Thursday, October 18, 2007

ભૂલભુલૈયા - સમીક્ષા

નિર્માતા : ભૂષણ કુમાર-કિશન કુમાર નિર્દેશક : પ્રિયદર્શન સંગીત : પ્રીતમ કલાકાર : અક્ષય કુમાર, વિદ્યા બાલન, અમીષા પટેલ, શાઇની આહૂજા
પ્રિયદર્શનની 'ભૂલભુલૈયા' ને કોઈ ખાસ શ્રેણીમાં ન રાખી શકાય. કારણ કે, તેમાં હાસ્ય, ભય, રહસ્ય જેવા તત્વો સામેલ છે. છતાં પણ ફિલ્મ તે અપેક્ષાઓ પર ખરી ઉતરી નથી જે અપેશાઓ દર્શકોને આ ફિલ્મ સાથે હતી. એક નાનકડી કથાને પ્રિયદર્શને જોરદાર ખેંચી છે. હકીકતમાં આ ફિલ્મનો સમયગાળો બે કલાકનો હોવો જોઈતો હતો.

ફિલ્મની કથાવસ્તુ તરફ દૃષ્ટિપાત કરીએ તો...
ગામમાં રહેનારા બદ્રીનારાયણની એક હવેલી છે. આ હવેલીમાં તાળુ લાગેલું છે કારણ કે, તમામ લોકોનું માનવું છે કે, તેમાં ભૂત-પ્રેત રહે છે. બદ્રીના મોટાભાઈનો પુત્ર સિદ્ધાર્થ (શાઇની આહૂજા) પોતાની પત્ની અવની (વિદ્યા બાલન) ની સાથે અમેરિકાથી ગામડે આવે છે. તે ભૂત-પ્રેત જેવી વાતો પર વિશ્વાસ કરતો નથી. પોતાના પરિવારની મરજી વિરુદ્ધ તે હવેલીમાં રહેવા ચાલ્યો જાય છે. થોડા દિવસો બાદ સિદ્ધાર્થ અને અવની સાથે રહસ્યમય ઘટનાઓ ઘટવા લાગે છે. તમામ લોકો તેને ભૂત-પ્રેત સાથે જોડે છે, પરંતુ સિદ્ધાર્થને લાગે છે કે, કોઈના કોઈ એ ઘટના પાછળ છે. આ મુદ્દે તે પોતાના મિત્ર આદિત્ય (અક્ષય કુમાર)ની મદદ લેવાનો નિર્ણય કરે છે. આદિત્ય એક મનોચિકિત્સક છે. આદિત્ય આવીને એ રહસ્યો પરથી પડદો ઉઠાવે છે.

નિર્દેશન : પ્રિયદર્શને જે કથા પસંદ કરી છે તેના પર બધા લોકો વિશ્વાસ કરે તે જરૂરી નથી. આ કથાની સાથોસાથ કેટલાક એવા ઘટનાક્રમ ઘટે છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. એક નાનકડી વાર્તાને ખૂબ વિસ્તારિત કરવામાં આવી છે. ફિલ્મ અમુક સમયે કંટાળો પણ ઉપજાવે છે. ઈટરવેલ સુધી કથા આગળ વધવાનું નામ નથી લેતી. ત્યાં સુધીનો ભાર પ્રિયદર્શને પરેશ રાવલ, શાઈની આહુજા અને પરેશ રાવલના ખંભે નાખ્યો છે. ઈંટરવેલ અગાઉ અક્ષય કુમાર આવવાથી થોડી રાહત થાય છે પરંતુ ત્યાર બાદ ફરી ફિલ્મ કંટાળો ઉપજાવા લાગે છે. દર્શક ઈચ્છે છે કે, જેમ બને તેમ જલ્દી રહસ્યો પરથી પડદો ઉઠે. પરંતુ પ્રિયન ટાઈમપાસ કરતા રહે છે. ટેકનિકલ રીતે પ્રિયને ફિલ્મને શ્રેષ્ઠ બનાવી છે અને પોતાના કલાકારો પાસે શ્રેષ્ઠ અભિનય પણ કરાવ્યો છે.

અભિનય : એક વાર ફરી અક્ષય કુમારે સાબિત કરી દેખાડ્યું છે કે, હાસ્ય ભૂમિકાઓ ભજવનારો તે પાકો ખેલાડી છે. ફિલ્મનું સ્તર પોતાના અભિનય મારફત તેમને કેટલીય વખત ઉપાડ્યું છે પરતું ચરિત્રની નબળાઈના કારણે તે વધુ કંઈ ન કરી શક્યાં. વિદ્યા બાલનને અભિનયનો અવસર ફિલ્મના અંતે મળ્યો અને તેને તેનો પૂરો ફાયદો ઉપાડ્યો. શાઈની આહૂજાએ કેટલાક દૃશ્યોમાં ઓવરએક્ટિંગ કરી. અમીષા પટેલે આ ફિલ્મ શા માટે પસંદ કરી તે સમજથી બહાર છે. રાજપાલ યાદવનો રોલ નાનકડો છે પરંતુ તેઓ જ્યારે પણ પડદા પર આવ્યા દર્શકોમાં હાસ્યનું વાવાઝોડુ ફેલાવામાં સફળ રહ્યાં. પરેશ રાવલ, મનોજ જોશી અને અન્ય કલાકારોએ પણ પોત-પોતાની ભૂમિકાઓને ન્યાય આપ્યો.

‍અન્ય પક્ષ : પ્રીતમનું સંગીત સારુ છે. 'હરે કૃષ્ણા હરે રામ' ને હાલ ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ શ્રેષ્ઠ ગીત સાથે પ્રિયદર્શન ન્યાય ન કરી શક્યાં. તેમણે આ ગીતને ફિલ્મના અંતમાં રાખ્યું જ્યારે ફિલ્મ સાથે જોડાયેલા લોકોના નામ દેખાડવામાં આવે છે. આ ગીતને ફિલ્મની મધ્યમાં સ્થાન આપવું જોઈતું હતુ. ડાયલોગ અપેક્ષાનુરૂપ નથી. ફિલ્મના કેટલાક દૃશ્યો અર્થહીન છે. થીરૂએ પોતાના કેમેરાનો કમાલ દેખાડ્યો.તેમણે કેટલાક દૃશ્યોનું ફિલ્માંકન શ્રેષ્ઠ રીતે કર્યું છે. ફિલ્મનું એડિટીંગ કરવાની જરૂર છે. ઓછામાં ઓછી 45 મિનિટ ફિલ્મને નાની કરવી જોઈએ સરવાળે 'ભૂલભુલૈયા' એક એવી ફિલ્મ છે જેને પસંદ અને નાપસંદ કરનારા લોકોની સંખ્યા બરાબર છે.

(આ સમીક્ષા યાહુ ગુજરાતીમાંથી લેવામાં આવી છે.)

No comments:

વાચકોના પ્રતિભાવ