Saturday, July 28, 2007

ભાવવિશ્વ…27 : અપને પિયાકી મૈં તો બની રે દુલ્હનિયા…

પાનેતર પહેરી
સોળ શણગાર સજી,
કર્યો સૂનો આંગણવાસ.

વહાલી ઝિલ,

“ લાડલી દુહિતા આજ સાસરે સિધાવે,
વાયુ, તું પ્રેમ થકી, મીઠા ગીત ગાજે,
સંગીતે જીવન ઉપવન સજાવજે “

આજે તને સોળે શણગાર સજાવાઇ રહ્યા છે. પાનેતરનો લાલ રંગ તારા અંગેઅંગમાં ગુલમહોરની જેમ મહોરી ઉઠયો છે. મહેંદીવાળા હાથમાં ચૂડીઓનો ખનખનાટ રણકી રહ્યો છે. તારી કાજળઘેરી આંખોમાં સોણલા તરી રહ્યા છે. તારા સમગ્ર અસ્તિત્વમાં છલકતો ઉત્સાહ હું જોઇ શકું છું…અનુભવી શકુ છું. હીરાકણી જેવી તું આજે ચમકી રહી છે. અને મારા રોમેરોમમાં થી દુવાઓ સરી રહી છે. હું એકીટશે જોઇ રહું છું. તારી આંખોમાં મેઘધનુષી સપના છલકી રહ્યા છે.

તારા પહેલા બર્થડે ઉપર પહેલીવાર તને કેવી સરસ તૈયાર કરી હતી..અને તું ડગુમગુ ચાલતી હતી. આજે યે તારા પગલા ધીમા પડી ગયા છે. અને મારી આંખોમાં તું ચાર વરસની હતી ત્યારનું એ દ્રશ્ય અનાયાસે રમી રહે છે. ત્યારે પણ તું દુલ્હન બની હતી. ફેન્સી ડ્રેસ હરિફાઇ માં. ફરક એટલો હતો કે ત્યારે તારી આંખોમાં આજના શમણા હજુ ઉગ્યા નહોતા. તું તો સરસ મજાનું બધું ..બંગડીઓ ને દાગીના ને એવું બધું પહેરવા મળ્યું એટલે હરખાતી હતી. અને આનંદથી બંગડીઓ ખખડાવતી બધાને બતાવતી હતી. નાનકડી દુલ્હન નો એ ફોટો આજે યે આલ્બમમાં સ્મૃતિ બની ને બેઠો છે. આજનો આ ફોટો કદાચ એ ફૉટાની બાજુમાં જ હું રાખીશ. અને ત્યારે સ્ટેજ પર તેં કયું ગીત ગાયું હતું..યાદ છે ? કેટલા દિવસ સુધી તને એ ગીતની પ્રેકટીસ કરાવી હતી.

“અપને પિયાકી મૈં તો બની રે દુલ્હનિયા…”

આજે જયારે તું તારા પિયાની દુલ્હન ખરા અર્થમાં બની છે ત્યારે ગાવાને બદલે મૌન મલકાટ તારા પ્રત્યેક અણુ માંથી નીતરે છે. મારી સમક્ષ તારા એ બંને સ્વરૂપ રમી રહે છે. નજર સામે મોટી થતી દીકરી ખરેખર કયારે મૉટી થઇ જાય છે..તેની ખબર પડે ત્યાં તો
અચાનક એક સવારે ઘરની…પિયરની વિદાય લેવાની વેળા આંગણે આવી ને ઉભી રહી જાય છે.

“પીપળાએ આંખના આંસુને લૂછતાં.
વડલાને ધીમેથી વાત કીધી સાનમાં
સોનલ સિધાવે છે સાસરે ,કહો તેને
દઇશું ભેટ કઇ પિયરની યાદમાં?”

સ્નેહરશ્મિ નું મારું આ ખૂબ માનીતું ગીત અહીં આખું યે મનમાં ગણગણી રહુ છું.
ભૌતિક ભેટો નો તો કયાં પાર છે?

“વડવાઇ એક સુણી મલકાતી બોલી, ’
અંબોડે સૂરજ ને ચાંદલો લલાટે,
કાને રૂપાળી રૂડી તારલાની ઝૂલ
ને નૈયા આનંદની સૌભાગ્ય - ઘાટે.! “

વડવાઇ તો સ્નેહથી આ ગાઇ રહી.પણ મારી પાસે તો આજે કંઇ જ નથી.
કોઇ મા પાસે આજે..આ ક્ષણે શું હોઇ શકે ? કોઇ શબ્દો નહીં…બસ હોય છે એક મૌન.! પરમ મૌન. આશીર્વાદ નીતરતું મૌન. મૌન મંગલકામના જાણે દસે દિશાથી ઉતરી આવે છે. આજે એક મા ના અસ્તિત્વનો અંશ તેનાથી જુદો પડી રહ્યો છે. ત્યારે દરેક મા આવી જ અનૂભુતિ થી સભર હશે ને ?

બાવીસ વરસ પહેલા..તારા જન્મ વખતે પ્રથમ વખત તને જોઇ ને જે લાગણીથી હું અવાચક થઇ ગયેલ…”કે આ…આ મારી….મારી દીકરી….!! મારા અસ્તિત્વનો અંશ !!

આજે યે સોળે શણગાર સજી ને પાનેતર પહેરી ને તને ઉભેલ જોતા હું એમ જ અવાચક થઇ જાઉં છું. આ…આ..દુલ્હન…!! આ મારી ઝિલ…આ મારી દીકરી…!! અને આજે એ મારાથી દૂર જઇ રહી છે ? હું જ એને હોશે હોંશે પરમ વિશ્વાસથી કોઇને સોંપી રહી છું.! સમાજના કેવા રિવાજો છે ?

દીકરીને સાસરે વળાવવાની વાત કોઇ પણ મા બાપ માટે નવી નથી. આ ક્ષણની ખબર દરેકને હોય જ છે. અને આ ક્ષણની રાહ પણ જોતા જ હોય છે. એ માટેની તૈયારીઓ વરસોથી ચાલતી જ હોય છે. અને છતાં…છતાં ખરેખર એ ક્ષણ જયારે સામે આવી ને ઉભે છે…ત્યારે એ ક્ષણનો ભાર ઉંચકાતો નથી. જે ક્ષણની પ્રતીક્ષા હતી..એ ક્ષણ ને આવકાર દેવા માટે બે શબ્દો પણ કયાંક ખોવાઇ જાય છે.

અને..અને અંતે..પાંચ વાગી ગયા. સમય કોઇની રાહ થોડો કયારે ય જુએ છે ?
અને પાનેતર પહેરી તેં ઘરનો ઉંબરો ઓળંગ્યો.!!! ઘરની બહાર તો રોજ જતી હતી. પણ…આજે….

” હેત તણો હોકારો મારો પાદર (ઉંબર) સુધી ચાલ્યો..”

ઘરથી કલબનો રસ્તો બે મિનિટનો જ હતો. જે કલબમાં વરસો સુધી તું જીન્સ કે સ્કર્ટ કે હાફ પેન્ટ પહેરી બાસ્કેટબોલ કે બેડમિન્ગટન રમી હતી…જયાં તે કેટલાયે નાટકો, રાસ ગરબા, જેવા અનેક કાર્યક્રમો માં ભાગ લીધો હતો..એ જ જગ્યાએથી આજે તારા જીવનનો એક નવો અધ્યાય શરૂ કરવા તું જઇ રહી હતી.

પપ્પા કારનો દરવાજો ખોલી ને ઉભા હતા. રોજ દોડીને કલબમાં જતી તું..આજે ધીમેથી ગાડી પાસે આવી. ઘર સામે એક નજર નાખી. પપ્પાની આંખમાંથી પણ કોઇની શરમ રાખ્યા સિવાય આંસુ આજે છલકી રહ્યા. તું પપ્પાને ભેટી પડી. અને આપણા બંને ની નજર પડી…ફરી એક્વાર રચાયું..મા દીકરીનું એક અલગ ભાવવિશ્વ.! તું ને હું બંને મૌન હતા. પણ… એ મૌન માં કેટલી ઊર્મિઓ..
સંવેદનાઓના મોજા ઉછળતા હતા. શબ્દો તો એને વ્યકત કરવા માટે સાવ વામણા લાગે છે. મીત પણ એક શબ્દ બોલ્યા સિવાય તારી સામે જોઇ રહ્યો હતો. હમેશ બહેન સાથે લડતો, ઝગડતો મીત આજે મૌન થઇ ગયો હતો. ભાઇ બહેનની ધમાલ મસ્તી આજે કયાં ખોવાઇ ગયા હતા ? અને અંતે આપણે બધા ગાડીમાં બેઠા. અને ગાડી તને લઇ ને ચાલી……!!

“ વહેલડું હળવેકથી વાળજો
દીકરી ના લીંપા ગૂંપ્યા એમાં ઓરતા અકબંધ
કુમકુમ પગલામાં કુંવારી ભાત જો. ”

નાનપણમાં વાર્તા કરતાં ને કે..ઘોડા ઉપર રાજકુમાર આવે ને રાજકુમારી ને લઇ જાય !!….આજે શુભમ ખરેખર ઘોડા પર આવી પહોંચ્યો હતો મારી રાજકુમારી ને લેવા માટે.

અને ફરી વિધિઓની પરંપરા. હાર લઇ ને તું પહેરાવવા આવે છે. શુભમ અને તેના મિત્રો થોડી મસ્તી કરે છે. અને પછી ડાહ્યો થઇ ને તારી રાહ જોતો માંડવામાં સ્ટેજ પર બેઠો છે. તેને આ બધી વિધિઓમાં રસ નથી પડતો. એને તો તારી પ્રતીક્ષા છે. પણ આજે તો થોડીવાર બધી ચંચળતા ભૂલીને એ પણ શાંત બેઠો છે. એને માટે પણ આ સ્ટેજ ..આ જગ્યા કયાં અજાણ છે ? તારી જેમ આ સ્ટેજ પર એણે પણ અનેક કાર્યક્રમો કર્યા છે. પણ અત્યારે એને તો “ કન્યા પધરાવો સાવધાન ” ના શબ્દો ની પ્રતીક્ષા છે. આ સાવધાન કેમ કહેતા હશે ? એ મને નથી ખબર. પણ કોઇ કારણ જરૂર હોવું જોઇએ. કોનાથી સાવધાન ? આવતી જવાબદારીઓથી ? કે પછી વર કન્યાએ એકબીજાથી ? કે કન્યા આવે છે એની જાણ થાય અને બધા એલર્ટ બની જાય માટે સાવધાન કહે છે ? કે પછી માંડવાને સાવધાન થવાનું કહેવાય છે..કે હવે હસી મજાક બધું બંધ .હવે મંડપે પણ ગૌરવ જાળવવાનું છે. જે પણ કારણ હોય તે….પણ હવે આ ક્ષણે અંતે શુભમની અને બધાની પ્રતીક્ષાનો અંત આવે છે.

મામા સાથે તું ધીમા પગલે ઉપર ચડી..અને માંડવો ઝગમગી ઉઠયો. માંડવામાં યે જાણે ચેતનનો સંચાર થયો..અને એમાં પ્રાણ પૂરાયા. અત્યાર સુધી ઝાંખી લાગતી વિધિઓ પણ અચાનક ચેતનવંતી..ગૌરવવંતી બની ઝળહળી રહી. ગીતો ની રમઝટ તો અવિરત ચાલુ હતી. ફૈબાએ એટલા બધા ગીતો ગાયા કે બિચારા ગાવાવાળા..જેને ખાસ બોલાવેલ તે પણ ઝાંખા પડી ગયા. આમે ય એમને કંઇ ઘરનાની જેમ હોંશ તો ન જ હોય ને ?

કન્યાદાનની વિધિ ચાલી. મને જોકે આ વિધિ પાછળની ભાવના કયારેય પૂરી નથી સમજાઇ. હું વિચારતી હતી કે દીકરી થોડી કોઇ વસ્તુ છે ? કે એનું દાન કરાય ? પણ કોઇ એ સરસ અર્થ સમજાવ્યો જે મને તો ગમ્યો..
એ મુજબ..દીકરી એવી અણમોલ છે..કે કોઇ ગમે તેટલો શ્રીમંત કેમ ન હોય..પણ દીકરી પૈસાથી ખરીદી નથી શકતો. દીકરી તો એણે દાન તરીકે જ સ્વીકારવી પડે છે. પુત્રીના મા બાપ આપનાર છે..અને એ લેનાર છે. જીવનમાં કયારેય કોઇ આગળ હાથ ભલે લાંબો ન કર્યો હોય..પણ આજે તો એણે લાંબો હાથ કરીને દીકરીનું દાન જ લેવું પડે છે. એવી એ અણમોલ છે. અને એ અણમોલ દાન લેવા માટે સાજન માજન સાથે કન્યાને ઘેર આવવું પડે છે. બધાની સાક્ષીમાં હાથ લંબાવવો પડે છે. અને ત્યારે પુત્રીના માતા પિતા પરમ સ્નેહ ,આદર અને વિશ્વાસથી પુત્રીનો હાથ એના હાથમાં સોંપે છે. પોતાના કાળજાના કટકાને શ્રધ્ધાથી સોંપે છે. બેટા,એની સંભાળ રાખવાની જવાબદારી આજથી તને સોંપુ છું.

આ ભાવના જો સાચી હોય તો..આપનારનું સ્થાન હમેશા ઉંચુ હોય…દાન લેનારનું નહીં…પણ આપણા સમાજમાં તો એનાથી ઉલટુ ચિત્ર કેમ જોવા મળે છે ?

ખેર! આજે ચર્ચા કરવાનો કોઇ મૂડ નથી.

હંસી મજાક પણ ચાલતા રહે છે. ફૈબા આરામથી ફટાણા ગાય છે. જો કે મને પહેલાં પૂછી લીધું હતું..કે કોઇને ખરાબ નહીં લાગે ને ? તો જ ગાઇએ,મેં કહ્યું હતું,”ના..ના..કોઇને ખરાબ લાગે તેવા માણસો નથી. બે ઘડી હસી મજાકને સમજે છે. તમે તમારે ગાજો ” ને આમ છૂટ મળ્યા પછી એ થોડા મોકો મૂકે ?

” માણા(માણસ) એટલા પિયરિયાને પાણા એટલા સાસરિયા…”

અને હાસ્યના મોજા સાથે વિધિ ઓ તો ચાલતી જ રહી..શુભમના ઘરના પણ ફટાણા નો જવાબ તો આપતા હતા .કંઇક ગાઇને ..પણ ફૈબાનો બુલંદ અવાજ એ સાંભળવા થોડો દે?

પવિત્ર અગ્નિની સાક્ષીએ ફેરા ફરવાનો વિધિ પણ એમ જ હાસ્યની છોળો વચ્ચે પૂરો થયો. ચાર ફેરામાં જન્મજન્માંતર નો સાથ નિભાવવાના કોલ અપાયા. સપ્તપદીના વચનો ગોરમહારાજે સંભળાવ્યા…અને હસી મજાક સાથે સમજાવ્યા પણ ખરા. મીત નો પણ આજે સૂટમાં વટ પડતો હતો. બહેનને ફેરા ફેરવીને જાણે કેવી યે જવાબદારી નિભાવી હોય..કે પછી કેવી યે જવાબદારી આવી ગઇ હોય તેમ એ ગંભીર હતો. જાણે અચાનક પોતે મોટો થઇ ગયો હોય તેવું કદાચ અનુભવી રહ્યો હતો. નાનપણથી જેની સાથે હસી મજાક કર્યા હતા. ધમાલ મસ્તી કર્યા હતા, લડયા ઝગડયા હતા..અને આખી રાતો જાગી ને વાતો ના ગપ્પા માર્યા હતા. જે બહેને પોતે નાની હોવા છતાં ખોળામાં બેસી ને ખવડાવ્યું હતું..તે આજે સાસરે જતી હતી. ત્યારે સ્વાભાવિક રીતે જ મૌન બની ગયો હતો.

અને ફેરા પૂરા થતાં જ..
” હવે લાડી થઇ અમારી રે..”

સ્વાભાવિક રીતે જ સાસરાવાળા જોશમાં આવી જ જાય ને ? તેથી આ ગીત મોટેથી ગાઇ ઉઠયા. અને શુભમે મંગળસૂત્ર તારા ગળામાં પહેરાવ્યું. અને..એની આગળ તારા બધા દાગીના જાણે ફિક્કા પડી ગયા. એના કાળા મોતી સાચકલા હીરાની જેમ ચળકી રહ્યા.

મંગળસૂત્ર…હકીકતે એક પ્રતીક છે. એ પહેરાવીને છોકરો સ્વીકાર કરે છે..કે આજથી તારી રક્ષાની જવાબદારી મારી છે. અને છોકરી એનું ગૌરવ જાળવી રાખવાની ભાવના સ્વીકારે છે. માંગ ભરાય છે. એ ચપટીક સિંદૂર આગળ આજે કપાળમાં ઝગમગી રહેલ સુંદર બિંદી પણ કેવી ઝાંખી લાગે છે.! એમાં સમાયેલ ભાવનાની ભીનાશને લીધે દેદીપ્યમાન બની રહે છે. આમે ય જીવનમાં ભાવનાની ભીનાશની તોલે બીજું કંઇ આવી શકે ખરું ?

“ બેટા,તારી આંખમાં ઝળકે સૂરજ સોમ.
આંગળીઓના ટેરવે વસજો આખું ય વ્યોમ.
બેટા,તારી પાનીથી ઝરજો કુમકુમ રંગ
તારા બંને હોઠ પર રહેજો હાસ્ય અભંગ.”

હસમુખ મઢીવાળાની આ રચના અંતરમાં વીજળીની જેમ ઝબકી ગઇ.આંખને ભીની કરી ને.
અને મજાક મસ્તી અને ગીતોની રમઝટ વચ્ચે કંસાર જમાડાય છે. વડીલોને પગે લાગી આશીર્વાદ લેવાય છે. હું એક ખૂણામાં ઉભીને આંખો લૂછતી રહું છું. જમણવાર ચાલે છે. મને તો શું જમવું એનું ભાન પણ કયાં રહ્યું હતું ? પપ્પા તને અને શુભમને કોળિયા ભરાવતા હતા.

રાત જામી રહી હતી. અને હવે વિદાયવેળા આવી પહોંચી. તારી આંખો પણ છલકતી હતી.
વહાલથી છલકતી આંખે દીકરીને ભેટી થોડું છલકી મનને મક્કમ કર્યું. જેથી મારી દીકરી વધુ રડે નહીં. એ ક્ષણનો ભાર ઝિલવો પપ્પા માટે યે કયાં આસાન હતો ? પુરુષના અહમ ને કદાચ દીકરી જ ઓગાળી શકે. દીકરી વિદાયની એ નાજુક ક્ષણ પિતાને પણ થોડીવાર માટે માતૃત્વ બક્ષે છે. એક પણ શબ્દ વિના એની આશિષો વરસી રહે છે. મીત પણ સજળ આંખે તારી સામે જોઇ રહે છે.

શબ્દો તો કોઇ પાસે નથી રહ્યા. શરણાઇના કરૂણ સૂરો રેલાઇ રહ્યા છે. જે વાતાવરણને વધુ ઘેરું બનાવે છે.પૈડુ સીંચવાની વિધિ ચાલી. આનો અર્થ શું હશે એ તો પૂરી કદાચ ખબર નથી. પણ દીકરીને સહીસલામત ઘેર પહોંચાડવાની ભાવનાના પ્રતીકરૂપે પૈડાની પૂજા કરવામાં આવતી હશે કદાચ.
મેઘરાજા પણ જાણે વિદાય લેતી પુત્રીને આશીર્વાદ આપતા હોય તેમ વરસાદના અમીછાંટણા છાંટી ને શુકન કરી રહ્યા. અને..
અને…આવા જ કોઇ પ્રસંગે અનિલ જોશી કદાચ ગાઇ ઉઠયા હશે.

” કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઇ ને ચાલ્યો.
પાદર બેસી ફફડી ઉઠતી
ઘરચોળાની ભાત
ડૂસકે ડૂસકે હડસેલાતી બાળપણાની વાત;
પૈડુ સીંચતા રસ્તો આખો
કોલાહલમાં ખૂંપે શૈશવથી ચીતરેલી શેરી
સૂનકારમાં ડૂબે.
અને જાન ઉઘલતી મહાલે….”

અને કાર દીકરીને લઇ ઉપડી જાય છે…..!!

અને અમે બધા..ખાલી હાથે..ખાલી આંખે… ભારે હૈયે.. ખાલી રસ્તાને નીરખતા ઉભા રહી ગયા..ઉભા રહી ગયા.

” જાન વળાવી પાછો વળતો દીવડો થરથર કંપે
ખડકી પાસે ઉભો રહીને અજવાળાને ઝંખે.”

“ શિવાસ્તે તવ પંથા:

બેટા, શકુંતલાને વિદાય આપતા કણ્વ જેવા ઋષિ ની આંખો પણ ભીની થઇ જતી હોય..તો આપણું શું ગજુ કે એને ખાળી શકીએ ?

મા નું અનરાધાર વહાલ.

બસ…બેટા,આજે કોઇ શીખામણ નહીં..કોઇ શબ્દો નહીં. વાણીનો કોઇ વ્યવહાર નહીં…મૌન આશીર્વાદ. ફકત આશીર્વાદ….

“ધીમા પગલાથી ઉંબરો ઓળંગતી,
આંસુની આંગળી ઝાલી.
લીલુડા પાંદડાની ઉછળતી વેલ,
હવે કંકુના પગલા દઇ ચાલી. રાખડીના તાંતણે બાંધેલ ફળિયું ,
હવે લાગે છે સાવ ખાલી ખાલી.”

અનિલ જોશી.
….

No comments:

વાચકોના પ્રતિભાવ