને જાય ત્યારે જાણે એકી સાથે ઘરમાંથી પચીસ માણસો ઓછા થઇ ગયા હોય તેવું લાગે. ‘
દૂધવાળો આવે છે અને તેને જોઇને રમેશ પારેખનું કન્યાવિદાયનું એક સુંદર ગીત મનમાં દોડી આવ્યું. આખું તો અત્યારે યાદ નથી.પણ કંઇક આવું હતું.

”વાડીએથી પાછા આવીને, ……………………………. ………………………………..
બધું કામ પતાવી દીધું તાબડતોબ…
………………………………………….
દૂધવાળો આવ્યો,
ત્યારે તપેલી ધરતા મા એ કહ્યુ,
” એક પળી ઓછું .”
ત્યારે બધું આટોપાઇ ગયું..!
સામસામે ફંફોસતા એકમેકને અને કોઇને કોઇ જડતું નહોતું.! ”

કોઇ પણ મા ની આંખમાં પાણી લાવી દેવાની સમર્થતા છે આ શબ્દોમાં. હું તો રમેશ પારેખ જેવી કવિ નથી. પણ એથી મારી કે કોઇ પણ મા ની સંવેદના કવિથી ઓછી હોતી નથી.

દીકરી..ની વાતુ કરવા બસ,
હવે રહ્યા પડછાયા,
મીંઢોળબંધો હાથ કરી ગયો,
સૂનો આંગણવાસ.”

આજે યે મોસમ માતબર છે, ફૂલોની ખુશ્બુ યે કાલ જેવી જ છે, વરસાદી માટીની મહેક પણ એ જ છે. પણ એ માણવાની..જોવાની દ્રષ્ટિ કયાં ? આજે દ્રષ્ટિ, મન તારી પ્રતીક્ષામાં સ્થિર છે. સૌન્દર્ય આમેય વસ્તુમાં નહીં..દ્રષ્ટિમાં જ સમાયેલ છે ને ? દ્રષ્ટિ બદલાતા સન્દર્ભો..મૂલ્યો કેવા બદલાઇ જાય છે.! અને ત્યાં તું આવે છે એવો સંદેશ લઇ ને વાયરો આવ્યો કે પછી કાલિદાસનો મેઘ આવ્યો.!

અને તું આવી…!! હજુ ઘરમાંથી તને ગયે પૂરા ચોવીસ કલાક નહોતા થયા. પણ આ ચોવીસ કલાકમાં તારામાં એક બદલાવ આવ્યો હતો..ચહેરા પર એક ઉજાસ ઉઘડયો હતો. એ હું અનુભવી શકી. તારું આકાશ..તારી ક્ષિતિજો બદલાઇ હતી .કળી માંથી ફૂલ બનવું એટલે શું ? એ શબ્દોમાં સમજાવી શકાય ખરું ?
શું બોલવું તે મને કે તને ખબર નહોતી પડતી. તું મને ભેટી પડી. તારી આંખોમાં એક ચમક હતી. ઉલ્લાસ હતો, એક ચૈતન્ય હતું. અને એ ચમકે તારા સમાચાર મૌન રહીને ધીમેથી મારા કાનમાં ગણગણ્યા. આપણે મા દીકરીએ કોઇ શબ્દો વિના ઘણી વાતો કરી.

અને તારે થોડીવારમાં “તારે ઘેર”જવાનું હતું.! આ પગફેરાનો રિવાજ કદાચ એટલા માટે પડયો હશે કે લગ્ન પછી દીકરીને કોઇ તકલીફ હોય, કોઇ માર્ગદર્શનની જરૂર હોય..કંઇ પણ હોય તો કહી શકે. જે પણ કારણ હોય તે..પણ એ બહું સારો રિવાજ છે એમ મને લાગે છે. દીકરીનું હસતું મોં જોઇને મા ના દિલમાં એક પરમ પ્રસન્નતાની લહેર દોડી રહે એ સ્વાભાવિક જ છે ને ?

દરેક માતા પિતા એટલું જ ઇચ્છે છે કે દીકરી હસતી આવે ને હસતી જાય. અને સૂનુ આંગણું થોડીવાર માટે કલરવ કરી રહ્યું. તોરણો ટહુકી ઉઠયા અને અણોહરો
બની ગયેલ માંડવો યે ફરીથી રોફ મારી રહ્યો..ગુલમહોરની જેમ ઘર ખીલી ઉઠયું. લતા હીરાણીનું એક નાનકડું કાવ્ય મારા મનમાં દોડી આવ્યું.

”ક્ષણમાં પ્રગટે,સઘળા દીવા
ક્ષણમાં રણકે સ્વર
ક્ષણમાં ઉઘડે, ક્ષણમાં પ્રસરે
સુગંધ લઇ ઉંબર “

અને મહેમાન બની આવેલ દીકરીને રિવાજ મુજબ ભેટ આપી ભીની ભીની વિદાય આપી.
અહીં એક લોકગીત ટાંકવાનો લોભ જતો નથી કરી શકતી.

” ઉંચી પડથારેથી કેસર ઉમટયા,
રથ વેલ્યુ હાલે રે ઉતાવળી
વેલ્યમાં બેસીને બેનીબા હાલ્યાં
દાદાજી આવ્યા છે વળાવવા. ”

સાંજે રીસેપ્શન હોવાથી ફરી એકવાર તૈયાર થવાની ધમાલ ચાલી. ઝિલ આજે કેવી તૈયાર થઇ હશે..કેવી લાગતી હશે એ જોવાનું મન હોય જ ને ?

સામાન્ય રીતે કોઇ ના યે રીસેપ્શનમાં જવાનું હોય ત્યારે મને કંટાળો જ આવે. ખાસ કરીને કોઇ અંગત ન હોય પણ વહેવાર માટે જવાનું હોય ત્યારે. પ્લાસ્ટીકીયા સ્માઇલ પહેરીને ” હેલ્લો ને હાય ” કરતા હાથમાં ડીશ લઇ ફર્યા કરવાનો ત્રાસ લાગે. આપણા પ્રસંગોમાં બીજા ને યે એવો જ ત્રાસ લાગતો હોય એ સ્વાભાવિક છે. અને એટલે આપણે બધા જતા હોઇએ છીએ. કદાચ એવું વિચારીને પણ કે આજે આપણે ન જઇએ તો કાલે આપણે ત્યાં પણ કોઇ ન આવે. અને પ્રસંગ તો માણસોની હાજરીથી જ શોભી રહે ને ?
પણ….આજે તો એવો કોઇ સવાલ કયાં હતૉ ? આજે તો સૌથી પહેલા પહોંચવાનું મન હતું. જેથી તમને બંને ને નિરાંતે જોઇ શકાય..મળી શકાય.

કાલે તું નખશિખ ભારતીય ડ્રેસમાં સજ્જ હતી.અને આજે..આજે પૂર્વમાંથી પશ્વિમ તરફ પહોંચી ગઇ હતી. પણ બંને રીતે તું શોભી ઉઠી હતી. એમાં બે મત નથી જ. જોકે મને તો આમેય એમ જ લાગે ને ? અને તને જોઇને હર્ષદ ચંદારાણાની આ પંક્તિ મારા મનમાં તરત જ દોડી આવી.

”તારલાઓ ચૂંદડીએ ટાંકિયા રે પાન અવસરના,
તેજ અતલસ ઘૂંઘટડે ઢાંકિયા રે પાન અવસરના.”

તારલિયાની જેમ ઝગમગતી તને જોઇ હૈયે હરખ છલકી આવ્યો.

સ્ટેજ પર આવી હાથમાં કવર આપી ને આજે ફોર્માલીટી નહોતી કરવાની. આજે તો દીકરી જમાઇને મનભરી સાથે નીરખવાના હતા. હવે તો તમે કયારે જોવા મળશો એ કયાં ખબર હતી ? કાલે તો તમે નીકળી જવાના હતા. સ્ટેજ પર થોડી જગ્યા થતાં અમે… હું ને પપ્પા….ઉપર આવ્યા.તમને ભેટી પડયા.તમે પગે લાગ્યા અને અમારા મૌન આશીર્વાદ હમેશની જેમ વરસી રહ્યા. હવે તો…

” શીતળ વડલાને છાંયે સંચરી,
પાંખો આવી કે ઉડવું,
જઇ ગગને વિચરવું
ખાવા વિસામો કોઇ ‘દિ આવવું .”

વિસામો ખાવા આવવાની જ હવે તો રાહ જોવાની રહી.
બાકી આજે તો….
” મૂળ મેલ્યાને છાંયડા ઝાલિયા રે પાન અવસરના,
ઝાડ છોડી ડાળીબેન હાલિયા રે પાન અવસરના. .”

બસ…અમારા માળામાં એક સવારે અવતરેલ નાનકડા પંખીને આજે પાંખ આવી ગઇ હતી. અને પાંખ આવે ને ઉડે નહીં એ કેમ ચાલે ?

બેટા, જીવનઆકાશમાં તું વિહરી રહે…અને તારા કલરવથી અમારો સૂનો બનેલ માળો સમયે સમયે તારા કલરવથી..તારા ટહુકાથી ગૂંજતો રહે ..એ જ પાર્થના દરેક મા ની પોતાની દીકરી માટે હોય ને ?

મા.

No comments:

વાચકોના પ્રતિભાવ